Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

ગુજરાતના રાજકારણમાં ગુજરાતના પત્રકારો - લેખકો

દૈનિક પત્રકારત્વમાં જુદા જુદા વિષયોની બીટ હોય છે – સિટી, ક્રાઇમ, એજયુકેશન, મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ, પોલીસ કમિશનર ઓફિસ, રાજકારણ, જે તે રાજયનું પાટનગર, રાજકીય પક્ષો, બિઝનેસ – વ્યાપાર, ફિલ્મ – થિએટર, મનોરંજન વિ. હવે એ બીટમાં 'પત્રકાર'નામની બીટનો ઉમેરો કરવો પડે એમ છે. કેમ કે ટીવી એન્કર તરીકે દર્શકો વચ્ચે જાણીતા થયેલા વીટીવીના બ્રોડકાસ્ટ જર્નલિસ્ટ ઈસુદાન ગઢવી ૧૪મી જૂન ૨૦૨૧ના રોજ 'આમ આદમી પાર્ટી'માં જોડાયા પછી આગામી દોઢ વર્ષ – જાન્યુઆરી ૨૦૨૩ સુધી ગુજરાતના રાજકીય પત્રકારત્વના કેન્દ્રમાં આ પત્રકાર રહેવાના છે. તેમાં અન્ય નામો જોડાશે કે નહીં, એ નામો પત્રકારત્વ ક્ષેત્રના કે અન્ય ક્ષેત્રના હશે એ બાબતે હાલના તબક્કે કશું કહી શકાય એમ નથી. પરંતુ બાકીના રાજકીય પક્ષોએ તેમની એ કવાયત ચાલુ કરી દીધી છે.

વર્ષ ૨૦૧૨માં નવી દિલ્લીમાં 'આમ આદમી પાર્ટી'ની સ્થાપના – શરૂઆત થઈ ત્યારે તેમાં બે પત્રકારો જોડાયા હતા. આશુતોષ ગુપ્તા અને આશિષ ખેતાન. આશુતોષ આઈબીએન સેવન ચેનલના એન્કર હતા તો આશિષ ખેતાન ટીવી અને પ્રિન્ટ એમ અલગ અલગ માધ્યમો માટે ઇન્વેસ્ટીગેટિવ જર્નલિઝમ કરતા હતા. બન્ને ૨૦૧૪ની સોળમી લોકસભા ચૂંટણીમાં પક્ષના નવી દિલ્લીની અલગ અલગ લોકસભા બેઠકોના ઉમેદવાર હતા અને પરાજિત થયા હતા. બન્ને પત્રકારો ૨૦૧૮માં આમ આદમી પાર્ટી અને રાજકારણ એમ બન્નેથી દુર થઈ ગયા. આશિષ ખેતાન તો હવે દિલ્લી છોડીને મુંબઈમાં વકીલાત કરે છે. એટલે 'આમ આદમી પાર્ટી'જેને અંગ્રેજીમાં ટુંકમાં 'આપ'કહીએ તેમાં પત્રકારો જોડાય એ નવી વાત નથી. હા જોડાઇને લાંબો સમય ટકે તો વાત આગળ વધે. એ ક્રમમાં ઈસુદાન ગઢવીનો આ ઇન્ટર્નશીપ પીરિયડ ચાલુ થયો એમ કહેવાશે.

કક્કો – બારાખડીની રીતે જોઈએ તો દિલ્લીમાં 'આ'અને ગુજરાતમાં 'ઈ'થી શરૂ થયેલી આ પત્રકાર-રાજકારણની યાદીમાં બીજા કેટલા મૂળાક્ષરો – જોડાક્ષરો જોડાશે તે સમય વીતે ખબર પડશે. હાલના તબક્કે આપણે એ જાણીએ કે ભૂતકાળમાં ગુજરાતના રાજકારણને પત્રકારત્વના ક્ષેત્રમાંથી કોની કોની સેવાઓ પ્રાપ્ત થઈ છે, કોની કેવીક સામેલગીરી રહી છે. રાજકારણમાં સામેલ થયેલા સૌને સફળતા નથી મળી પરંતુ અહીં તેમની નોંધ લેવી જરૂરી છે.

બીજી એક સ્પષ્ટતા એ પણ કરવાની કે તાલુકા અને જિલ્લા સ્તરે પત્રકારત્વ સાથે સંકળાયેલા હોય એવા અનેક ખબરપત્રીઓ, પત્રકારો તેમજ એ સ્થાનેથી પ્રકાશિત થતા દૈનિક, સામયિકોના તંત્રી – પ્રકાશકોએ ગ્રામ પંચાયત, તાલુકા – જિલ્લા પંચાયત, વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓમાં ઉમેદવારી કરી હોય તેવા એકથી વધુ દાખલા છે. એમાંની મોટાભાગની ઉમેદવારી 'અપક્ષ'અથવા તો રાષ્ટ્રીય કે પ્રાદેશિક રાજકીય પક્ષની માન્યતા ન ધરાવતા હોય એવા પક્ષોમાંથી હતી. એ તમામની નોંધ નહીં લેતા અહીં માત્ર જાણીતા પત્રકારોની જ નોંધ લીધી છે. જાણીતા પત્રકાર એટલે ભઈ 'સ્ટાર પત્રકાર'. હવે યાદી જોઇને તમે જ નક્કી કરો કે આ બધા 'સ્ટાર પત્રકાર'છે કે નહીં.

