Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

છરી બતાવીને લૂંટ કરનાર ટોળકીના ત્રણ શખ્સ જબ્બે

દાગીના, મોબાઇલ અને અન્ય ચીજો લૂંટતા હતા : મુદ્દામાલ સાથે ક્રાઈમ બ્રાંચે ત્રણ શખ્સો અંતે પકડી પાડ્યા

અમદાવાદ,તા.૨૧ : ઓટો રિક્ષામાં બેસાડી છરી બતાવીને દાગીના, મોબાઇલ ફોન, પર્સ, રોકડ રકમની લૂંટ કરનાર ત્રણ સાગરિતોને સોના-દાગીના તથા ઓટો રિક્ષા સાથે ક્રાઈમ બ્રાંચે પકડી પાડવામાં સફળતા મેળવી છે.  અમદાવાદ શહેરમાં છેલ્લા ધણા સમયથી રીક્ષામાં એકલ-દોકલ પેસેન્જરોને બેસાડી તેઓને કોઈ અવર જવર ના હોય તેવી જગ્યાએ લઈ જઈ છરી બતાવી પેસેન્જરને લૂંટી જવાના ગુનામાં વધારો થયો છે. ત્યારે ઓટોરીક્ષામાં પેસેન્જરોને બેસાડી છરી બતાવી દાગીના, મોબાઈલફોન, પર્સ, રોકડ રકમની લૂંટ કરનાર ગેંગના ૩ સાગરીતોને સોનાના દાગીના તથા ઓટોરીક્ષા સાથે અસારવા ખાતેથી ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડ્યા છે. આ અંગે મળતી માહિતી મુજબ ક્રાઈમ બ્રાંચની ટીમ જ્યારે પેટ્રોલીંગ પર હતી ત્યારે બાતમી મળી હતી કે, આરોપી રાકેશ ઉર્ફે પકી ગોવિંદભાઈ પટણી (રહે. અસારવા, ચમનપુરા), વિશાલ મણીલાલ પટણી (રહે. અસારવા, ચમનપુર) અને પુનમ સુરેશભાઈ પટણી (રહે. સરસપુર)નાઓને અસારવા ખાતેથી ઝડપી પાડ્યા હતા. આરોપીઓની પુરપરછ દરમિયાન જણાવ્યું હતું કે, તેઓ એકાદ મહીના પહેલા રીક્ષામાં રાત્રીના દરમિયાન કાલુપુર રેલ્વે સ્ટેશનના દરવાજાની સામેના ભાગેથી એક પેસેન્જરને રીક્ષામાં બેસાડી અશોકમીલ નેળીયામાં સ્મશાનવાળા રોડે અવાવરૂ જગ્યાએ પેસેન્જરને ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી તેના ગળામાં પહેરેલો સોનાનો દોરો ખેંચીને ભાગી ગયા હતા. પકડાયેલ આરોપીમાંથી વિશાલ પટણી અગાઉ અડાલજ પોલીસ સ્ટેશનમાં પકડાઈ ચુક્યો હતો. આરોપીએ વધુમાં જણાવ્યું હતું કે, તેઓ આ ગુનો કરવા માટે પેસેન્જર તરીકે પોતાના સાગરીતોને સાથે રાખતા હતા. જોકે, રીક્ષામાં બેસેલ પેસેન્જરને રસ્તામાં અવાવરુ જગ્યા આવતા રિક્ષાની પાછળ બેઠેલ પેસેન્જરને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી તેની પાસેના પહેરેલા દાગીના કઢાવી લેતા અને કિંમતી સામાન રોકડ રકમ, મોેબાઈલ ફોન, પર્સ વગેરે નજર ચુકવી કાઢી લેતા હતા. આરોપીએ લુંટ કર્યા બાદ પેસેન્જરને સુમસામ જગ્યાએ ઉતારી દેતા હતા.

(9:09 pm IST)