Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

રામાપીરના ટેકરો ખાલી કરાવવા મામલે વાંધા અરજીના ઢગલા : આંકડો ૫ હજારે પહોંચશે

 અમદાવાદના વાડજ સ્થિત રામાપીરના ટેકરોને લઇને ભારે વિવાદ ચાલી રહ્યો છે. કોર્પોરેશન દ્રારા સ્લમ કલીયરન્સ એરીયા (ઝુંપડપટ્ટીમુકત વિસ્તાર) જાહેર કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેના સંદર્ભમાં જાહેર જનતા પાસેથી વાંધા સૂચનો મંગાવવામાં આવ્યા છે. જેના કારણે ઉસમાનપુરા સ્થિત પશ્ચિમ ઝોનની કચેરી ખાતે સવારથી જ વાંધા અરજીઓ આપવા લાંબી લાઈનો સર્જાઈ હતી. રામાપીર ટેકરા પર રહેતાં રહીશો દ્રારા ૧૫૦૦થી વધુ અરજીઓ થઇ ગઇ છે. બીજી ૧ હજારથી વધુ અરજીઓ કરી હોવાની સ્થાનિક આગેવાન એડવોકેટ શ્રી નરેન્દ્ર પરમારેે જણાવ્યું છે.

વાંધા અરજીમાં જણાવ્યું છે કે, સ્થાનિક લોકોની સંમંતિ વગર રીડેવલપમેન્ટ મંજુર કરી શકાય નહીં. છતાં પણ બોર્ડ કે સ્ટેન્ડીંગ કમિટીની મંજુરી વિના પી.પી.પી. યોજનાના નિયમો નેવે મૂકી રિડેવલપમેન્ટના ટેન્ડરો પાસ કર્યા હતા. મોટાપાયે ગેરરીતી તથા ભ્રષ્ટ્રાચાર થયો હોવાની ફરિયાદો કરીને વિજિલન્સ તપાસની માંગણી કરી હતી છતાં કોઇ કાર્યવાહી થઇ નથી. સ્થાનિક લોકો સંમંત નથી એટલે સ્લમ કલિયરન્સની નોટીસ આપી જબરજસ્તીથી અમલ કરાવવા કાયદાનો દુરપયોગ થઇ રહ્યો છે. બિલ્ડરોને લાભ કરાવવા સ્થાનિક લોકોને ઘરવિહોણા કરવાના ષડયંત્રના ભાગરૂપે આ નોટીસ અપાઇ છે. સ્લમ કલીયરન્સ બોર્ડ અને સ્લમ રીડેવલપમેન્ટ સ્કીમ બંને અલગ અલગ યોજના છે. અમારી જાણકારી મુજબ એક જ સ્થળે બંને યોજનાઓ એકસાથે અમલ કરવાની જોગવાઇ હોઇ શકે નહીં.સ્થાનિક એસ.સી., એસ.ટી., ઓ.બી.સી. વર્ગને રખડતા કરવાના અને બંધારણની જોગવાઇઓ વિરુદ્ઘ હક્ક અને અધિકાર છિનવવાના ભાગરુપે આપવામાં આવેલી હોવાથી અમને કબુલ મંજુર નથી અને બંધનકર્તા નથી.

અરજીમાં છેલ્લે જણાવ્યું છે કે, બળજબરીપૂર્વક મકાન પાડવાનું ષડયંત્ર કરવામાં આવશે તો ના છૂટકે કંઇ અજુગતુ બનશે તો તેની સઘળી જવાબદારી નોટીસ બજાવનારા અધિકારીની રહેશે. અમારે નાછૂટકે આમરણાંત ઉપવાસ, આંદોલન કરવાની ફરજ પડશે.

(12:32 pm IST)