આ યાદીમાં પહેલું નામ જેમનું મુકવું પડે તેમનું નામ છે માધવસિંહ ફુલસિંહ સોલંકી. મુંબઈ રાજયની બીજી વિધાનસભા-૧૯૫૭માં તેઓ બોરસદ દક્ષિણ બેઠક પરથી કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટાઈને પ્રથમ વાર ધારાસભ્ય થયા. એ અગાઉ તેઓ 'ગુજરાત સમાચાર'દૈનિકના તંત્રી વિભાગમાં કામ કરી ચુકયા હતા તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રકાશન અધિકારી રહ્યા હતા. માધવસિંહ સોલંકી આઠ વાર ગુજરાત વિધાનસભામાં ચૂંટાયા, સાત વાર ધારાસભ્ય થયા, બે વાર વિધાનસભા વિરોધપક્ષના નેતા થયા, ચાર વાર ગુજરાતના મુખ્યમંત્રી થયા, બે મુદત માટે રાજયસભાના સભ્ય થયા અને બે વડાપ્રધાનોના મંત્રીમંડળમાં રહીને વર્ષ ૨૦૦૦માં રાજયસભામાંથી નિવૃત્ત્। થયા. વર્ષ ૨૦૦૭ સુધી એટલે કે પચાસ વર્ષ તેઓ ગુજરાતના રાજકારણમાં સક્રિય રહ્યા એમ કહેવાય. માધવસિંહ સોલંકી ૯ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ ગાંધીનગર ખાતે અવસાન પામ્યા.

બીજું નામ છે ઝુમખલાલ લક્ષ્મીચંદ મહેતા. મુંબઈ રાજયની બીજી વિધાનસભા-૧૯૫૭માં તેઓ માંડવી બેઠકથી કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટાઈને પ્રથમ વાર ધારાસભ્ય થયા એ સમયે જન્મભૂમિ જૂથના ભુજથી પ્રકાશિત થતા દૈનિક 'કચ્છ મિત્ર'ના તંત્રી હતા. એ પછી તેઓ ૧૯૬૭માં માંડવી બેઠકથી જ ત્રીજી વિધાનસભામાં પણ ચૂંટાઈ આવ્યા હતા. ઝુમખલાલ મહેતા તેમના સમયમાં કચ્છના નામચીન દાણચોરોની તરફેણ કરવા માટે બદનામ થયા હતા. દાણચોરોની સામે નોંધાતા ગુનામાં હળવી કલમો લાગે એ માટે તેઓ સરકારી તંત્રને ભલામણ કરતા હતા. ૩ ફેબ્રુઆરી ૧૯૯૪ના રોજ ઝુમખલાલ મહેતા અવસાન પામ્યા હતા.

ત્રીજું નામ છે પ્રતાપભાઈ તારાચંદ શાહ. બીજી વિધાનસભા ૧૯૬૨માં ભાવનગર બેઠક પર પ્રજા સોશિયાલિસ્ટ પાર્ટીના ધારાસભ્ય તરીકે વિજેતા થયા ત્યારે બેંકમાં ઓફિસર હતા. એ પછી બેંકની નોકરી છોડી અને 'સૌરાષ્ટ્ર સમાચાર'દૈનિકના પ્રકાશક, માલિક અને તંત્રી થયા. કોંગ્રેસ પક્ષમાં જોડાઇને ત્રીજી, ચોથી અને પાંચમી વિધાનસભાના ધારાસભ્ય તેમજ ગુજરાતના મંત્રીમંડળમાં નાણા મંત્રી થયા. નાણા મંત્રી કે સક્રિય રાજકારણમાં હતા ત્યારે રાજકારણ અને પત્રકારત્વને એકમેકથી અલગ રાખી શકયા હતા. પ્રતાપભાઈ શાહે વર્ષ ૨૦૦૫માં 'સૌરાષ્ટ્ર સમાચાર'નું સંચાલન – માલિકી 'દિવ્ય ભાસ્કર'જૂથને હસ્તાંતરિત કર્યું. ૬ મે ૨૦૨૧ના રોજ તેઓ ભાવનગર ખાતે અવસાન પામ્યા.

