Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

ગાંધીનગર શહેર નજીક બપોરના સમયે પૂરપાટ ઝડપે જતા ડમ્પરે મોપેડને હડફેટે લેતા યુવાનનું ઘટનાસ્થળેજ મોત

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક આવેલા ઉવારસદ અડાલજ માર્ગ ઉપર આજે બપોરના સમયે પુરઝડપે જતા ડમ્પર ટ્રકે મોપેડને અડફેટે લીધું હતું અને તેમાં સવાર યુવાનનું સ્થળ ઉપર મોત નિપજ્યું હતું જ્યારે એકને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાયો હતો. અકસ્માત બાદ ટ્રકમાં આગ ભભુકી ઉઠી હતી જેને ગાંધીનગર ફાયરબ્રિગેડ દ્વારા કાબુમાં લેવામાં આવી હતી.

શહેર નજીક ઉવારસદ અડાલજ હાઇવે માર્ગ ઉપર આજે બપોરના સમયે ઉવારસદ ગામના જ ૩૦ વર્ષિય યુવાન વિક્રમજી ઉદાજી ઠાકોર મિત્ર સાથે પસાર થઇ રહ્યા હતા તે સમયે ત્યાંથી પુરઝડપે પસાર થઇ રહેલા ડમ્પર ટ્રકના ચાલકે પાછળથી તેમના મોપેડને અડફેટે લીધુ હતું જે અકસ્માતમાં શરીરે ગંભીર ઇજાઓને કારણે વિક્રમજીનું સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને ગંભીર ઘાયલ યુવાનને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

(5:55 pm IST)