Gujarati News

Gujarati News

News of Sunday, 21st October 2018

પોલીસ કસ્ટડીમાં યુવકના મોત મામલે પાંચ સામે ગુનો દાખલ

અધિકારીઓ સામે એફઆઇઆરથી સનસનાટી : ચોરીના કેસમાં બોપલ એલસીબીની ઓફિસમાં પૂછપરછ માટે યુવકને લવાયો ત્યારે કસ્ટડીમાં મોતથી થયેલો વિવાદ

અમદાવાદ,તા. ૨૧ : બગોદરામાં થયેલી ચોરીના એક કેસ મામલે પૂછપરછ માટે  શહેરની બોપલ એલસીબીની ઓફિસમાં લાવવામાં આવેલા ૩૫ વર્ષના યુવકનું પોલીસ કસ્ટડીમાં મોત નીપજવાના ચકચારભર્યા કેસમાં આખરે પાંચ પોલીસ કર્મચારીઓએ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. યુવકનું મોત પોલીસના ઢોર માર અને ઇલેક્ટ્રીક શોક આપવાથી થયુ હોવાના પરિવારજનોના ગંભીર આરોપ અને આક્ષેપ બાદ ઉચ્ચ પોલીસ સત્તાવાળાઓએ સમગ્ર ઘટનાનો તપાસ અહેવાલ માંગ્યો હતો. ભારે વિવાદ અને હોબાળા બાદ આખરે કસ્ટોડિયલ ડેથ કેસમાં અમદાવાદ ગ્રામ્ય એલસીબી અને એસઓજીના અધિકારીઓ તથા કર્મીઓ સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે અને વિધિવત્ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીનો રહેવાસી એવો મૃતક સુરૂભા ઝાલા નરોડામાં રહેતો હતો. તે બ્લૂડાર્ટ કુરિયર કંપનીમાં ડ્રાઇવર તરીકે કામ કરતો હતો. કંપનીના અંદાજે કરોડોની કિંમતના પાર્સલો લઈને તે બગોદરા નજીકથી પસાર થઈ રહ્યો હતો. જેમાંથી અંદાજે અઢી કરોડની કિંમતના છથી સાત પાર્સલની ચોરી થઈ હતી. આ અંગે તા.૧૩ ઓક્ટોબરના રોજ બગોદરા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. તો બીજીતરફ ચોરી અંગે સુરૂભા તરફ શંકાની સોય તાકવામાં આવતા બગોદરા પોલીસ તેને પૂછપરછ માટે લાવી હતી. ત્યારબાદ વધુ તપાસ માટે બોપલ સ્થિત એલસીબીની ઓફિસમાં તેને પૂછપરછ માટે લાવવામાં આવ્યો હતો. પોલીસના કહેવા મુજબ, ૧૫ ઓક્ટોબર ૨૦૧૮નાં રોજ વહેલી સવારે ૫ વાગ્યે સુરૂભાને ગભરામણ થતા સારવાર માટે ઘુમા હેલ્થ સેન્ટરમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. સુરૂભા પાર્સલો લઈને રાજકોટથી અમદાવાદ આવી રહ્યો હતો. બગોદરા પોલીસની પૂછપરછમાં તેણે શરૂઆતમાં તે ગાડી લઈને સુરેન્દ્રનગર અને બાદમાં બગોદરા ઉભો રહ્યો હતો. ત્યારબાદ બગોદરા પાસે એક બાઈકચાલકે ગાડીમાંથી પાર્સલો નીચે પડી રહ્યા હોવાનું તેને કહ્યું હતું. આથી તે ગાડી ઉભી રાખીને પાર્સલો પડી ગયા છે કે કેમ તે જોવા નીચે પણ ઉતર્યો હતો. આમ તેના નિવેદનમાં વિરોધાભાસ જણાતો હતો. તા.૧૪ ઓક્ટોબરે તેને બોપલમાં એલસીબીની ઓફિસે લવાયો હતો જ્યાં ગભરામણ થતા તે ઢળી પડયો હતો. જો કે, પરિવારજનોએ સુરૂભાના મોતને લઇ ભારે હોબાળો મચાવ્યો હતો અને પોલીસના માર અને અમાનવીય અત્યાચારથી જ તેનું કસ્ટોડિલ ડેથ થયું હોવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. જેને પગલે ઉચ્ચ સ્તરીય તપાસ વચ્ચે સોલા સિવિલમાં પેનલ ડોક્ટરો દ્વારા પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, સુરૂભા ઝાલાના શરીર ઉપર મારના અનેક નિશાન મળ્યા હતા. આ ઉપરાંત ઇલેક્ટ્રિક શોક પણ આપવામાં આવ્યો હોવાનું ફલિત થયું હતું. ડોક્ટરના રિપોર્ટ પ્રમાણે પોલીસના શારીરિક ત્રાસ અને ઇલેક્ટ્રિક શોક આપવાના કારણે ઝાલાનું બ્રેઈન હેમરેજના કારણે મોત નીપજ્યું હતું. કસ્ટોડિયલ ડેથ થયું હોવાને કારણે પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ રિપોર્ટ તપાસ અર્થે મેજિસ્ટ્રેટને સોંપવામાં આવ્યો હતો. મેજિસ્ટ્રેટ સામે રજૂ કરવામાં આવેલા મેડિકલ રિપોર્ટ મૃતકના પરિવારનું નિવેદન ધ્યાનમાં લેતા ફલિત થયું હતું કે પોલીસે ગુનાની કબુલાત કરાવવા માટે તેમની કસ્ટડીમાં રહેલા સરૂભા ઝાલાની હત્યા કરી હતી. આખરે આ પ્રકરણમાં ગ્રામ્ય એલસીબીના અધિકારીઓ અને એસઓજીના કર્મચારી સામે ગુનો નોંધાયો હતો.

(9:29 pm IST)