ચોથું નામ છે મનસુખભાઈ છગનલાલ જોષી. ચોથી વિધાનસભા ૧૯૭૨માં તેઓ રાજકોટની બે વિધાનસભા બેઠકોમાંથી રાજકોટ-૧ બેઠકના કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય હતા. ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા એ સમયે 'જનસત્ત્।ા'દૈનિકની રાજકોટ આવૃત્ત્િ।ના રેસિડન્ટ એડિટર / નિવાસી તંત્રી હતા. આ કામગીરી મનસુખભાઈ જોષીની વિશિષ્ટ ઓળખ રહી. ધારાસભ્ય થયા એટલે માર્ચ ૧૯૭૨ના અંતે નિવાસી તંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. રાજકીય ક્ષેત્રે નિવૃત્ત્િ। બાદ તેઓ જન્મભૂમિ જૂથના રાજકોટ સ્થિત 'ફૂલછાબ' દૈનિકના જનરલ મેનેજર પદે રહ્યા. મનસુખભાઈ જોષી હાલ રાજકોટમાં નિવૃત્ત્। જીવન પરિવાર સાથે ગાળી રહ્યા છે.

પાંચમું નામ છે લીલાધરભાઈ ખોડાજી વાઘેલા. ૧૯૭૫માં પાંચમી વિધાનસભામાં દિઓદર બેઠક પરથી કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટાઈને પ્રથમ વાર ધારાસભ્ય થયા એ સમયે તેઓ 'બનાસ સંદેશ'નામે પોતાનું સાપ્તાહિક અખબાર પ્રકાશિત કરતા હતા અને ડીસા તાલુકામાં ખબરપત્રી – પ્રેસ પ્રતિનિધિ તરીકે જાણીતા હતા. લીલાધરભાઈ વાઘેલા આ પછી અપક્ષ, જનતા દળ અને ભારતીય જનતા પક્ષના થઈ એમ કુલ છ વાર ધારાસભ્ય થયા. ભાજપે તેમને ૨૦૧૪માં સોળમી લોકસભા ચૂંટણીમાં પાટણ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે પસંદ કરીને પાર્લમેન્ટમાં મોકલ્યા. આમ પત્રકારત્વમાંથી પક્ષપલટો કરતા કરતા પાર્લમેન્ટ સુધી પહોંચેલા લીલાધર વાઘેલા કોરોનાકાળમાં જ ૧૬મી સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ ગાંધીનગર ખાતે અવસાન પામ્યા.

પત્રકાર તરીકે સફળ હોય કે પ્રસિધ્ધ અખબારમાં કામ કરતા હોય પરંતુ રાજકારણમાં સફળતા ન મળે એમ પણ બને. એવું પહેલીવાર બન્યું જયવદન પટેલની બાબતમાં. ગુજરાત સમાચાર દૈનિકના પત્રકાર અને સમય જતા વાર્તાલેખક તરીકે જાણીતા થયા હતા. તેઓ બે વાર ચૂંટણીમાં પરાજિત થયા. બે ચૂંટણીની ઉમેદવારી વચ્ચેનો સમયગાળો વીસ વર્ષનો એ પણ નોંધવા જેવું છે. ૧૯૭૫માં પાંચમી વિધાનસભા ચૂંટણી અને ૧૯૯૫માં નવમી વિધાનસભા ચૂંટણીમાં એમ બન્ને વખતે તેઓ સાબરકાંઠા જિલ્લાની પ્રાંતિજ બેઠકથી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર લેખે પરાજિત થયા. તેઓ પોતે પ્રાંતિજ નજીકના વતની હતા. જયવદન મૂળજીભાઈ પટેલ પહેલી ઉમેદવારી સમયે 'ગુજરાત સમાચાર'દૈનિકના સાબરકાંઠા જિલ્લાના ખબરપત્રી હતા. બીજી ઉમેદવારી સમયે 'ગુજરાત સમાચાર'ના અમદાવાદ કાર્યાલયમાં તંત્રી વિભાગમાં કામ કરતા હતા અને ટૂંકી વાર્તાઓના લેખક તરીકે ઠીક ઠીક જાણીતા હતા. તેમની વાર્તાઓ પરથી દૂરદર્શન અમદાવાદ કેન્દ્ર પરથી ટીવી શ્રેણી પ્રસારિત થઈ હતી. જયવદન પટેલ અવસાન પામ્યા છે.

