Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

રાજુલા સીટના ભાજપના ઉમેદવારનો વિડીયો વાયરલ: કહ્યું- કોઈના બાપથી બીતા નહીં, અહીં હીરાલાલ સોલંકી બેઠો છું

અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવનાર મધુ શ્રીવાસ્તવ બાદ હવે રાજુલા બેઠકના ભાજપના ઉમેદવારનો વિડીયો સામે આવ્યો

 

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે. તેમ-તેમ તમામ રાજકીય પાર્ટીઓ એડીચોટીનું જોર લગાવીને હાલ પ્રચાર કરવામાં વ્યસ્ત છે. પ્રચાર વચ્ચે કેટલીક પાર્ટીના ઉમેદવારો વચ્ચે શાબ્દીક પ્રહારો પણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવનાર મધુ શ્રીવાસ્તવ બાદ હવે રાજુલા બેઠકના ભાજપના ઉમેદવારનો વિડીયો સામે આવ્યો છે

વિધાનસભાની ચૂંટણીના મતદાનને લઈ ગણતરીનો સમય બાકી છે. ત્યારે નેતાઓ,ઉમેદવારો અને ધારાસભ્યો દ્વારા પોત પોતાના મતવિસ્તારમાં પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. જે દરમિયાન કેટલાક ઉમેદવારો દ્વારા વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવતી હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે આવા જ એક અમરેલી જિલ્લાની રાજુલા બેઠકના ભાજપના ઉમેદવાર હીરા સોલંકીનો પણ ખુલ્લેઆમ ચેતવણી આપતો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે.

 

 

વિડીયોમાં જોઈ શકાય છે કે,ભાજપના ઉમેદવાર હીરા સોલંકી પ્રચાર દરમિયાન કાર્યકર્તાઓને કહી રહ્યા છે કે,એક વાત આપણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના ધ્યાન પર મુકવાની છે. કોઈના બાપથી બીતા નહીં, હીરા સોલંકી અહીં બેઠો છે, આ જે ધાકધમકી દેવાવાળા અહીંયા નીકળ્યા છે. તે બધાને હું ડબ્બા ગુલ કરી નાખીશ. અત્યારે જે લોકો માહોલ ડોહોડ્વા નીકળ્યા છે. આ બધું સમાજને ધ્યાન રાખવું જોઈએ. તમે જાફરાબાદનું સાચવી લેજો. બાકી બધુ મારા પર મૂકી દો. પતી ગયું છે. બધા ગુલ થઈ ગયા છે. બધા સમજી ગયા છે. ભારતીય જનતા પાર્ટી જીતવા જઈ રહ્યા છે. ખૂબ સારા મતોથી આપણે જીતીએ છીએ. માહોલ બગાડવાનો પ્રયત્ન કરતા હોય તેમને કરવા દેજો. ચૂંટણી પછી એ છે અને હું છું..

 

 

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજુલા ભાજપના ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકી પૂર્વ મંત્રી પુરષોતમ સોલંકીના નાના ભાઈ છે. તેમજ ગુજરાતમાં કોળી સેનાના પ્રમુખ છે. 20 વર્ષ સુધી હીરા સોલંકીએ રાજુલા વિસ્તારમાં પ્રતિનિધિત્વ કર્યું છે. વર્ષ 2017 વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્ય અંબરીષ ડેરનો વિજય થયો હતો. જ્યારે ભાજપના હીરા સોલંકીનો પરાજય થવાના કારણે ભાજપને આ બેઠક ગુમાવવાનો વારો આવ્યો છે. જોકે, ફરી ભાજપ આ બેઠક કોંગ્રેસ પાસેથી આંચકી લેવા માટે એડીચોટીનું જોર લગાવતી જોવા મળી રહી છે.

(12:12 am IST)