Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

કોંગ્રેસમાં હતાશા અને તીવ્ર જુથબંધી હોવાથી જમ્બો માળખુ બનાવ્યુ : ભરત પંડયા

રૂપાણી સામે આક્ષેપ કરવો તે ચોર કોટવાલને દંડે તેવી વાત

અમદાવાદ તા. ૨૧ : વિપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ કરેલા આક્ષેપો એ તદ્દન જૂઠ્ઠા, પાયા વગરના અને માત્ર અપપ્રચાર છે. તેમ જણાવતાં ભાજપના પ્રદેશ પ્રવકતાશ્રી ભરત પંડયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં જ હતાશા, નિરાશા અને તીવ્ર જૂથબંધી હોવાથી સંગઠનનું માળખું જમ્બોજેટ કરવું પડયું છે. કોંગ્રેસ પોતે હતાશામાં હોવાથી વાદ-વિવાદ, જાતિવાદ, પ્રાંતવાદ ફેલાવી રહી છે. જે ગુજરાતની પ્રકૃતિ, સંસ્કૃતિ વિરૂદ્ઘની માનસિકતા છે.ઙ્ગ

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને કૃષિમંત્રીશ્રી આર.સી.ફળદુજી એ કોઈપણ પ્રકારના ભ્રષ્ટાચાર સામે એકશન લે છે ત્યારે એકશનનો વિરોધ કરવો અને એકશનને જ આક્ષેપમાં કન્વર્ટ કરવો એ કોઈ કાળે ઉચિત નથી. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના ભ્રષ્ટાચાર સામેના અભિયાનમાં કોંગ્રેસના ધારાસભ્ય જેલમાં છે. મગફળીમાં પણ મોટાભાગના કોંગ્રેસના લોકો પકડાયા છે. પ્રાંતવાદના મુદ્દે પણ હિંસાત્મક નિવેદનો અને તોડફોડમાં કોંગ્રેસનાં જ લોકો જવાબદાર સાબિત થયાં છે. ત્યારે 'ચોર કોટવાલને દંડે' તેવાં કોંગ્રેસના નિવેદનો હાસ્યાસ્પદ પૂરવાર થાય છે. અફવા, અપપ્રચાર, ઉશ્કેરાટ, વેરઝેર, હિંસા આ સમગ્ર માનવજીવનને અસ્થિર અને ગુજરાતને બદનામ કરવાના કોંગ્રેસના ઘાતક પરીબળોને ગુજરાતની જનતા કયારેય સફળ થવા દેશે નહીં.

(12:19 pm IST)