Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

તમે મારા માટે અલ્લાહ સમાન, તમે જ મા-બાપ, દવાખાનુ હિન્‍દુ વિસ્‍તારમાં જાય તો કોઇ કામનું નથી, મુસ્‍લિમ સમાજના લીધે ધારાસભ્‍ય બન્‍યો છુઃ ઇન્‍દ્રજીતસિંહ પરમાર

ખેડા જિલ્લાના મહુવા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવારના વિવાદીત વીડિયોથી રાજકારણ ગરમાયુ

ખેડાઃ કોંગ્રેસના ધારાસભ્‍ય ઇન્‍દ્રજીતસિંહ પરમારના વાયરલ વીડિયોમાં જણાવાયુ છે કે, હું મુસ્‍લિમ સમાજના લીધે ધારાસભ્‍ય બન્‍યો છું, હિન્‍દુ વિસ્‍તારમાં દવાખાનાની જરૂર નથી, દવાખાનુ મુસ્‍લિમ વિસ્‍તારમાં જ રહેશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અલ્પસંખ્યક મતદારોને રિઝવતા કોંગ્રેસના વધુ એક ધારાસભ્યનો વીડિયો વાયરલ થયો છે અને આ વીડિયો પર ભાજપે નિશાન સાધ્યું છે. ખેડા જિલ્લાની મહુધા વિધાનસભા બેઠક પરથી ચૂંટાયેલા કોંગ્રેસના ધારાસભ્ય ઈન્દ્રજિતસિંહ પરમારના વીડિયો પર ભાજપે સવાલ ઉઠાવ્યા છે. ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા કોંગ્રેસી ધારાસભ્યના અલ્પસંખ્યક તૃષ્ટિકરણના વીડિયો સામે નિશાન સાધ્યું છે. સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરના વિવાદિત વીડિયો બાદ વધુ એક કોંગ્રેસી MLAનો વીડિયો વાયરલ થયો છે અને તેની સામે ભાજપ સવાલ ઉઠાવ્યા છે. આ વીડિયોમાં લઘુમતી મતદારોને કોંગ્રેસના ધારાસભ્ય પોતાનાં માબાપ ગણાવી રહ્યા છે. તેઓ વીડિયોમાં કહી રહ્યા છે કે મુસ્લિમ સમાજે મને પેટીઓ ભરીને વોટ આપ્યા છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે હિન્દુ-મુસ્લિમ રાજનીતિની એન્ટ્રી થઈ છે. 

ઈન્દ્રજિતસિંહનો વિવાદિત વીડિયો 

ભાજપના નેતા પ્રદિપસિંહ વાઘેલાએ કોંગ્રેસના ઉમેદવાર પ્રદિપસિંહ વાઘેલાનો વીડિયો ટ્વીટ કરીને શેર કર્યો છે. આ વીડિયોમાં ઈન્દ્રજીત પરમાર હોસ્પિટલની જગ્યા બદલવાની વાત કરી રહ્યાં છે. આ વીડિયોમાં કોંગ્રેસના ધારાસભ્ય ઈન્દ્રજિતસિંહ પરમાર મુસ્લિમ મતદારોને કહી રહ્યા છે કે તમે મારા માટે અલ્લાહ સમાન છો અને તમે જ માબાપ છો. આ દવાખાનું પેલી બાજુ (હિન્દુ વિસ્તારમાં) જાય તો કોઈ કામનું નથી. એમને દવાખાનાની જરૂર જ નથી! હું મુસ્લિમ સમાજના લીધે ધારાસભ્ય બન્યો છું. હું બાંહેધરી આપું છું કે હિન્દુ વિસ્તારમાં દવાખાનું નઈ જવા દઉ 

ત્યારે આ વીડિયો સામે આવ્યા બાદ ભાજપનો આરોપ છે કે કોંગ્રેસના ધારાસભ્ય મુસ્લિમ વિસ્તારમાં એક દવાખાનું હિન્દુ વિસ્તારમાં ના ખસેડવા માટે પૂરજોર પ્રયાસ કરી રહ્યા છે તેનો આ વીડિયો છે. હિન્દુ વિસ્તારમાં દવાખાનું ન જવા દેવાની આ વીડિયોમાં ધારાસભ્યન ખાતરી આપી રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય કહી રહ્યા છે કે હિન્દુ વિસ્તારમાં દવાખાનાની જરૂર નથી. તો મતદાન પહેલાં અલ્પસંખ્યક તૃષ્ટિકરણનો વધુ એક વીડિયો વાયરલ થયો છે અને ભાજપે આ વીડિયો પર નિશાન સાધ્યું છે. 

ઉલ્લેખનીય છે કે, સિદ્ધપુરના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરનું એક વિવાદાસ્પદ નિવેદન જબરદસ્ત વાઈરલ થઈ રહ્યું છે. એક સભામાં ચંદનજી ઠાકોરે ભાજપ પર આકરા પ્રહાર કરવાની સાથોસાથ એવું પણ કહ્યું કે, કોંગ્રેસ જ એક માત્ર પાર્ટી એવી છે જે મુસ્લિમોની રક્ષા કરે છે. સોશિયલ મીડિયામાં પણ તેમના આ નિવેદન પર અલગ અલગ પ્રતિક્રિયાઓનો મારો ચાલુ છે. જેના બાદ ચંદનજી ઠાકોરે આ વીડિયો એડિટ કરેલો હોય તેવું જણાવ્યુ હતું. આમ, કોંગ્રેસના ઉમેદવારોના એક પછી એક વિવાદિત નિવેદનોને પગલે કોંગ્રેસ માટે કપરા ચઢાણ આવી શકે છે.

(5:57 pm IST)