Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

અન્‍ય પક્ષો-અપક્ષોના વોટશેર વધે તો ફાયદો ભાજપને

૨૦૧૨માં ૭૨.૦૨ ટકા, ૨૦૧૭ની ચૂંટણીમાં ૬૯.૦૧ ટકા કુલ વોટિંગ થયું હતું, આ વખતે કુલ વોટિંગ વધે તો ભાજપને લાભની શકયતા : વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની એન્‍ટ્રીએ ભાજપ-કોંગ્રેસની મુંઝવણમાં વધારો કર્યો : ગુજરાત વિધાનસભાની ચૂંટણી ભાજપ માટે ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી માટેનો હાઇવે સાબિત થશે. : ૨૭ વર્ષથી સત્તાની બહાર રહેલી કોંગ્રેસ માટે અસ્‍તિત્‍વનો સવાલઃ ધારાસભ્‍યો-અગ્રણીઓ-કાર્યકરોને ભાજપમાં જતા રોકવા માટે પણ કોંગ્રેસને સત્તા સુધી પહોંચવું અતિ આવશ્‍યક

નવી દિલ્‍હી,તા. ૨૧: ગુજરાત વિધાનસભાની ુકલ ૧૮૨ બેઠકો માટે ૧ લી ડિસેમ્‍બર અને ૫ મી ડિસેમ્‍બર એમ, બે તબક્કામાં ચૂટણી યોજાવાની છે. પ્રથમ તબક્કામાં ૧૯ જિલ્લાની ૮૯ બેઠકો અને બીજા તબક્કામાં ૧૪ જિલ્લાની ૯૩ બેઠકો માટે મતદાન થશે. આ ચૂંટણી માટે હવે, રાજકીય પક્ષો અને અપક્ષો માટે રાત ટૂંકીને વેશ ઝાઝા જેવી સ્‍થિતી સર્જાઇ છે. સામાન્‍ય રીતે કોઇ પણ ચૂંટણીના ભાવિ પરિણામોના સૈકેત મેળવવા અગાઉની ચૂંટપણીના પરિણામોની સમીક્ષા આવશ્‍યક હોય છે. પરંતુ આ વખતની ચૂંટણીમાં દર વખતની જેમ ભાજપ અને કોંગ્રેસ વચ્‍ચે સીધો ચૂંટણી જંગ ખેલાવાને બદલે આમ આદમી પાર્ટીએ ચૂંટણી મેદાનમાં પ્રવેશ કર્યો છે. એટલે સમગ્ર રાજ્‍યમાં, ચૂંટણીના બંને તબક્કાઓમાં ત્રિ-પાંખિયો ચૂંટણી જંગ ખેલાવાનો છે પરિણામ સ્‍વરૂપ, મોટાભાગે આ ચૂંટણી કેવું પરિણામ આવશે ? ભાજપની સત્તાનું પુનર્વતન થશે કે પરિવર્તન આવશે કે કોઇને સ્‍પષ્‍ટ બહુમતી નહીં મળે ? એવા પ્રશ્‍નોના જવાબ મેળવવાની કોશીશ થઇ રહી છે.

કેન્‍દ્ર અને ગુજરાતમાં ભાજપની સરકાર છે, જેને મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ ડબલ એન્‍જિનની સરકાર તરીકે સંબોધી રહ્યા છે. ગુજરાત, વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી અને ગૃહમંત્રી અમિતભાઇ શાહનો હોમ-સ્‍ટેટ (ગૃહરાજ્‍ય) છે. જેના કારણે ભાજપ અને ગુજરાતની ચૂંટણીમાં વિજય મેળવવદ એ આ બંને નેતાઓ માટે પ્રાણ પ્રશ્‍ન સમાન તો છે જ પણ તેની સાથે ૨૦૨૪માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં વિજય -પતાકા લહેરાવા માટેનો મુખ્‍ય માર્ગ સમાન તૈયાર કરવા બરાબર છે. સામે પક્ષે રાજ્‍ય વિધાનસભાની આ ચૂંટણી તે, વિરોધ પક્ષ કોંગ્રેસ માટે અસ્‍તિત્‍વનો પ્રશ્‍ન બની રહેવાની છે. ગુજરાતમાં છેલ્લા ૨૭ વર્ષથી ભાજપની સરકાર છે. એટલે કોંગ્રેસના ધારાસભ્‍યો-અગ્રણીઓ અને કાર્યકરો પણ કોંગ્રેસને છોડી રહ્યા છે. હવે, ગુજરાતના રાજકારણમાં ટકવું હોય તો, કોંગ્રેસ માટે સત્તા સ્‍થાન સુધી પહોંચવું, તે પ્રાથમિક શરત બની રહેવાનું છે. આવી પરિસ્‍થિતીમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ શક્‍ય તેટલી હદે, જોર લડાવીને વિવિધ રાજનીતિઓને અમલમાં મુકી ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે.

