Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

ધોરણ-૧૨ની ઉત્તરવહી ચકાસણીમાં ૩૫૧૭ શિક્ષકે સરવાળાની ભૂલ કરી

૩૦ લાખનો દંડઃ વિજ્ઞાનપ્રવાહના ૩૧૦૦ થી વધુ શિક્ષકોને દંડ

અમદાવાદ તા.૨૧: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-૨૦૧૯માં લેવાયેલી પરીક્ષામાં ધોરણ-૧૨ સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાની ઉતરવહી ચકાસણી દરમિયાન બેદરકારીભરી કામગીરીથી અનેક વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરનાર ૩૫૧૭ શિક્ષકો-સમીક્ષકોને શિક્ષણ બોર્ડે રૂ.૩૦ લાખનો દંડ ફટકાર્યો છે. આશિક્ષકોમાં માર્કસની કુલ ગણતરીમાં ભૂલ કરનારા એટલે કે સરવાળા કરવાની સામાન્ય ભૂલો કરનારા શિક્ષકોનો સમાવેશ થાય છે.ગાંધીનગર શિક્ષણ બોર્ડની કચેરી ખાતે ઉચ્ચ સત્તાવાળાની હાજરીમાં ઉત્તરવહીની ચકાસણીમાં માર્કસની કુલ ગણતરીમાં ભૂલ કરનારા વિવિધ શિક્ષકો-સમીક્ષકોને ગત માસે હિયરિંગ માટે બોલાવાયા હતા. શિક્ષણ બોર્ડના સત્તાવાળાઓએ ઓગસ્ટ-સપ્ટેમ્બર દરમિયાન હાથ ધરેલી ઉત્તરવહીની ચકાસણીની કાર્યવાહી અંતર્ગત ઉત્તરવહી ચકાસણીમાં માર્કસની ગણતરીમાં ગોટાળો કરનારા શિક્ષકો-સમીક્ષકોને રૂબરૂમાં બોલાવીને ૧૦ થી વધુ માર્કની ગણતરીમાં ભૂલ કરનારા શિક્ષકો-સમીક્ષકોને બીલદીઠ ૧૦૦ના હિસાબે રૂ.૧૦૦૦ કે તેથી વધુની સજા ફટકારી છે.જેમાં ધોરણ-૧૨ સાયન્સના વિવિધ વિષયની ઉત્તરવહીની ચકાસણીમાં સરવાળા-માર્કસનું ટોટલ મારવામાં ભૂલ કરનારા ૪૧૭ શિક્ષક-સમીક્ષકોને છ લાખનો દંડ કર્યો છે. બીજી તરફ ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની વિવિધ ઉત્તરવહીની ચકાસણીમાં ટોટલ મારવામાં ભૂલ કરનારા ૩૧૦૦ થી વધુ વધુ શિક્ષક-સમીક્ષકોને રૂ.૨૪ લાખનો દંડ ફટકારાયો છે, તેમાંથી ઘણા શિક્ષક અને સમીક્ષકોને રૂ.૧૦૦૦ થી ૨૫ હજાર સુધીનો દંડ ભર્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે.

આમ, રાજ્યના ૩૫૧૭ શિક્ષકોને ઉત્તરવહી ચકાસણીમાં બેદરકારી દાખવવા બદલ સામાન્ય એવી સરવાળાની ભૂલો કરીને વિદ્યાર્થીના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ ઊભો કરવા બદલ દંડવામાં આવ્યા છે, જોકે આ શિક્ષકોમાં હજુ દસ માર્કથી ઓછી ભૂલ કરનારા શિક્ષકોનો સમાવેશ કરાયો નથી. આવા શિક્ષકોની સંખ્યા પણ ઓછી નથી, પરંતુ તેમને ચીમકી આપીને ભવિષ્યમાં આવી ભૂલો ન થાય તેની કાળજી રાખવા માટે સૂચના આપવામાં આવી છે.

(3:43 pm IST)