'ગુજરાત સમાચાર'ના પત્રકારને ચૂંટણી સફળતા ન મળી પરંતુ તેની સરખામણીએ ઓછું સકર્યુલેશન ધરાવતા અને રાજકોટ તેમજ અમદાવાદથી પ્રસિધ્ધ થતા દૈનિક 'જયહિન્દ'ના પત્રકાર – ચીફ રિપોર્ટર વિઠ્ઠલભાઈ પટેલ ૧૯૮૨માં રાજયસભાના સભ્ય થયા અને એ પણ વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની સીધી પસંદગીથી. તેમનું પુરું નામ વિઠ્ઠલભાઈ મોતીભાઈ પટેલ. પત્રકાર લેખે એટલા પ્રભાવશાળી હતા કે તેમના અહેવાલોની નોંધ વડાપ્રધાન કાર્યાલય અને ઇન્દિરા ગાંધી પોતે લેતા હતા. ગુજરાતનો પ્રવાસ ગોઠવાય એટલે વિઠ્ઠલભાઈ એમાં કયાંથી અને કેવી રીતે જોડાશે એ બાબતની દરકાર વડાપ્રધાન પોતે લેતા હતા. ૧૯૮૨માં તેઓ રાજયસભાના સભ્ય લેખે ચૂંટાઈ આવ્યા. છ વર્ષની મુદત દરમિયાન ૧૯૮૪માં ઇન્દિરા ગાંધીની હત્યા થઈ. ૧૯૮૮માં તેમની મુદત પુરી થવાની હતી તેના ઠીક સમય પહેલા તેઓ સારવાર માટે નવી દિલ્લીની ડો. રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ હતા. એ સમયે વડાપ્રધાન પદે રાજીવ ગાંધી હતા. હોસ્પિટલમાં મળવા આવ્યા અને વિઠ્ઠલભાઈ પટેલનું રાજયસભાનું બીજી મુદતનું ફોર્મ દિલ્લીની હોસ્પિટલમાં બેઠા ગુજરાતના વિધાનસભા સચિવાલયમાં તેમની ગેરહાજરીમાં કેવી રીતે દાખલ થઈ શકે એની કાયદાકીય કાળજી લીધી. આમ વિઠ્ઠલભાઈ પટેલ ૧૯૮૨ થી ૧૯૯૪ એમ બે મુદત માટે રાજયસભાના સભ્ય થયા. વિઠ્ઠલભાઈ પટેલ ૧૯૯૭માં અવસાન પામ્યા.

વિઠ્ઠલભાઈ પટેલને ૧૯૮૮માં નવી દિલ્લી બેઠા રાજયસભાનું સભ્યપદ બીજીવાર મળ્યું. પરંતુ મુંબઈથી ચૂંટણી લડવા સૌરાષ્ટ્ર-ગુજરાત આવેલા એક પત્રકારને એવો લાભ ન મળ્યો. ચૂંટણીમાં પરાજિત થયા. તેમનું નામ અશ્વિનભાઈ રવજીભાઈ ખાંટ. ૧૯૯૫માં યોજાયેલી નવમી વિધાનસભા ચૂંટણીમાં જામજોધપુર બેઠક પર તેઓ અપક્ષ ઉમેદવાર લેખે પરાજિત થયા. તેમના ચૂંટણી પ્રચાર માટે એ સમયે મુંબઈથી ગોવિંદ રાઘો ખૈરનાર આવ્યા હતા જેઓ મુંબઈના મ્યુનિસિપલ કમિશનર તરીકે નિવૃત્ત્। થયા હતા અને ભ્રષ્ટાચાર વિરૂધ્ધની તેમની લડાઈ માટે દેશભરમાં જાણીતા થયા હતા. અપક્ષ ઉમેદવાર લેખે માત્ર ૨૯૬ મત મેળવીને પરાજિત થનાર અશ્વિનભાઈ રવજીભાઈ ખાંટ એટલે સમય જતાં સ્વતંત્ર લેખક તરીકે જાણીતા થયેલા આશુ પટેલ. ઉમેદવારી સમયે આશુ પટેલ ગુજરાત સમાચાર દૈનિકની મુંબઈ આવૃત્ત્િ।માં ક્રાઇમ રિપોર્ટર હતા. આશુ પટેલ હાલમાં મુંબઈમાં સ્વતંત્ર લેખક તેમજ ફિલ્મ નિર્માણ ક્ષેત્રે કાર્યરત છે.

નવમી વિધાનસભા ચૂંટણી-૧૯૯૫માં આણંદ વિધાનસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર લેખે પરાજિત થનાર ચીમનભાઈ મણિભાઈ સાથી 'પટેલ'એ સમયે આણંદથી પ્રકાશિત થતા દૈનિક 'નયા પડકાર'ના પ્રકાશક-માલિક અને તંત્રી હતા. જો કે ચાર વર્ષ પછી તેમના પુત્ર દીપક ચીમનભાઈ પટેલ 'સાથી'તેરમી લોકસભા ૧૯૯૯-૨૦૦૪માં આણંદ લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પક્ષના સંસદસભ્ય લેખે ચૂંટાઈ આવ્યા.

