Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

સિરિયલ કિલરે ચોથી હત્યા કરી હોવાનો ભેદ ઉકેલાયો

હત્યા કર્યા બાદ લાશને ગટરમાં ફેંકી હતી : વિરાટનગરમાં રહેતા સોનાના વેપારીની હત્યા કરી હોવાનું ખૂલ્યુ : સિરિયલ કિલરે લૂંટનો માલ વિશાલને વેચ્યો હતો

અમદાવાદ,તા. ૨૧ : ગાંધીનગરમાં ત્રણ વ્યક્તિને માથામાં ગોળી મારી હત્યા કરી લૂંટ ચલાવનારો સિરિયલ કિલર આ મહિના બાદ તાજેતરમાં ગુજરાત એટીએસના હાથે ઝડપાયો છે ત્યારે તેન સઘન પૂછપરછમાં એક બાદ એક ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યા છે. આ સમગ્ર કેસમાં સિરિયલ કિલર મદન ઉર્ફે મોનિશ માલીએ તેના જ પરિચિત અને સોનાના વેપારી એવા વિશાલ પટેલ નામના યુવકની હત્યા પણ કરી હતી. આ તેની ૪થી હત્યા હતી. સિરિયલ કિલર એવા મદન ઉર્ફે મોનિશ માલીએ અમદાવાદના કઠવાડા જીઆઇડીસી પાસે વિરાટનગરમાં રહેતા વિશાલ પટેલ નામના યુવકની હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. માત્ર એટલું જ નહીં, સિરિયલ કિલરે જે ત્રણ વ્યક્તિની હત્યા કરી હતી અને તેમની પાસેથી જે લૂંટ ચલાવી હતી તેનો મુદ્દામાલ પણ તેણે આ મૃતક વિશાલ પટેલને જ વેચ્યો હતો. મદને હત્યા બાદ લાશને ગટરમાં ફેંકી દીધી હતી અને મૃતકની કારને પેટ્રોલ છાંટી સળગાવી દીધી હતી. સીઆઈડી ક્રાઈમની ટીમે હાલ મૃતકની લાશને ગટરમાંથી શોધવા તજવીજ શરૂ કરી છે. સિરિયલ કિલરને પકડવા માટે ૫ાંચ રાજ્યની ૫૦ કરતાં વધારે ટીમો કામે લાગી હતી અને રૂ.૫ાંચ લાખનું ઈનામ પણ જાહેર કરાયું હતું.

                         ગુજરાત એટીએસે સરખેજ વિસ્તારમાંથી શનિવારે મોડી રાતે ધોળકા રોડ પર આવેલા એક મકાનમાંથી મદન ઉર્ફે મુકેશ ઉર્ફે મોસિન ભવનલાલ નાયક(૩૬) નામના સિરિયલ કિલર ઝડપી લઇ ૧ પિસ્ટલ અને ૩૧ કારતૂસ કબજે કર્યા હતા. આ સિરિયલ કિલર ચોરી - લૂંટના ગુના આચરનાર હિસ્ટ્રિશીટર છે અને વિકૃત માનસિકતા ધરાવતા તેણે ફક્ત પૈસા માટે જ આ ત્રણ વ્યક્તિની હત્યા કરી હતી. કિલરે પોલીસ સમક્ષ એક જ મિનિટમાં ત્રણેય હત્યા કબૂલી લીધી હતી. ક્રાઇમ પેટ્રોલ જોઈને હત્યા કરવાનું અને યુ ટ્યૂબ પરથી બંદૂક ચલાવતા શીખ્યો હોવાની કબૂલાત તેણે કરી હતી. મદન મૂળ રાજસ્થાનનો વતની હતો. તેના પિતાએ બીજાં લગ્ન કરતા મદને ૧૯૯૫માં ઘર છોડી દીધું હતું. વર્ષો સુધી તે ગાંધીનગર શાકભાજી તેમજ ચોળાફળી વેચતો હતો. તેણે ૧૯૯૯માં સાઈકલ ચોરીથી ચોરીની શરૂઆત કરી હતી. મદને જુઠ્ઠાજી ઠાકોરની ત્રીજી હત્યા કરી ત્યારબાદ પોલીસે તેનો સ્કેચ જારી કર્યો હતો. જેથી મદન એલર્ટ થઇ ગયો હતો અને ત્રણ મહિના પહેલા પત્ની અને દીકરાને લઇને સરખેજ-ધોળકા રોડ ઉપર રહેવા જતો રહ્યો હતો. પોલીસે મદનનો સ્કેચ તેમજ સીસીટીવી જારી કરીને કેનાલની આસપાસ વોચ ગોઠવી દીધી હતી. જેથી પોલીસથી બચવા મદને મૂછ અને દાઢી વધારી દીધી હતી અને વાળ નાના કરી દીધા હતા.

(8:47 pm IST)