Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

સુરતના ડો. વિનેશ શાહ પાર્થિવ દેહને અત્યાધુનિક એમ્બાલ્મીંગ પ્રક્રિયા દ્વારા ૬ દિવસ સુધી મૂળભૂત સ્વરૂપમાં અંતિમ દર્શન માટે સાચવવામાં માહિર

સુરત: રાજ્યના વરિષ્ઠ પોલીસ અધિકારી અને પોલીસ મહાનિરીક્ષક સ્વ. કે.જી.ભાટીના પાર્થિવ દેહને અત્યાધુનિક એમ્બાલ્મીંગ પ્રક્રિયા દ્વારા છ દિવસ સુધી તેના મૂળભૂત સ્વરૂપમાં અંતિમ દર્શન સુધી સાચવવા આવ્યા હતા. ગુજરાતમાં પ્રથમવાર કોઈ સિનિયર આઇપીએસ અધિકારીના પાર્થિવ શરીરને આ પ્રક્રિયા દ્વારા છ દિવસ સુધી સાચવવામાં આવ્યા છે. ત્યારે મૃતદેહને એમ્બાલ્મીંગ પદ્ધતિ માત્ર સુરતના ડોક્ટર વિનેશ શાહ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવે છે. મહત્વની વાત એ છે કે, તેઓ સમગ્ર ગુજરાતમાં આ પ્રોસેસ કરનાર એકમાત્ર તબીબ છે.

હાલમાં જ ગુજરાતના સિનિયર આઇપીએસ અધિકારી કેસરીસિંહ ભાટીનું દુઃખદ નિધન થયું હતું. તેમના પરિવારજનો દેશ અને વિદેશમાં રહે છે. જેથી તેમની અંતિમ ક્રિયામાં તમામ પરિવારના સભ્યો અને પરિવારજનો હાજર રહી શકે આ માટે પરિવાર દ્વારા તેમના મૃતદેહને સાચવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જે માટે તેમના મૃતદેહને એમ્બાલ્મીંગ પ્રક્રિયા કરવામાં આી હતી. આ પદ્ધતિ માત્ર સુરતના ડૉ વિનેશ શાહ દ્વારા કરવામાં આવે છે. આવી પદ્ધતિ કરનાર પીક્ષી કંપની ગુજરાતની એકમાત્ર સંસ્થા છે. આ પદ્ધતિ બાદ છ દિવસ સુધી સ્વર્ગીય કેસરીસિંહ ભાટીના પાર્થિવ શરીરને સાચવી શકાયા હતા. જેથી તેમના અંતિમ દર્શન તેમના પરિવારજનો દેશ-વિદેશથી આવીને કરી શક્યા હતા.

આ ખાસ પદ્ધતિના કારણે જે રીતે સિનિયર આઇપીએસ અધિકારીના પાર્થિવ શરીરને છ દિવસ સાચવવામાં આવ્યા તેના બદલ પીક્ષી કંપનીના ડૉ. વિનેશ શાહ તથા ડૉ.મેઘા ગૌરાંગ પટેલને અમદાવાદ જિલ્લાના પોલીસ અધિક્ષક વિરેન્દ્રસિંહ યાદવ આઇપીએસના હસ્તે પ્રશંસાપત્ર એનાયત કરાયા છે. આ ખાસ એમ્બાલ્મીંગ (એક રાસાયણિક પ્રક્રિયા) ના કારણે અત્યાર સુધી સેંકડો લોકો પોતાના પરિજનના અંતિમ દર્શન કરી શક્યા છે.

શું છે એમ્બાલ્મીંગ પ્રક્રિયા ?

આ એક રાસાયણિક પ્રક્રિયા છે. જેમાં ઈથેનોલ, આઈસોપ્રોફાઈલ અને ગ્લિસરોલ સહિતના અલગ-અલગ કેમિકલનું ઈન્જેકશન મૃતદેહને આપવામાં આવે છે. જેને કારણે એક મહિના કે તેથી વધુ સમય સુધી મૃતદેહ યથાવત સ્થિતિમાં સચવાયેલો રહે છે. આ પ્રક્રિયા કરવામાં 20 મિનિટથી માંડીને બે કલાક સુધીનો સમય લાગે છે. મૃત્યુના આઠ કલાકની અંદર મૃતદેહ પર આ રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે તો પરિણામ વધુ અસરકાર રહે છે અને આ સમગ્ર પ્રક્રિયા પાછળ માત્ર સાતથી દસ હજાર રૂપિયા સુધીનો ખર્ચ થતો હોય છે.

આ અંગે ફોરેન્સિક એક્સપર્ટ અને આ પ્રક્રિયા કરનાર વિનેશ શાહે જણાવ્યું હતું કે, આ પ્રક્રિયાના કારણે એક મહિના સુધી મૃતદેહને સાચવી શકાય છે. આ ખૂબ જ સુરક્ષિત છે અને તેમાં જંતુ લાગતા નથી અને દુર્ગંધ પણ આવતી નથી. ખાસ કરીને કેટલાક લોકો જ્યારે વિદેશથી આવતા હોય છે. ખાસ કરીને સારવાર માટે અથવા તો ટુરિસ્ટ વિઝા પર અને અકસ્માત રીતે તેમનું મોત થાય ત્યારે તેમના દેશમાં મોકલવા માટે આ પ્રક્રિયાનો વધારે ઉપયોગ કરવામાં આવતો હોય છે. ગુજરાતમાં માત્ર અમારા દ્વારા આ પ્રક્રિયા કરવામાં આવે છે. અમે હાલ જ મુંબઈમાં પણ આ પદ્ધતિની શરૂઆત કરી છે. છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ વિદેશીઓને આ પદ્ધતિ થકી તેમના પરિવારને પાસે મોકલવામાં આવ્યા છે અને તેઓએ તેમના અંતિમ દર્શન કરી શક્યા છે.

(4:33 pm IST)
  • રાજકોટ-68નાં કોંગ્રેસનાં પુર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુ, રાજકોટ મહાનગરપાલિકાનાં પુર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠીયા સહિતનાં આગેવાનોની આજે મોડી રાત્રે અકિલા ચોકમાં અનશન ઉપર બેસતા ત્રીજી વખત અટકાયત કરતી રાજકોટ પોલીસ... access_time 11:10 pm IST

  • પૂર્વ ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટનું દુઃખદ અવસાન: ગાંધીનગર: મોરવા હડફના પૂર્વ ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટનું લાંબી માંદગી બાદ દુઃખદ અવસાન થયું છે access_time 11:43 am IST

  • દેશમાં કોરોના હાંફી ગયો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 13,692 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,06,25,420 થઇ :એક્ટિવ કેસ 1,86,558 થયા: વધુ 16,288 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,02,81,391 થયા :વધુ 147 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,53,053 થયા access_time 1:02 am IST