ગુજરાત સમાચારના રિપોર્ટર આશુ પટેલને જેમ ચૂંટણીમાં નિષ્ફળતા મળી એમ જે તે સમયના તેમના ટોપ બોસ એવા શ્રેયાંસભાઈ શાંતિલાલ શાહનો પણ ચૂંટણીમાં પરાજય થયો. હોદ્દો ગુજરાત સમાચારના મેનેજિંગ તંત્રી અને પ્રકાશક-માલિકનો. ૧૯૯૬માં તેમણે શંકરસિંહ વાઘેલાના કહેવાથી અને તેમના વિશ્વાસે રાજયસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરી હતી. ગુજરાતના ૧૮૨ ધારાસભ્યોમાંથી એક કે બે આંગળીના વેઢે ગણી શકાય એટલા ધારાસભ્યોએ શ્રેયાંસભાઈ શાંતિલાલ શાહને મત આપ્યો હતો. આમ દેશના અન્ય તંત્રી – પત્રકારોની જેમ રાજયસભામાં બેસવાનું તેમનું સ્વપ્ન રોળાઈ ગયું હતું. શ્રેયાંસભાઈ શાહ ૨૦૨૧માં ગુજરાત સમાચાર દૈનિકના મેનેજિંગ તંત્રી તરીકે અમદાવાદમાં કાર્યરત છે.

અમદાવાદથી પ્રકાશિત થતા દૈનિકના તંત્રી–પ્રકાશક ૧૯૯૬માં રાજયસભા ચૂંટણીમાં પરાજિત થયા તેના ત્રણ વર્ષ પછી ૧૯૯૯માં આણંદથી પ્રકાશિત થતા દૈનિકના પ્રકાશક-માલિકને લોકસભામાં જવાની તક મળી. તેમનું નામ દીપકભાઈ ચીમનભાઈ પટેલ 'સાથી'. આણંદથી પ્રકાશિત થતા દૈનિક 'નયા પડકાર'ના પ્રકાશક-માલિક અને તંત્રી. દીપક પટેલ તેરમી લોકસભા ૧૯૯૯-૨૦૦૪માં આણંદ લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પક્ષના સંસદસભ્ય લેખે ચૂંટાઈ આવ્યા હતા. 'નયા પડકાર'દૈનિકની વડોદરા આવૃત્તિ શરૂ કરવા માટે ચરોતર નાગરિક સહકારી બેન્કમાંથી તેમણે પાંચ કરોડ રૂપિયાની લોન મેળવી હતી. આ લોન પરત કરવામાં નિષ્ફળ જતા દીપક પટેલને તેઓ સંસદસભ્ય હતા ત્યારે જ ધરપકડ કરી જેલમાં મોકલવામાં આવ્યા હતા. લોન ડિફોલ્ટર તેમજ બેંક સાથે કુલ સિત્તેર કરોડ રૂપિયા ઉપરાંતની ઉચાપત – છેતરપીંડી કરવાનો જેમની પર આરોપ હતો એવા દીપક પટેલ આમ છતાં પાંચ વર્ષ પછી યોજાયેલી પંદરમી લોકસભા ચૂંટણી-૨૦૦૯ના આણંદ લોકસભા બેઠકના ઉમેદવાર લેખે ભારતીય જનતા પક્ષમાંથી જ પસંદગી પામ્યા જેમાં તેઓ પરાજિત થયા.

અન્ય એક પત્રકાર – સર્જકને ગુજરાતના રાજકારણમાં સફળતા ન મળી. તેમનું નામ ઉમરજી અહમદ ઉધરાતદાર ઉર્ફે અઝીઝ ટંકારવી. પંદરમી લોકસભા ચૂંટણી-૨૦૦૯માં ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસ પક્ષના ઉમેદવાર લેખે તેઓ પરાજિત થયા. ઉમેદવારી સમયે અમદાવાદથી પ્રકાશિત થતા 'ગુજરાત ટુડે'દૈનિકના તંત્રી હતા અને ગઝલકાર તરીકે પણ ગુજરાતી સાહિત્ય જગતમાં જાણીતા હતા. કોંગ્રેસ પક્ષ તેમને ટિકિટ આપે એ માટે જે તે સમયે ગુજરાતમાંથી રાજયસભાના સભ્ય એવા અહમદભાઈ પટેલે અઝીઝ ટંકારવીના નામની ભલામણ કરી હતી. અઝીઝ ટંકારવી હાલમાં ભરૂચ નજીકના તેમના વતન ટંકારીઆ ગામ તેમજ અમદાવાદ એમ બન્ને જગ્યાએ વખતોવખત રહી ગઝલ સર્જન કરે છે.

