Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

ભજીયા, બેકરી સહિતના કામોમાં નિષ્ણાંત કેદીઓ હવે કરશે પેટ્રોલ પંપનું સંચાલન

રાજ્ય સરકારે મંજુરીની મહોર મારતાં રાજકોટ, બરોડા સહિતની જેલો દ્વારા પંપ માટે જમીન શોધવાની કાર્યવાહી શરૂ

રાજકોટ તા. ૨૨: રાજ્યની તમામ જેલોમાં કેદીઓની સુધારણા માટેની જુદી-જુદી પ્રવૃતિઓ ચાલતી હોય છે. સજા ભોગવવાની સાથોસાથ કેદી ભાઇ-બહેનો રોજગાર પણ મેળવી શકે તે માટેની ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. અત્યાર સુધી જેલના કેદીઓ દ્વારા ફરસાણ, ભજીયા, ફર્નિચર અને બેકરી સહિતના સંચાલન કરવામાં આવતાં હતાં. રાજકોટમાં તો કેદીઓ સંચાલિત ભજીયાના સ્ટોલ પર શોખીનોનો રિતસર તડાકો પડતો હોય છે. હવે કેદીઓ પેટ્રોલ પંપનું પણ સંચાલન કરશે. રાજ્ય સરકારે આ માટે મંજુરીની મહોર મારી દેતાં જેલોના અધિક્ષકો દ્વારા પેટ્રોલ પંપ માટેની જમીન શોધવાની પ્રાથમિક કાર્યવાહી કરી તેની દરખાસ્ત મોકલવાની વિધી કરવામાં આવી છે. રાજકોટ જેલના કેદીઓ સંચાલીત પંપ કુવાડવાથી આગળ વાંકાનેર આસપાસ બને તેવી શકયતા છે. એ તરફ જેલના પેટ્રોલ પંપ માટે જમીન શોધવામાં આવી રહી છે.

હાલ તુર્ત વડોદરા જેલના કેદીઓ સંચાલિત પેટ્રોલ પંપનું નિર્માણ કરવાની કાર્યવાહી ઝડપથી શરૂ કરી દેવામાં આવી છે. જાણવા મળ્યા મુજબ વડોદરાની સેન્ટ્રલ જેલના કેદીઓ જે પંપનું સંચાલન કરવાના છે તે માટે ઓઇલ કંપનીઓ દ્વારા દંતેશ્વર વિસ્તારમાં સર્વે પણ કરી લેવામાં આવ્યો છે. વડોદરાની જેલમાં સજા કાપી રહેલા સેંકડો કેદીઓ પૈકીના અનેક કેદીઓ જુદા-જુદા કામમાં માહેર છે. કેદીઓના આ કામને રાજ્ય સરકારે પણ પ્રોત્સાહિત કર્યુ છે. આથી હવે કેદીઓ દ્વારા સંચાલિત   પેટ્રોલ પંપ શરૂ કરવા સરકારે મંજુરી આપી દીધી છે.

દંતેશ્વર સ્થિત ઓપન જેલ અને સેન્ટ્રલ જેલ ખાતે આગામી સમયમાં પેટ્રોલ પંપ શરૂ થઇ જશે. આ જેલના અનેક કેદીઓ બેકરી, પ્રિન્ટીંગ પ્રેસ, લોન્ડ્રી, ભજીયા બનાવવા, સિલાઇ કામ સહિતના કામોમાં નિષ્ણાંત છે.

વડોદરાની જેમ રાજકોટની જેલના કેદીઓ સંચાલિત પેટ્રોલ પંપ શરૂ કરવાની પણ તજવીજ શરૂ થઇ છે. સેન્ટ્રલ જેલના જેલર શ્રી પલાસને આ બાબતે પુછતાં તેમણે જણાવ્યું હતું કે પેટ્રોલ પંપ શરૂ કરવાની દરખાસ્ત મુકવામાં આવી છે અને પંપ માટે જરૂરી જમીન વાંકાનેર આસપાસ શોધવામાં આવી રહી છે. જો કે આ કાર્યવાહી હજુ પ્રાથમિક તબક્કે છે. પંપ માટેની મંજુરી મળ્યા બાદ સંચાલનની ખાસ તાલિમ કેદીઓને આપવામાં આવશે. રાજકોટ જેલના કેદીઓ પણ અનેક કામોમાં માહેર છે. આ જેલના કેદીઓનું ફરસાણ પણ ખુબ વખણાય છે. અગાઉ જેલના ગેઇટ પાસે ખાસ સ્ટોલ રાખીને આ ફરસાણનું વેંચાણ કરવામાં આવતું હતું.

(3:35 pm IST)