Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

સિક્કાની બીજી બાજ

ગુજરાત ચૂંટણી : ૪૦ ઉમેદવારો પાસે ૧૫૦૦૦થી પણ ઓછી સંપત્તિ : ૧૦ પાસે કોઇ પ્રોપર્ટી જ નથી

નવી દિલ્‍હી તા. ૨૧ : સામાન્‍ય રીતે ચૂંટણીમાં કરોડપતિ રાજકારણીઓ ચર્ચામાં હોય છે પણ ગુજરાત વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણીમાં ૪૦ ઉમેદવારો દરીદ્રતાની કગાર પર બેઠા છે. આ ઉમેદવારો કોઇને કોઇ પ્રકારનો વિરોધ દર્શાવવા ઉમેદવાર બન્‍યા છે. તેમાંથી ૧૦ ઉમેદવારોએ પોતાની આવક શૂન્‍ય અને સંપત્તિ પણ શૂન્‍ય હોવાનું એફીડેવીટમાં જાહેર કર્યું છે.

ગાંધીનગર ઉત્તર બેઠકના ઉમેદવાર ૩૫ વર્ષીય મહેન્‍દ્ર પટણી શાકભાજી વેચે છે અને તેમણે પોતાની આવક અને સંપત્તિ ઉમેદવારી પત્રમાં શૂન્‍ય દર્શાવી છે. તેમણે પોતાની કાયદેસરની ડીપોઝીટ ૫૦૦૦ રૂપિયા ૧ રૂપિયાના સીક્કામાં જમા કરાવી છે. પટણીએ કહ્યું કે, જ્‍યારે ગાંધીનગરના રેલવે સ્‍ટેશનનું નિર્માણ કરાયું ત્‍યારે અમારો આશરો છીનવાયો હતો. તેમાંથી ઘણાનું પુનર્વસન નથી થયું. ચૂંટણીમાં મારી ઉમેદવારી એ મારો એક પ્રકારનો વિરોધ છે. તેમણે કહ્યું કે, તે ચૂંટણી પ્રચાર માટેના નાણા રોડ પર ફેરીયાઓ પાસેથી મેળવશે.

ખંભાળીયા મ્‍યુનિસીપાલિટીમાંથી પાંચ મહિના પહેલા રોજમદારની જગ્‍યાએથી છૂટા કરાયેલ ૩૯ વર્ષીય મંજુલા પિંગળાએ ખંભાળીયા બેઠક પરથી અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. તેમણે પોતાની પસંત્તિ ૩૯૨ રૂપિયા દર્શાવી છે. તેમણે કહ્યું કે, જ્‍યારે તેમણે મ્‍યુનિસિપાલિટી બિલ્‍ડીંગની બહાર ધરણા કર્યા તો તેમને ઢસડીને બહાર કાઢી મુકાયા હતા. મંજુલાબેને કહ્યું કે, લોકોએ મને કહ્યું કે જો હું ચૂંટણીમાં ઉમેદવારી કરીશ તો મારી સમસ્‍યા વધુને વધુ લોકોની જાણમાં આવશે, એટલે મેં ઉમેદવારી નોંધાવી છે.

(11:47 am IST)