Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

વડોદરાના શહીદ વિર જવાન સંજય સાધુના પાર્થિવ દેહને ગાર્ડ ઓફ ઓનરઃ શ્રદ્ધાંજલી અર્પણ

વડોદરા :આસામ ખાતે ફરજ દરમિયાન શહીદ થયેલ જવાન સંજય સાધુનો પાર્થિવ દેહ મોડી રાત્રે એરપોર્ટ ખાતે આવી પહોંચ્યો હતો. શહીદ જવાનના પાર્થિવ દેહને ફૂલોથી સજાવેલ સેનાના વાહનમાં લઈ જવાયો હતો. એરપોર્ટ ખાતે શહીદના પાર્થિવ દેહને રાજ્ય સરકાર વતી રાજ્ય કક્ષાના મંત્રી યોગેશ પટેલે શ્રદ્ધાંજલિ અર્પી હતી. શહેરના કલેક્ટર તેમજ પોલીસ કમિશનરે પણ શહીદના પાર્થિવ દેહને આપી શ્રદ્ધાંજલિ અર્પી હતી. વડોદરાના સાંસદ, મેયર, પાલિકાના વિરોધ પક્ષના નેતા, શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત વિવિધ રાજકીય આગેવાનો પણ શ્રદ્ધાંજલિ આપવા પહોંચી ગયા હતા.

એરપોર્ટ પર સેના દ્વારા શહીદ વીરને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ભારે સન્માન બાદ શહીદના પાર્થિવ દેહને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. આજે સવારે શહીદને પરિજનોને પાર્થિવ દેહ સુપરત કરાશે. શહેર પોલીસ કમિશનર, સાંસદ રંજન ભટ્ટ, કલેક્ટર શાલિની અગ્રવાલ, મેયર ડો. જીગીષાબેન શેઠ, ડેપ્યુટી મેયર જીવરાજ ચૌહાણ, વિરોધ પક્ષ નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ, શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ, ધારાસભ્ય મનીષા વકીલ, સીમા મોહિલે સહિત શહીદ જવાન સંજય સાધુનો પરિવાર, બીએસએફના જવાનો તથા અન્ય નાગરિકો શહીદ જવાનને એરપોર્ટ પર શ્રદ્ધાંજલિ આપવા પહોંચી ગયા હતા.

આસામમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સની 6 બટાલિયન પીઆઈ સંજય સાધુ ફરજ બજાવી રહ્યા હતા. તેમનું પોસ્ટીંગ ધુબરી જિલ્લામાં હતું. પેટ્રોલિંગ સમયે ગાયની તસ્કરી કરતા શખ્સોને પકડવા જતા સ્લીપ સંજય સાધુ સ્લીપ થઈ ગયા હતા. તેઓ પૂરના પાણીથી ભરેલા નાળામાં ડૂબી ગયા હતા. ઘટનામાં સંજય સાધુ મૃત્યુ પામ્યા હતા. વાત જાણીને સાધુ પરિવાર શોકમાં ડૂબી ગયો હતો.

મોડી રાત્રે 6 બટાલિયન ટીમ દ્વારા તિરંગામાં લપેટાયેલા શહીદ સંજય સાધુના દેહને દિલ્હીથી હવાઈ માર્ગે વડોદરા લાવવામાં આવ્યો હતો. તિરંગામાં લપેટાયેલા વીર શહીદના મૃતદેહને ફૂલોથી સજાવેલા વાહનમાં લઈ જવાશે.

આજે સવારે સંજય સાધુની અંતિયાત્રા નીકળશે અને ગોરવા સ્મશાન ખાતે પહોંચશે. વીર શહીદને રાષ્ટ્રીય સન્માન સાથે વિદાય આપવામાં આવશે. બીએસએફ દ્વારા વીર શહીદને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે.

(4:56 pm IST)