Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

વડોદરાના પાદરામાં બસ ચાલકે 5 વાહનને અડફેટે લેતા બે બાળકોના ઘટનાસ્થળે મોત

ડભાસા તરફથી આવતી લકઝરી બસે આઇસર, અને અન્ય પાર્ક કરેલા અન્ય બે ફોરવ્હીલર વાહન બાદ રોંગ સાઈડના બે બાઇકને પણ અડફેટમાં લીધા

વડોદરાના પાદરામાં બસ ચાલકે સાગમટે 5 વાહનને અડફેટે લેતા બે બાળકોના ઘટનાસ્થળે જ મોત થયા છે જયારે  અન્ય એક વ્યકિતને ઈજા થતા તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. આ બનાવની જાણ પોલીસને કરતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે આવી આગળની તપાસ હાથ ધરી છે.

 વડોદરાના પાદરામાં એક ખાનગી બસ ચાલકે બેફામ ડ્રાઈવ કરી 5 વાહનોને અડફેટે લીધા હતા. આ અક્સ્માતમાં 2 બાળકોના મોત થતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.ડભાસા તરફથી આવતી લકઝરી બસે પાદરાના ફુલબાગ પહેલા આઇસર, અને અન્ય પાર્ક કરેલા અન્ય બે ફોરવ્હીલર વાહન બાદ રોંગ સાઈડના બે બાઇકને પણ અડફેટમાં લઇ મોટો અકસ્માત સર્જ્યો હતો. આ ઘટનાનાં પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને સ્થાનિક લોકો દ્વારા પોલીસ અને 108ની ટીમને જાણ કરી હતી.

ઘટનાની જાણકારી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. અને બે બાળકોના મૃતદેહને સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. ત્યાં જ ઘાયલ મહિલાને સારવાર માટે નજીકની હોસ્પિટલ લઇ ગયા હતા. આ બનાવને લઈ પોલીસે અક્સ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

(11:35 pm IST)