Gujarati News

Gujarati News

News of Sunday, 21st October 2018

બહેરામપુરા : કેમિકલયુકત પાણીથી સ્થાનિક ત્રાહિમામ

વારંવારની રજૂઆત છતાં ભારે ઉદાસીનતા : બહેરામપુરા વોર્ડમાં કેમિકલની ફેકટરીઓ અને તેના દ્વારા ફેલાતા પ્રદૂષણ અને કમિકલયુકત પાણીથી લોકો પરેશાન

અમદાવાદ, તા.૨૦ : શહેરનાં બહેરામપુરા વોર્ડમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સત્તાવાળાઓની રહેમનજર હેઠળ કેમિકલની ૬૦૦થી ૭૦૦ ફેકટરી ધમધમે છે. આ ફેકટરીઓના કેમિકલયુક્ત પાણી લોકોના આરોગ્ય માટે જોખમી હોવા છતાં ભાગ્યે જ કોઇ ફેકટરી સામે કડક પગલાં લેવાય છે. પરિણામે બહેરામપુરાના પીડબલ્યુડી રોડ જેવા વિસ્તારમાં છેલ્લા બે મહિનાથી કેમિકલના પાણી વહી રહ્યા હોવા છતાં સત્તાવાળાઓ નિષ્ક્રિય છે. બહેરામપુરા વોર્ડમાં કેમિકલની ફેકટરીઓ અને તેના દ્વારા ફેલાતા ગંભીર અને જોખમી પ્રદૂષણ તેમ જ કેમીકલયુકત પાણીથી સામાન્ય નાગરિકો ત્રાહિમામ્ પોકારી ઉઠયા છે. બહેરામપુરા વોર્ડની આ ફેકટરીઓ પૈકીની અનેક ફેકટરીના કર્તાહર્તા પોતાનું પ્રોસેસિંગ બાદનું કેમિકલવાળું પાણીને તંત્રની ડ્રેનેજ લાઇનમાં સીધે સીધું ઠાલવે છે. આ પ્રકારના ગેરકાયદે જોડાણના કારણે ડ્રેનેજ લાઇન ખવાઇ જવાના કે તે ઊભરાઇ જવાના કિસ્સા વારંવાર બહાર આવે છે. ચંડોળા તળાવથી નબીનગર સુધીના પીડબ્લ્યુડી રોડ પર આવેલ શાળાના વિદ્યાર્થીઓ તેમજ રહેણાક વિસ્તારના લોકો સમગ્ર રોડ પર વહેતા કેમિકલયુક્ત પાણીથી નર્કાગાર હાલતમાં મુકાયાં છે. છેલ્લાં બે-બે મહિનાથી સેંકડો બાળકો સહિતનાં લોકોને સામાન્ય અવરજવર માટે પણ કેમિકલયુક્ત પાણીમાં થઇને જવું પડતું હોઇ તેમના પગમાં ફોલ્લા પડે છે. તંત્રની લાપરવાહીથી પીડબ્લ્યુડી રોડ પર આવેલી નવરંગ સ્કૂલ, અમન સ્કૂલ, ચંડોળા તળાવ મ્યુનિસિપલ શાળાનાં વિદ્યાર્થીઓ તેમજ શાહઆલમનગર, નબીનગર, અલહબીબનગર અને અલ-મોહંમદી સોસાયટીનાં લોકો તોબા પોકારી ગયાં છે. દક્ષિણ ઝોનના ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનર પરાગ શાહ સમક્ષ લોકોએ લેખિત રજૂઆત કરી છે. કમિશનર વિજય નેહરાને કેમિકલનાં પાણીથી ભરેલા પીડબ્લ્યુડીના રોડની તસવીર મોકલાઇ છે. તેમ છતાં હજુ સ્થિતિ બદલાઇ નથી તેવો બહેરામપુરાનાં સ્થાનિક કોર્પોરેટર અને મ્યુનિસિપલ વિપક્ષ કોંગ્રેસના પૂર્વ નેતા બદરુદ્દીન શેખનો આક્ષેપ છે. આ અંગે દક્ષિણ ઝોનનાં ઇન્ચાર્જ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પરાગ શાહનો ફોન સંપર્ક થઇ શકતો નથી. જ્યારે ડેપ્યુટી સિટી ઇજનેર અશોક સકસેનાનો સંપર્ક કરતાં તેઓ કહે છે. સમગ્ર બાબતની કોઇ ફરિયાદ મને મળી નથી. જો ફરિયાદ મળશે તો, આની ચોક્કસ તપાસ કરાવીશ તેવી હૈયાધારણ તેમણે આપી હતી. જો કે, હાલ તો બહેરામપુરા વોર્ડના સ્થાનિક રહીશો ખાસ તો મહિલા, બાળકો અને વૃધ્ધજનો માટે જીવવું દુષ્કર બન્યું છે.

(7:36 pm IST)