Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર આઇશર ચાલકે બોલરોને ટક્કર મારતા ગાડીમાં બેઠેલ લોકો ઈજાગ્રસ્ત

નડિયાદ : અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આવેલ જુના બિલોદરા બ્રિજ પાસે એક આઈશર ચાલકે પોતાની ગાડી બેફિકરાઈથી હંકારી બોલેરો ડાલુ ગાડીને પાછળથી ટક્કર મારતા ગાડીમાં બેઠેલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

મહેમદાવાદ તાલુકાના વાટવાળી કાલેશ્વર મહાદેવ ખેતરમાં અજયભાઈ સુરેશભાઈ ચૌહાણ પોતાના પરિવાર સાથે રહે છે. તેઓના કાકાના દીકરાની દીકરીને સાપ કરડતાં નડિયાદ શ્રદ્ધા હોસ્પિટલમાં તેની ખબર જોવા પત્ની સંગીતાબેન સાથે નીકળ્યા હતા.

તેઓ એક બોલેરો ડાલુંમાં નડિયાદ આવતા હતા. દરમિયાન જૂના બિલોદરા બ્રિજ પાસે અજયભાઈ એ ગાડી રોકવા કેબીનના પતરા ઉપર ટપલી મારતા ચાલકે બોલેરો ગાડી રોડની સાઈડે પાર્ક કરવા જતો હતો. તે વખતે પાછળથી આવતી એક આઇશર ગાડીએ બોલેરો ગાડીને ટક્કર મારતા બોલેરો ડાલુ રોડ પર પલટી ખાઈ ગઈ હતી.

જેથી ડાલમાં પાછળ બેઠેલ અજયભાઈ તથા તેમની પત્ની સંગીતાબેનને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલા દંપતિને સારવાર અર્થે એમ્બ્યુલન્સ વાનમાં નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

 જ્યાં ડાલુના ચાલક તથા અન્ય એક વ્યક્તિને સામાન્ય ઇજાઓ પહોંચતી હતી. આ બનાવ સંદર્ભે નડિયાદ રૂરલ પોલીસે આઇસર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(5:56 pm IST)