પત્રકાર લેખે નહીં પરંતુ દૈનિક અખબારના તંત્રી-પ્રકાશક-માલિક લેખે ગુજરાતના રાજકારણમાં જેમને સફળતા મળી તેમનું નામ છે સી. આર. પાટીલ ઉર્ફે ચન્દ્રકાન્ત રઘુનાથ પાટીલ. વર્ષ ૨૦૦૯માં પંદરમી લોકસભામાં નવસારી લોકસભા બેઠક પર તેઓ ભારતીય જનતા પક્ષના ઉમેદવાર લેખે પહેલી વખત ચૂંટાઈ આવ્યા ત્યારે સુરતથી પ્રકાશિત થતા 'નવગુજરાત ટાઇમ્સ'દૈનિકના તંત્રી – પ્રકાશક હતા. સોળમી અને સત્ત્।રમી લોકસભામાં આ જ નવસારી લોકસભા બેઠકથી ચૂંટાઈ આવેલા સી. આર. પાટીલ આ સમયે જુલાઈ ૨૦૨૦થી ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષના પ્રમુખ છે. આવનારી પંદરમી ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપના એકસો બ્યાસી ઉમેદવારોના નામ સી. આર. પાટીલ નક્કી કરવાના છે. હા, એમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ટિકિટનો પણ સમાવેશ થઈ જાય છે.

પત્રકારોની સાથે સાથે એક તસવીરકારે પણ ગુજરાતની ચૂંટણીઓમાં ઉમેદવારી કરી હતી. હા, હા ચૂંટણીઓમાં. ત્રણ વાર ઉમેદવારી કરી અને ત્રણ વાર પરાજિત થયા. તેમનું નામ ભાટી એન. પુરું નામ નંગાજી સવજીભાઈ ભાટી. સૌરાષ્ટ્રના લોકજીવન અને ભાતીગળ લોકકલાને દર્શાવતી ફોટોગ્રાફીથી ખ્યાતનામ એવા ભાટી એન. આઠમી વિધાનસભા ચૂંટણી-૧૯૯૦માં વાંકાનેર વિધાનસભા બેઠક પર માત્ર ૧૧૭ મત મેળવીને અપક્ષ ઉમેદવાર લેખે પરાજિત થયા હતા. એ પછી દસમી લોકસભા ચૂંટણી-૧૯૯૧ અને અગિયારમી લોકસભા ચૂંટણી-૧૯૯૬માં સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર અપક્ષ ઉમેદવાર લેખે પરાજિત થયા. પરાજયના ત્રણ અનુભવ પછી તેઓ ભારતીય જનતા પક્ષમાં દાખલ થયા. વાંકાનેર નગરપાલિકાની ચૂંટણી લડ્યા અને સતત જીત મેળવતા ત્રણ મુદત માટે નગરપાલિકાના સભાસદ તેમજ સ્થાયી સમિતિના અધ્યક્ષ પણ થયા. સક્રિય રાજકારણમાંથી વિદાય લીધા બાદ ભાટી એન. પુનઃ ફોટોગ્રાફી તરફ વળ્યા. સોશિયલ મીડિયા સાઇટ 'ફેસબુક'પર સક્રિય રહેતા હતા. ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સીધા ભાટી એન. ના પરિચયમાં અને તેમના ફોટોગ્રાફીના કામથી પરિચિત હતા.

ચૌદમી વિધાનસભા-૨૦૧૭માં વડગામ અનુસૂચિત જાતિ અનામત બેઠક પર અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાઈ આવેલા જિગ્નેશ નટવરલાલ મેવાણી બેઠક પર કોંગ્રેસ પક્ષની ગેરહાજરીને કારણે વિજેતા થઈ શકયા હતા. ધારાસભ્ય થયા એ સમયે ગુજરાત હાઈકોર્ટમાં વકીલાત કરતા હતા. વકીલાતની શરૂઆત કરી એના ઘણા સમય પહેલા તેઓએ અમદાવાદથી પ્રકાશિત થતા ગુજરાતી સાપ્તાહિક 'આરપાર'માં માત્ર એક મહિના માટે અવેતન કામગીરી કરી હતી. એ તેમની પ્રથમ નોકરી હતી એટલે 'આરપાર'સાપ્તાહિકમાં તેઓ ઇન્ટર્નશીપ માટે જોડાયા હતા એમ પણ કહી શકાય. આ ધોરણના આધારે જે-તે સમયે સાપ્તાહિકના તંત્રી-પ્રકાશક મનોજ ભીમાણીએ તેમને એક મહિનાનો પગાર ન આપવો એવું મન બનાવ્યું હતું. એ પછી કારકિર્દી માટે જિગ્નેશ મેવાણીએ મુંબઈની વાટ પકડી. મુંબઈમાં સૌ પ્રથમ 'અભિયાન'સાપ્તાહિકમાં જોડાયા. 'અભિયાન'સાપ્તાહિક એ સમયે મુંબઈથી પ્રકાશિત થતું હતું પરંતુ તેની માલિકી અમદાવાદના સમભાવ મીડિયા લિમિટેડ જૂથ પાસે હતી. પત્રકાર – નવલકથાકાર ભૂપત વડોદરિયા જે તે સમયે તેના સંચાલક – ચેરમેન હતા. મુંબઈમાં 'અભિયાન'સાપ્તાહિકની કામગીરી છોડ્યા પછી તેઓ ગુજરાતી સાંધ્ય દૈનિક 'મિડ ડે'સાથે જોડાયા હતા. છેલ્લે ટાઇમ્સ ઓફ ઇન્ડિયા જૂથના અંગ્રેજી મોર્નિંગ ટેબ્લોઇડ 'મુંબઈ મિરર'માં કામ કર્યા પછી પત્રકારત્વ અને મુંબઈ બન્ને છોડ્યા. અમદાવાદ પરત આવી અધૂરો અભ્યાસ આગળ વધાર્યો. એલ. એલ. બી. નો અભ્યાસ કરી લો ગ્રેજયુએટ થયા. સામાજિક ચળવળકાર અને એડવોકેટ મુકુલ સિંહા સાથે જાહેર મુદ્દાઓની લડાઈમાં જોડાયા. એડવોકેટ લેખે સ્વતંત્ર પ્રેકિટસ શરૂ કરી. જુલાઈ ૨૦૧૬માં સૌરાષ્ટ્રના ઉનામાં દલિત યુવકો સાથે થયેલી મારપીટનો મુદ્દો રાજય અને રાષ્ટ્રીય સ્તરે ગજવવામાં તેમજ એ માટેની ન્યાયી લડતને બળ પુરું પાડવામાં જિગ્નેશ મેવાણીએ મહત્ત્વની ભૂમિકા ભજવી. એ પછી ડિસેમ્બર ૨૦૧૭માં યોજાયેલી ચૌદમી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારી કરીને તેઓ ધારાસભ્ય થયા. સત્ત્।રમી લોકસભા ચૂંટણી – એપ્રિલ-મે ૨૦૧૯ સમયે કેટલીક લોકસભા બેઠકો માટે તેઓ રાષ્ટ્રીય સ્તરે પ્રચારમાં જોડાયા હતા. એ પહેલા વર્ષ ૨૦૧૮માં જિગ્નેશ મેવાણી નવા જમાનાના યુવા દલિત નેતૃત્વ લેખે બહોળી સ્વીકૃતિ ગુજરાતમાં અને ગુજરાત બહાર મેળવી ચૂકયા હતા.

