Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

સુરતમાં કોંગ્રેસના ગઢમાં ગાબડુ : પાટીદાર નેતા ધીરૂ ગજેરાનું રાજીનામુ

ભાજપમાં જોડાય તેવી શક્‍યતા

સુરત તા. ૨૧ : કોંગ્રેસના સુરત ગઢના કાંગરા ધીરે ધીરે ખરવા લાગ્‍યા છે. કોંગ્રેસનું સુરત રાજકારણમાં ચર્ચાતુ એવું નામ ધીરૂ ગજેરાએ આખરે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્‍યું છે. લાંબા સમયથી કોંગ્રેસ મોવડી મંડળથી નારાજ એવા ધીરૂભાઈ ગજેરાએ રાજીનામુ આપતા લાંબા સમયથી ચાલતી અટકળોનો આખરે અંત આવ્‍યો છે.

અગાઉના સમયમાં હું કોંગ્રેસ પક્ષ તરફથી અનેક ચૂંટણીઓ લડી ચૂક્‍યો છું. આજે હું કોંગ્રેસ પદના સભ્‍ય પદથી તથા તમામ હોદ્દેદારો પદેથી રાજીનામુ આપું છું. આ ઉપરાંત મારી સાથે જે પણ આગેવાનો જોડાયા હતા, તે તમામ સાથીદારો પણ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામુ આપી રહ્યાં છે. ધીરૂભાઈ ગજેરા સુરત કોંગ્રેસના રાજકારણમાં મોટુ માથું ગણાય છે. તેઓ કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્‍યક્ષ હતા. કોંગ્રેસમાંથી તેઓ વિધાનસભા અને લોકસભાની ચૂંટણી પણ લડ્‍યા હતા. તેઓ ભાજપના પૂર્વ ધારાસભ્‍ય પણ હતા.

લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી કે, પાટીદાર નેતા ધીરૂ ગજેરા પણ કોંગ્રેસથી છેડો ફાડી શકે છે. ધીરૂ ગજેરાએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્‍ટ પરથી ભાજપ વિરોધી તમામ પોલિટિકલ પોસ્‍ટને હટાવી દીધી છે. તેથી ભાજપમાં જવાની સંભાવના પ્રબળ બની રહી છે. ૨૦૧૭માં તેઓ કોંગ્રેસની ટિકિટ પરથી વરાછા બેઠક પરથી ચૂંટણી લડ્‍યાં હતાં.

તો બીજી તરફ, ધીરૂ ગજેરાના રાજીનામાના થોડા સમય બાદ કોંગ્રેસના પ્રવક્‍તા મનીષ દોષીએ એક નિવેદનમાં કહ્યું હતું કે, ધીરૂ ગજેરાનું હાલ રાજીનામું મળ્‍યું નથી. મીડિયાના માધ્‍યમથી માહિતી મળી. કોંગ્રેસ પક્ષ દ્વારા તેમને હમેશા સન્‍માન આપવામાં આવ્‍યું છે. તેઓ પોતાના અંગત કારણથી રાજીનામુ આપી રહ્યા હશે. રાજીનામુ આવશે ત્‍યારે અમે વાત કરીશું. તેમને કોઈ તકલીફ હોય તો પક્ષમાં રજૂઆત કરી શકે છે. પક્ષના મોવડીઓને મળીને રજુઆત પણ કરી શકે છે.

(10:23 am IST)