Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

ત્રીજી લહેરમાં નાના ભૂલકાઓ કોરોનાના ભરડામાં: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 6 બાળકો દાખલ

37 દિવસથી લઈ 12 વર્ષના 6 બાળકોને કોરોના થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું

 

અમદાવાદ :ત્રીજી લહેરમાં બાળકો પર ખતરો વધી રહ્યો છે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 6 સંક્રમિત બાળકોને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. જેમાં માત્ર 37 દિવસના નવજાત બાળકને કોરોના થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે.

કોરોના કેસનો મહાવિસ્ફોટ થઈ રહ્યો છે. બાળકો પણ વધુ સંક્રમિત થઈ રહ્યા છે. મોટા લોકોની સાથે હવે નાના ભૂલકાઓમાં પણ ત્રીજી લહેરમાં સંક્રમણ વધી રહ્યું છે જે આગામી દિવસોમાં ઘાતક સાબિત થઈ શકે છે. બીજી લહેર બાદ નિષ્ણાતોએ માની રહ્યા હતા કે કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત થશે. જેને લઈ રાજ્ય સરકાર દ્વારા પણ આગોતરું આયોજન કરી લેવામાં આવ્યું હતું.

બાળકો માટે જરૂર પડે તો સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલ 1200 બેડ હોસ્પિટલમાં 300 બેડની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. 1200 બેડમાં અત્યારે કોરોના પોઝિટિવ 6 બાળકો દાખલ છે. 37 દિવસથી લઈ 12 વર્ષના બાળકો છે. અને 1 બાળકને ઓક્સિજન જરૂર છે. જો કે 6 બાળકો માથી 4 બાળકોના વાલીઓ વેકસીન લીધી ન હોવાનું પણ સામે આવ્યું છે જેના કારણે બાળકો સંક્રમિત થઈ રહ્યા. સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડેન્ટ ડોકટર રાકેશ જોષીએ જણાવ્યું હતું કે હાલમાં 6 બાળકો દાખલ જેમાં 1 બાળક ઓક્સિજન પર છે. 6 માંથી 4 બાળકના વાલીએ એકપણ ડોઝ રસીના લીધા નથી. રસી લેવા માટે અપીલ કરી છે.

અસારવા સિવિલ હોસ્પિટલમાં આવેલી 1200 બેડ કોવિડ હોસ્પિટલમાં 88 દર્દી દાખલ છે જેમાંથી 70 કોરોના પોઝિટિવ છે. જ્યારે 8 દર્દીના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. 88 દર્દી માંથી 9 દર્દી વેન્ટિલેટર પર છે અને 4 દર્દી બાયપેપ પર છે. જ્યારે 33 દર્દી સ્ટેબલ છે. 29 દર્દી છે જેણે બંને ડોઝ લીધા છે. અને 18 દર્દીએ એક ડોઝ લીધો છે. જ્યારે 41 દર્દીએ એકપણ ડોઝ લીધો નથી. દાખલ દર્દીમાં 50 ટકા દર્દી એ એકપણ ડોઝ લીધો નથી.

શહેરમાં વધી રહેલા સંક્રમણ વચ્ચે વેક્સિન લીધી હોય તેવા લોકો સૌથી વધુ સુરક્ષિત છે. પરંતુ મહત્વની બાબત એ પણ છે કે વાલીઓ વેક્સિન લીધા વગર ફરી રહ્યા છે જેનો ભોગ હવે બાળકો બની રહ્યા છે.

(12:50 am IST)