Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

વિદ્યાર્થીઓને અમેરિકા જવા માટે હવે ધડાધડ વિઝા મળ્યા

અમેરિકા જવા માગતા વિદ્યાર્થીઓને લોટરી લાગી : વિઝા કન્સલ્ટન્ટનું કામ કરતાં પ્રોફેશનલ્સનું કહેવું છે કે આ વખતે તેમના ત્યાંથી થયેલી અરજીનો સક્સેસ રેટ ૯૦% છે

અમદાવાદ,તા.૨૧ : મેશ્વી પટેલ, ગુજરાતની એક વિદ્યાર્થીની જેની યુ.એસ.માં ઉચ્ચ અભ્યાસ માટેની સ્ટુડન્ડ વિઝા એપ્લિકેશન ભૂતકાળમાં પાંચ-પાંચ વાર નકારી કાઢવામાં આવી હતી, પરંતુ મહામારીનું વર્ષ તેના માટે ફળ્યું જ્યારે યુનિવર્સિટી ઓફ ન્યુ હેવનમાં એકાઉન્ટિંગ સબ્જેક્ટમાં માસ્ટર કરવા માટે તેને વિઝા મળી ગયા. મેશ્વીએ કહ્યું કે યુએસમાં ભણવાનું મારું સ્વપ્ન આખરે સાકાર થયું.

મેશ્વીએ કહ્યું, મારા માટે મહામારીની નકારાત્મક્તાને હરાવવાનો આથી સારો રસ્તો કોઈ હોઈ શકે નહીં. આશ્ચર્યજનક રીતે વર્ષે અંકલ સેમ વિદ્યાર્થીઓને વિઝા આપવામાં વધુ ઉદાર રહ્યા છે, લોકલ ઓવરસીઝ એજ્યુકેશન કન્સલ્ટન્ટ્સ કહે છે કે તેમને ત્યાંથી પ્રોસેસ થયેલી ૯૫% થી વધુ સ્ટુડન્ટ વિઝા એપ્લિકેશનો મંજૂર કરવામાં આવી છે.

૯૫% વિઝા એપ્લિકેશનની સફળતા સાથે વર્ષ એક રેકોર્ડ વર્ષ રહ્યું છે. છેલ્લા એક દાયકામાં કોઈપણ સિઝનમાં સૌથી વધુ સક્સેસ રેટ છે. અમારા લગભગ તમામ વિદ્યાર્થીઓને વિઝા મળી ગયા છે. તેમ શહેરના જાણિતા ઓવરસીઝ વિઝા કન્સલ્ટન્ટ કવિતા પરીખ કહે છે. જેઓ દર વર્ષે ૬૫૦-૭૦૦ વિદ્યાર્થીઓને વિદેશમાં ભણવા જવા માટે કન્સલ્ટિંગ પૂરું પાડે છે.

અન્ય એક સ્ટુડન્ટ વિઝા કન્સલ્ટન્ટ હેમંત અગ્રવાલે જણાવ્યું કે ૨૦૧૫ થી ૨૦૨૦ ની વચ્ચે અમને ફક્ત ૪૦% વિઝા વિઝા સક્સેસ રેટ જોવા મળ્યો હતો. જે વર્ષે ૯૦% થી વધુ થયો છે. અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે, યુ.એસ.માં અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે એક ઉત્તમ વર્ષ રહ્યું છે. જેમણે કહ્યું કે તેઓએ વખતે યુ.એસ. જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ ઉછાળો જોયો છે.

ઓવરસીઝ વિઝા કન્સલ્ટન્ટ મૌલિન જોશીએ કહ્યું કે તેઓએ એવા વિદ્યાર્થીઓ પણ જોયા છે જેમના વિઝા ત્રણ, પાંચ અને સાત-સાત વાર નકારાવામાં આવ્યા હતા તેમને પણ વર્ષે વિઝા મળી ગયા છે. જોશીએ આગળ જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડના દરવાજા વર્ષે વિદેશી વિદ્યાર્થીઓ માટે બંધ હોવાથી, યુ.એસ. તરફ જતા વિદ્યાર્થીઓનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધ્યું છે.

(8:36 pm IST)