Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

થલતેજ વિસ્તારમાં શાંતિનાથ મહાદેવમાં મહાયજ્ઞ પરિપૂર્ણ

વૈદિક મંત્રોચ્ચાર સાથે સાત દિવસ મહાયજ્ઞ ચાલ્યો : રાજ્યમાંથી આવેલા કુલ ૧૬૧ વેદપાઠી ભૂદેવોએ વૈદિક મંત્રોચ્ચારની સાથે ૧૧ કુંડાત્મક મહાયજ્ઞને પરિપૂર્ણ કર્યો

અમદાવાદ, તા.૨૧ :  શહેરના થલતેજ ખાતે આવેલા સુપ્રસિધ્ધ શાંતિનાથ મહાદેવ ખાત પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન શતચંડી હવન અને ૧૧ કુંડાત્મક અતિરૂદ્ર મહાયજ્ઞ ભારે શાસ્ત્રોકત અને વૈદિક વિધિ સાથે સંપન્ન થયા હતા. બહુ દુર્લભ અને અનન્ય મહાત્મ્ય ધરાવતાં શતચંડી હવન અને ૧૧ કુંડાત્મક અતિરૂદ્ર મહાયજ્ઞનો લાભ લઇ ભાવિકભકતોએ ભારે ધન્યતાનો અનુભવ કર્યો હતો. શહેરના થલતેજ વિસ્તારમાં આવેલા સુપ્રસિધ્ધ શાંતિનાથ મહાદેવ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે પરમ શિવભક્ત સ્વ. રમણલાલ સાંકળેશ્વર વ્યાસ અને સ્વ. નિર્મલાબેન દયાશંકર દવે પરિવાર વતી નલિનીબેન કીરીટકુમાર વ્યાસ પરિવાર દ્વારા સાત દિવસીય શતચંડી હવન અને ૧૧ કુંડાત્મક અતિરૂદ્ર મહાયજ્ઞનું આયોજન આચાર્ય શાસ્ત્રી પ્રશાંતભાઈ મનુપ્રસાદ (વેદપાઠી)રાવલના સાનિધ્યમાં કરવામાં આવ્યુ હતું.

       સાત દિવસ ચાલેલા આ શતચંડી હવન અને ૧૧ કુંડાત્મક અતિરૂદ્ર મહાયજ્ઞમાં શાંતિનાથ મહાદેવના વૈ.વા. સ્વામી મહંત શ્રી શંકર્ષણાચાર્યજી મહારાજના અનુગામી મહંતશ્રી પ.પૂ સ્વામી રાધેશ્યામજી મહારાજ સાતેય હાજર રહી તેમના શુભાશીષ પાઠવ્યા હતા. યજ્ઞના આયોજક શ્રી કીરીટકુમાર વ્યાસે જણાવ્યું હતું કે, અમારા પૂર્વજોના આશીર્વાદથી અને પરિવારના સહકારથી સાત દિવસીય શતચંડી હવન અને ૧૧ કુંડાત્મક અતિરૂદ્ર મહાયજ્ઞનું આયોજન શક્ય બન્યું, અને ભગવાન શિવ અને માતા શક્તિની આરાધના કરવાનું પુણ્યકર્મ અમારા પરિવારથી પૂર્ણ થયું છે.

       સાત દિવસીય શતચંડી હવન અને ૧૧ કુંડાત્મક અતિરૂદ્ર મહાયજ્ઞના આચાર્ય શાસ્ત્રી પ્રશાંતભાઈ મનુપ્રસાદ (વેદપાઠી)એ જણાવ્યું હતું કે, આ યજ્ઞમાં સમગ્ર રાજ્યમાંથી આવેલા કુલ ૧૬૧ વેદપાઠી ભૂદેવોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે ૧૧ કુંડાત્મક અતિરૂદ્ર મહાયજ્ઞ પરિપૂર્ણ કર્યો હતો. અષ્ટધ્યાયી રૂદ્રીના ૧૧ પાઠ કરવાથી એક રૂદ્રીપાઠ સંપન્ન થાય, તેમ ૧૧ રૂદ્રીપાઠ કરવાથી એક લઘુરૂદ્ર થાય, ૧૧ લઘુરૂદ્રના પાઠ કરવાથી એક મહારૂદ્ર થાય, અને ૧૧ મહારૂદ્રના પાઠ કરવાથી એક અતિરૂદ્ર સંપન્ન થાય. આમ, અતિરૂદ્રનું શાસ્ત્રોક્ત અને વૈદિક દ્રષ્ટિએ પણ અનેરું મહાત્મ્ય છે.

(9:55 pm IST)