Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

પ્રચાર માટે પાણીની જેમ પૈસા વહાવી રહ્યા છે નેતાઓઃ રિક્ષાનું રોજનું ભાડું ૧૫૦૦ તો ફોર્ચ્‍યુનરનું ૧૫ હજાર

નેતાઓ પ્રચાર માટે રિક્ષાથી લઇને ટ્રક સુધી, વિવિધ વાહનોનો ઉપયોગ : આ વાહનો માટે નિヘતિ દર નક્કી કરવામાં આવ્‍યો છે : જો રોજના નિશ્ચિ્ત કિમી કરતા વધારે ગાડી ફરે તો પ્રતિ કિમી વધારાનું ભાડું પણ વસુલવામાં આવે છે

અમદાવાદ તા. ૨૧ : ગુજરાતમાં જોરશોરથી નેતાઓ પ્રચાર કરી રહ્યા છે. અમદાવાદની વાત કરીએ તો વિધાનસભાની ૨૧ બેઠકો માટે ૫ ડિસેમ્‍બરના રોજ મતદાન થવાનું છે. શહેરમાં તમને વિવિધ પાર્ટીઓના કાર્યકર્તાઓ ફરતા જોવા મળશે. આ સિવાય ગાડીઓ ફરતી હોય છે જે લોકોને મત આપવાની અપીલ કરતી હોય છે. ચૂંટણી સમયે આ વાહનોને હંગામી ધોરણે ભાડેથી લેવામાં આવે છે. તેમને રોજના હિસાબે વળતર ચૂકવવામાં આવતું હોય છે. વાહનની એવરેજ, પેટ્રોલ-ડીઝલ કે ગેસની કિંમત, મેઈન્‍ટનન્‍સ, વીમો તેમજ ડ્રાઈવરના ભાડા સહિતની રકમ ચૂકવાતી હોય છે. આ માટે એક નિત દર પણ નક્કી કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે અમદાવાદ જિલ્લા કલેક્‍ટર તેમજ આરટીઓ દ્વારા આ ભાવ નક્કી કરવામાં આવતા હોય છે.

નવગુજરાત સમયના અહેવાલ અનુસાર, ખાનગી વાહનોના દર પર ચૂંટણી પંચની પણ નજર હોય છે. એક ભાવ પત્રક તૈયાર કરવામાં આવ્‍યું છે, જેમાં ઉપર જણાવ્‍યું તે અનુસાર બળતણ ખર્ચ, ડ્રાઈવરનું મહેનતાણું, દૈનિક વળદર દર વગેરે નક્કી કરવામાં આવ્‍યું છે. ઉલ્લેખનીય છે કે રોજના ૩૦૦ કિમી નક્કી કરવામાં આવ્‍યા હોય છે, અને જો તેના કરતા વધારે અંતર કાપવામાં આવે તો પ્રત્‍યેક વધારાના કિમી દીઠ અલગથી પૈસા લેવામાં આવે છે.

અહીં અમે તમને અમુક ગાડીઓ અને તેના પ્રતિ દિવસના દરની જાણકારી આપીએ છીએ. ઈનોવા ક્રિસ્‍ટા માટે ૫૫૦૦ રુપિયા જયારે ઈનોવા માટે ૫૪૦૦ રૂપિયા નક્કી કરવામાં આવ્‍યા છે. ફોર્ચ્‍યુનર માટે તો ૧૫,૦૦૦ રૂપિયા લેવામાં આવે છે. આ સિવાય સ્‍કોર્પિયો, મરાજો માટે ૫૪૦૦ રૂપિયા તેમજ અર્ટીગા, બલેરો, ઈટિયોસ, એક્‍સેન્‍ટ, સીયાઝ, ડિઝાયર માટે ૪૨૦૦ રુપિયા આપવામાં આવે છે. ઈકો વાન માટે ૨૮૦૦ રૂપિયા જયારે તુફાન માટે ૬૦૦૦ રૂપિયા નક્કી કરવામાં આવ્‍યા છે. રિક્ષાની વાત કરીએ તો, પ્રતિ દિવસ ૧૫૦૦ રુપિયા નક્કી થયા છે. મોટા વાહનોની વાત કરીએ તો, ટેમ્‍પો ટ્રાવેલરના ૭૫૦૦, મીની બસના ૮૦૦૦, બસના ૧૨૦૦૦, ટ્રકના ૧૬૫૦૦, ટેન્‍કરના ૮૦૦૦ રૂપિયા લેવામાં આવે છે.

જો ૩૦૦ કિમી કરતા વધારે અંતર કાપવામાં આવે તો ૬.૫ રૂપિયા પ્રતિ કિમીથી લઈને ૪૯ રુપિયા સુધી વસૂલવામાં આવશે. પ્રત્‍યેક વાહનનો દર આ માટે પણ અલગ અલગ નક્કી કરવામાં આવ્‍યો છે. ડ્રાઈવરના મહેનતાણાની વાત કરીએ તો પ્રતિદિન મહત્તમ ૮ કલાકના ૬૦૦ રૂપિયા અને જો વધારાની કામગીરી થાય તો પ્રતિ કલાકના ૯૦ રૂપિયા ચૂકવવામાં આવે છે. અમુક ગાડીઓ મહિનાના હિસાબે પણ ભાડેથી લેવામાં આવી છે. ઈનોવા ૧.૧૦ લાખ રૂપિયા પ્રતિ માસ તેમજ ઈનોવા ક્રિસ્‍ટા ૧.૨૫ લાખ ભાવ નક્કી કરવામાં આવ્‍યો છે.

(10:27 am IST)