Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

વિપુલ ચૌધરીની અર્બુદા સેના અને ભાજપ વચ્‍ચે ઉમેશ રાજયગુરૂ સેતુરૂપ બન્‍યા

ઉતર ગુજરાતમાં ભાજપને સંભવિત નુકશાનમાં બ્રેક : દિલ્‍હીમાં ચૌધરી સમાજના આગેવાનોને મીટીંગ કરાવી

રાજકોટ, તા., ૨૧: રાજયના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી સંચાલિત ઉતર ગુજરાતની અર્બુદા સેના અને ભાજપ વચ્‍ચે અંતર ઘટાડવા રાજકોટ સ્‍થિત પુર્વ બંદર મંત્રી ઉમેશ રાજયગુરૂએ મહત્‍વની ભુમિકા ભજવી છે. તેમણે ભાજપના ટોચના નેતાઓ સાથે વાત કર્યા બાદ હાલ મહેસાણા ડેરીના પ્રકરણમાં જેલવાસ ભોગવી રહેલા વિપુલ ચૌધરીની જેલમાં મુલાકાત લઇ તેમને સમજાવીને રાજકીય સમાધાનનો તખ્‍તો તૈયાર કર્યાનું જાણવા મળે છે. ચૌધરી અને રાજયગુરૂ બન્ને એક સમયે સરકારમાં સાથી મંત્રી હતા. અરવિંદ કેજરીવાલ ચૌધરી (આંજણા પટેલ) સમાજના સંમેલનમાં હાજર રહી રાજકીય લાભ મેળવે તે પહેલા સમીકરણો ફરી ગયા હતા.

વિપુલ ચૌધરીને સરકારે ડેરીના કિસ્‍સામાં ખોટી રીતે ફસાવી દીધાની લાગણી સાથે અર્બુદા સેનાએ સરકાર સામે આક્રોશ વ્‍યકત કરેલ. વિપુલ ચૌધરીના પિતાજી માનસિંહભાઇ ચૌધરીના જન્‍મદિને અર્બુદાસેનાએ ચૌધરી સમાજનું જંગી સંમેલન બોલાવવાનું એલાન કરેલ. આ જ અરસામાં ઉમેશ રાજયગુરૂએ પાર્ટી અને અર્બુદાસેનાને બન્ને તરફ ચર્ચાનો દોર શરૂ કરેલ. વિપુલ ચૌધરી સાથે વાત કર્યા બાદ ચૌધરી સમાજના ૯ આગેવાનોની દિલ્‍હીમાં ટોચના નેતાઓ સાથે બેઠક યોજેલ.  જેમાં રાજયગુરૂ પણ હાજર રહેલ. નિખાલસ ચર્ચાના અંતે અર્બુદા સેનાએ ઉમેદવારો સ્‍વતંત્ર રીતે કે ભાજપ વિરોધી પક્ષમાંથી ઉભા રાખવાની વાત પડતી મુકાયેલ. જો અર્બુદા સેના ભાજપની સામે પડે તો ભાજપને ઉતર ગુજરાતની સંખ્‍યબંધ બેઠકોમાં નુકશાન થવાની ભીતિ હતી. દેશ હિતમાં નરેન્‍દ્રભાઇ મોદીના હાથ વધુ મજબુત કરવા બન્ને તરફથી સમાધાનનો ૂર નિકળેલ. પુર્વ આયોજન મુજબ સંમેલન થયેલ પણ એજન્‍ડાએ હકારાત્‍મક વળાંક લીધો હતો.  સંઘર્ષ ટાળવાની સફળ મધ્‍યસ્‍થી બદલ ઉમેશ રાજયગુરૂ (મો.૯૮રપર ૨૯૨૫૯) ઉપર અભિનંદનની વર્ષા થઇ રહી છે. આ અંગે શ્રી રાજયગુરૂને પુછતા તેમણે ઘીના ઠામમાં ઘી પડી ગયાની બાબતને અને  પોતાની સમાધાનકારી ભુમિકાની વાતને સમર્થન આપ્‍યું હતું.

(11:45 am IST)