ભારતીય જનતા પક્ષના પ્રતિનિધિ લેખે ગુજરાતમાંથી રાજયસભાના સંસદસભ્ય થયેલા અભય ગણપતરાય ભારદ્વાજ વ્યવસાયે રાજકોટમાં વકીલાત કરતા હતા. વકીલાતનો અભ્યાસ કરતા હતા એ સમયે યુવાન વયે ૧૯૭૫ થી ૧૯૮૦ દરમિયાન 'જનસત્તા' દૈનિકની રાજકોટ આવૃત્ત્િ।માં પત્રકાર હતા, ડેસ્કની કામગીરી સંભાળતા હતા. રાજયસભાની મુદત દરમિયાન અવસાન થવાને કારણે અભય ભારદ્વાજ કુદરતી ક્રમમાં રાજયસભામાં ગુજરાતમાંથી સૌથી ટુંકી મુદત – માત્ર પાંચ મહિના માટે સંસદસભ્ય પદે રહ્યા.

ગુજરાતને માત્ર પત્રકાર – લેખક ધારાસભ્યો કે ઉમેદવારો મળ્યા છે એવું નથી. તેના ત્રણ ધારાસભ્યો સક્રિય રાજકારણમાંથી નિવૃત્ત્। થયા પછી અખબારી લેખન તરફ વળ્યા હતા. જો કે આ તેમની વ્યવસાયી કામગીરી નહોતી પણ પોતાની જાહેર નિસબતના કારણે તેઓ લેખન તરફ વળ્યા હતા એ ઉલ્લેખવું રહ્યું. એ ત્રણ નામ છે અંબાલાલ ઉપાધ્યાય, સનત મહેતા અને જય નારાયણ વ્યાસ. ચોથા ધારાસભ્ય બટુક હરગોવિંદદાસ વોરા ચોથી વિધાનસભામાં પાલીતાણા બેઠકના કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાના ધારાસભ્ય હતા. ગુજરાતના રાજકીય ઈતિહાસમાં ભારતીય સામ્યવાદી પક્ષના એકમાત્ર ધારાસભ્ય લેખે બટુકભાઈ વોરાની ગણના થાય છે. સક્રિય રાજકારણને અલવિદા કર્યા પછી બટુકભાઈ વોરાએ પત્રકારત્વ – લેખનની કારકિર્દી વ્યવસાયિક ધોરણે અપનાવી હતી એ ઉપરના ત્રણ નામોના અપવાદ સાથે નોંધવું રહ્યું. બટુકભાઈ વોરાએ નવી દિલ્લી, મુંબઈ અને અમદાવાદ ઉપરાંત અમેરિકામાં રહીને પણ પત્રકારત્વ કર્યું હતું.