ઉત્તર ગુજરાત-સૌરાષ્‍ટ્ર ભાજપની કમજોર કડી

આ સમગ્ર ગત ચૂંટણી પરિણામો પરથી એક વાત એ સાબિત થાય છે કે, કોંગ્રેસની સરખામણીમાં ભાજપ, મધ્‍ય અન દ.ગુજરાતમાં ખૂબ જ મજબૂત છે. જ્‍યાંથી ભાજપને ૨૦૧૭માં કોંગ્રેસ કરતાં ૧૫ બેઠકો અને દક્ષિણ ગુજરાતમાં પણ ભાજપને કોંગ્રેસની ૧૭ બેઠકો વધુ મળી હતી. ઉ.ગુજરાતમાં તો ૨૦૧૨ અને ૨૦૧૭માં ભાજપ કરતાં કોંગ્રેસની બેઠકો વધુ હાંસલ થઇ હતી. કચ્‍છ-સૌરાષ્‍ટ્રની કુલ ૫૪ બેઠકોમાંથી ૨૦૧૨માં ભાજપને ૩૬ બેઠકો મળી હતી. તેની સામે કોંગ્રેસે ૧૬ બેઠકો જીતી હતી. પરંતુ ૨૦૧૭માં કોંગ્રેસનો પંજો, ઉત્તરગુજરાત તથા કચ્‍છ-સૌરાષ્‍ટ્રમાં ભાજપની ઉપર રહ્યો હતો. સંકેત એ પણ છે કે, ભાજપ માટે કચ્‍છ-સૌરાષ્‍ટ્ર અને ઉત્તર ગુજરાત કમજોર કડી સાબિત થઇ શકે તેમ છે.

૨૦૧૨-૨૦૧૭ની ચૂંટણી પરિણામના સંકેત શું છે ?

ગત ૨૦૧૨માં ગુજરાત વિધાનસભાની કુલ ૧૮૨ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં કુલ ૭૨.૦૨ ટકા વોટિંગ થયું હતું. એમાંથી ૪૭.૯ ટકા વોટ સાથે ૧૧૫ બેઠકો ઉપર જીત મળી હતી. જ્‍યારે કોંગ્રેસને ૩૮.૯ ટકા વોટ સાથે ૬૧ બેઠકો ઉપર વિજય હાંસલ થયો હતો. ૨૦૧૭ની ચૂંટણીમાં ભાજપને ૪૯.૯ ટકા અને કોંગ્રેસને ૪૧.૮ ટકા વોટ સાથે ૭૭ બેઠકો પ્રાપ્‍ત થઇ હતી. અપક્ષ ઉમેદવારોને ૨૦૧૨માં મળેલા ૧૩.૨ ટકા વોટની સાથે ૬ બેઠકો અને ૨૦૧૭માં ૮.૩ ટકા વોટ સાથે ૬ બેઠકો ઉપર જીત મળી હતી. એનો સીધો અર્થ એ થાય છે કે, ૨૦૧૨ની સરખામણીમાં ભાજપના વોટ-શેરમાં ૨ (બે) ટકાનો વધારો થયો હતો. અને ૧૬ બેઠકોનો ઘટાડો થયો હતો. જ્‍યારે કોંગ્રેસને ૨૦૧૨ની સરખામણીમાં ૨.૯ ટકા વોટ શેરનો વધારો થયો હતો.ેઅર્થાંત ભાજપના ૨ ટકાના વોટશેરમાં વધારાની સામે કોંગ્રેસને ૨.૯ ટકા વધુ વોટ મળતાં તેનો સરેરાશ ૦.૯ ટકાનો વોટશેર વધ્‍યો હતો. આ બંને ચ્‍ૂંટણીઓમાં અન્‍ય અને અપક્ષોને ૨૦૧૨માં મળેલા ૧૩.૨ ટકા વોટશેરની  સામે ૨૦૧૭માં ૮.૩ ટકા વોટ મળ્‍યા હતા.એટલે કે અન્‍ય પક્ષો અને અપક્ષોના વોટશેરમાં ૨૦૧૭ની ચૂંટણીમાં ૪.૯ ટકા ઘટાડો થઇ ગયો હતો. અહીં સંકેત એ છે કે, ૨૦૧૨ની ચૂંટણીમાં અન્‍ય પક્ષો અને અપક્ષ ઉમેદવારોએ વધુ વોટશેર મેળવીને કોંગ્રેસના વોટ ઘટાડયા હતા. જેનો સીધો લાભ ભાજપને થયો હતો. અને ૨૦૧૭માં અન્‍ય પક્ષો તથા અપક્ષ ઉમેદવારોને વોટશેર ઘટતાં તેટલા ટકા વોટ કોંગ્રેસની તરફેણમાં પરત થયાં હતા એટલે કોંગ્રેસની બેઠકોમાં વધારો અને ભાજપની બેઠકોમાં ઘટાડો નોંધાયો હતો.

