Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

૨૦૨૩માં ગુજરાતના એક ડઝન આઈએએસ અધિકારીઓની નિવૃતિ

રાજયમાં આમ પણ ૩૧૩ જગ્યાઓ સામે ૨૫૦ આઈએએસ છે

નવી દિલ્હી,તા.૨૧: ૨૦૨૩માં મુખ્ય સચિવ પંકજ કુમાર સહિતના ગુજરાતના એક ડઝન આઈએએસ અધિકારીઓ નિવૃત થવાના છે. રાજયમાં આમ પણ ૩૧૩ મંજૂર જગ્યાઓ સામે માત્ર ૨૫૦ આઈએએસ અધિકારીઓ જ છે.

રિટાયર થનારા અધિકારીઓમાં ટોચના એવા મુખ્ય સચિવ પંકજ કુમારનું રીટાયરમેન્ટ પછીનું એકસટેન્શન જાન્યુઆરી ૨૦૨૩માં પુરૂ થાય છે અને તેમની જ બેચના પંચાયત, રૂરલ હાઉસીંગ અને ગ્રામ્ય વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા પણ આવતા વર્ષે રિટાયર થવાના છે.

ગુજરાત કેડરના બે મહત્વના અધિકારી- ફાર્માસ્યુટીકલ્સ, રસાયણ અને ખાતર મંત્રાલયના સચિવ એસ. અપર્ણા અને ભારત સરકારના એમએસએમઈ મંત્રાલયના સચિવ બી.બી. સ્વેઈન પણ આવતા વર્ષે રિટાયર થશે. આ બંને અધિકારીઓ અત્યાર કેન્દ્રમાં ડેપ્યુટેશન પર છે. આ ઉપરાંત, આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ, ગુજરાત સ્ટેટ વેરહાઉસીંગ કોર્પોરેશનના એમ.ડી. સંજય નંદન, પીએમઓમાં ઓફીસર ઓન સ્પેશ્યલ ડયુટી સંજય ભાવસાર, અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશનના નાયબ કમિશ્નર આર.એ. મેરજા, જીઆઈડીસીના જોઈન્ટ એમ.ડી. બી.જી. પ્રજાપતિ અને રીજીયોનલ કમિશ્નર ઓફ મ્યુનિસીપાલીટીઝ, રાજકોટ ડી.બી. વ્યાસ પણ ૨૦૨૩માં રીટાયર થનારાઓમાં સામેલ છે.

કેન્દ્રમાં ગુજરાત કેડરના આઈએએસ અધિકારીઓનું ડેપ્યુટેશન સતત ઘટી રહ્યું છે. આજની તારીખ અનુસાર ગુજરાતના સચિવ કક્ષાના બે અધિકારીઓ કેન્દ્ર સરકારમાં ડેપ્યુટેશન પર છે અને તે બન્ને ૨૦૨૩માં નિવૃત થવાના છે. પાંચ વર્ષે એક વાર કરવામાં આવતી કેડર રીવીઝનની કસરત ૨૦૨૩માં થવાની છે. ત્યારે રાજય સરકાર ગુજરાત માટે વધુ નિમણુકોની માંગણી કરી શકે છે.

(3:38 pm IST)