Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

સિદ્ધપુર કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે ધર્મ અને જાતિ આધારે લોકો પાસેથી મત માંગતા ફસાયાઃ ભાજપ દ્વારા ચૂંટણી પંચમાં ફરિયાદ

હારના ડરથી કોંગ્રેસ ફરી વાર અલ્‍પસંખ્‍યક તૃષ્‍ટિકરણના સહારેઃ ભુપેન્‍દ્રભાઇ પટેલે શબ્‍દોને શરમજનક ગણાવ્‍યા

પાટણઃ પાટણ સિદ્ધપુર બેઠકના કોંગ્રેસી ઉમેદવાર ચંદનજી ઠાકોરનો ધર્મ-જાતિના આધારે મત માંગતો વીડિયો વાયરલ થયો છે. ભાજપે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે.

સિદ્ધુપુર કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર સામે ભાજપે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. ભાજપે ચૂંટણી પંચમાં રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટનો ભંગની ફરિયાદ કરી છે. ગઈકાલે મુખ્યમંત્રીએ વીડિયો ટ્વીટ કર્યો હતો. જેમાં કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરના નિવેદનથી મુસ્લિમ તુષ્ટીકરણનો મુદ્દો ઉઠ્યો છે. 

કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર સામે ભાજપે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે ધર્મ અને જાતિ આધારે લોકો પાસેથી મત માંગ્યા હોવાની ફરિયાદ ભાજપે કરી છે. રીપ્રેઝન્ટેશન ઓફ પિપલ્સ એક્ટનો ભંગ કર્યાની ભાજપે ચૂંટણી પંચમાં ફરિયાદ જણાવ્યું છે. 

મુખ્યમંત્રીએ ટ્વિટ કરી હતી

મુખ્યમંત્રીએ સિદ્ધપુરના ધારાસભ્ય અને કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરના વીડિયો પર ટ્વીટ કરીને લખ્યું હતું કે, હારના ડરથી કોંગ્રેસ ફરી એકવાર અલ્પસંખ્યક તૃષ્ટિકરણના સહારે ચૂંટણી લડી રહી છે. પરંતુ કોંગ્રેસને હારથી કોઈ બચાવી નહીં શકે. કોંગ્રેસના ઉમેદવારના શબ્દોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શરમજનક ગણાવ્યા છે. અને તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતાં લખ્યું છે કે હાર ભાળી ગયેલી કોંગ્રેસ તૃષ્ટિકરણ તરફ વળી છે. 

ચંદનજી ઠાકોરનો જવાબ 

મુખ્યમંત્રીની ટ્વીટ બાદ ચંદનજી ઠાકોરે રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા હતા. ચંદનજી ઠાકોરે મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવેલ ટ્વિટના આરોપનો ચંદનજી ઠાકોરે જવાબ આપ્યો હતો કે, મારો વિડીયો જૂનો અને એડિટ કરેલો છે. મુખ્યમંત્રીએ મારા વીડિયો ટ્વિટ કરવાની જગ્યાએ મોરબી હોનારત, સિદ્ધપુરમાં સરકારી કોલેજ નથી, રોજગારી નથી તેનું કેમ ટ્વીટ કરતા નથી. સિદ્ધપુરની સરસ્વતી નદીમાં કેમ પાણી નાખતા નથી? સતત વધતી મોંઘવારી પર કેમ ટ્વિટ કરતા નથી? હિન્દુ ધર્મ મુસ્લિમ ધર્મ સાથે અથડાય એ માટે આવા વીડિયો ટ્વિટ કરવામાં આવે છે. આવા વીડિયો ટ્વિટ કરવાથી ગુજરાતની જનતા માફ નહીં કરે જનતા ચૂંટણીમાં જવાબ આપશે. જિલ્લા પંચાયતની ચૂંટણીના સમયનો આ વીડિયો છે. 

(5:57 pm IST)