૨૦૧૨ કરતાં ૨૦૧૭માં પ્રથમ તબક્કામાં ભાજપની ૧૭ બેઠકો ઘટી હતી

પ્રથમ તબક્કાની કુલ ૮૯ બેઠકોમાંથી ભાજપે ૨૦૧૨માં ૬૪ અને ૨૦૧૭માં ૪૭ બેઠકો જીતી હતી. અર્થાત પ્રથમ તબક્કામાં જ ભાજપની ૧૭ બેઠકોનો ઘટાડો થયો હતો.

૨૦૧૨થી ૨૦૧૭માં પ્રથમ તબક્કામાં કોંગ્રેસની ૧૮ બેઠકો વધી હતી

જ્‍યારે પ્રથમ તબક્કાની કુલ ૮૯ માંથી કોંગ્રેસની ૨૦૧૧માં ૨૨ તથા ૨૦૧૭માં ૪૦ બેઠકો હાંસલ થઇ હતી. એટલે કે કોંગ્રેસની બેઠકોમાં ૧૮નો વધારો નોંધ્‍યો હતો.

બીજા તબક્કામાં ભાજપ-કોંગ્રેસની સ્‍થિતી કેવી રહી હતી ?

બીજા તબક્કાની ચૂંટણીમાં જોઇએ તો, ૧૪ જિલ્લાની ૯૩ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં મધ્‍ય ગુજરાતની કુલ ૬૧ બેઠકોમાંથી ભાજપે ૩૮ તથા ૨૦૧૭માં ૩૭ બેઠકો મેળવી હતી. જ્‍યારે ઉત્તર ગુજરાતની કુલ ૩૨માંથી ભાજપને ૧૩ અને ૨૦૧૪માં ૧૪ બેઠકો પ્રાપ્‍ત થઇ હતી. એનો અર્થ એ થયો કે, મધ્‍ય ગુજરાતમાંથી ભાજપને એક બેઠક ઘટી હતી. ઉત્તર ગુજરાતમાંથી ભાજપની એક બેઠક વધી હતી. પરંતુ કોંગ્રેસને બીજા તબક્કમાં ૨૦૧૨માં મધ્‍ય ગુજરાતમાંથી ૨૧ બેઠકો અને ઉત્તર ગુજરાતમાંથી ૧૯ બેઠકો મળી હતી. જ્‍યારે ૨૦૧૭માં કોંગ્રેસને ૨૦૧૨ મધ્‍ય ગુજરાતમાીં ૨૨ તથા ઉત્તર ગુજરાતમાંથી ૧૭ બેઠકો ઉપર જીત હાંસલ થઇ હતી એટલે કે, કોંગ્રેસની બેઠકોમાં મધ્‍ય ગુજરાતમાં કોંગ્રેસની એક બેઠક વધી હતી અને ઉત્તર ગુજરાતમાં ૨ બેઠકો ઘટી હતી.

(10:31 am IST)