અંબાલાલ જયશંકરભાઈ ઉપાધ્યાય બે મુદત માટે મોડાસા બેઠકના ધારાસભ્ય હતા. પહેલી મુદતમાં કોંગ્રેસના અને બીજી મુદતમાં અપક્ષ ધારાસભ્ય. સક્રિય રાજકારણમાંથી નિવૃત્ત્। થયા પછી વિચારપત્ર પાક્ષિક 'નિરીક્ષક'માં જાહેર બાબતો વિશે નિયમિત લેખો લખતા હતા. સનતભાઈ મગનલાલ મહેતા ચાર મુદત માટે વડોદરા શહેર અને જિલ્લાની બેઠકો પર અલગ અલગ પક્ષના ધારાસભ્ય રહ્યા – પ્રજા સોશિયાલિસ્ટ પાર્ટી અને કોંગ્રેસ આઈ પક્ષમાંથી ધારાસભ્ય તેમજ ગુજરાતના નાણા મંત્રી પણ રહ્યા હતા. અગિયારમી લોકસભા ૧૯૯૬ – ૧૯૯૭ના સુરેન્દ્રનગર લોકસભા બેઠકના કોંગ્રેસ પક્ષના સંસદસભ્ય તરીકે પણ ચૂંટાઈ આવ્યા હતા. સક્રિય રાજકારણથી દૂર થયા પછી અમદાવાદથી પ્રકાશિત થતા દૈનિક 'દિવ્ય ભાસ્કર'માં નિયમિત કોલમ લખી અભ્યાસપૂર્ણ લેખો તેઓએ આપ્યા. એ લેખોના પુસ્તકો પણ પ્રકાશિત થયા. ચાર મુદત માટે સિધ્ધપુર બેઠકના ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય તેમજ સરકારમાં આરોગ્ય મંત્રી રહેલા જય નારાયણ નર્મદાશંકર વ્યાસે સક્રિય રાજકારણમાંથી નિવૃત્ત્િ। બાદ અભ્યાસપૂર્ણ લેખો લખ્યા. સોશિયલ મીડિયામાં સક્રિય રહેતા હતા. વર્ષ ૨૦૧૯થી ગુજરાત સમાચાર દૈનિકની માલિકીની ન્યૂઝ ચેનલ 'જીએસટીવી'પર રાત્રિના નવ કલાકે આવતા પ્રાઇમટાઇમ ન્યૂઝ પ્રોગ્રામનું એન્કરિંગ કરે છે. ટેકનોક્રેટ, અભ્યાસી વ્યકિત અને પૂર્વ ધારાસભ્ય-મંત્રી લેખે ટીવી ન્યૂઝ ચેનલ પર નિયમિતપણે એન્કરિંગ કરવું એ તેમના મોભાને અનુરૂપ કામ નહોતું એ પણ આ સાથે ઉલ્લેખવું રહ્યું.

આ ક્રમમાં જેમના માટે ચૂંટણી ઉમેદવારી કરવાનો અવસર હવે આવશે એવા ઈસુદાન ગઢવી જો ચૂંટણીના રાજકારણમાં સફળ થશે તો સમભાવ મીડિયા લિમિટેડ કંપનીએ ગુજરાતને એક નહીં બે ધારાસભ્યો આપ્યા એમ કહેવાશે. ઇલેકટ્રોનિક મીડિયાના પંદર વર્ષના અનુભવી પત્રકાર ઈસુદાન ગઢવી વર્ષ ૨૦૦૫થી ગુજરાતી પત્રકારત્વમાં સક્રિય છે. દૂરદર્શન તેમજ ઇટીવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં કામ કરવાનો અનુભવ ધરાવે છે. સમભાવ મીડિયા લિમિટેડ જૂથની માલિકીની વીટીવી ન્યૂઝ ચેનલમાં પ્રોગ્રામ હેડ લેખે 'મહામંથન'નામે ટીવી ડિબેટ શો નું સંચાલન કરતા અને એ કાર્યક્રમથી દર્શકોમાં ખૂબ લોકપ્રિયતા મેળવી હતી. સક્રિય પત્રકારત્વમાંથી ૩૧ મે ૨૦૨૧ના રોજ રાજીનામું આપ્યું અને પખવાડિયા પછી સોમવાર ૧૪ જૂન ૨૦૨૧ના રોજ 'આમ આદમી પાર્ટી'માં જોડાયા. ઈસુદાન ગઢવીને પક્ષમાં આવકારવા માટે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પક્ષના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા અમદાવાદમાં હાજર રહ્યા હતા.

ગુજરાત વિધાનસભાને ધારાસભ્ય રૂપે ત્રણ ગુજરાતી લેખકો આજ સુધી મળ્યા છે – રમણલાલ પીતાંબરદાસ સોની, જયંતિલાલ ઘેલાભાઈ દલાલ અને મનુભાઈ રાજારામ પંચોળી ઉર્ફે દર્શક. રમણલાલ સોની મુંબઈ રાજયની પ્રથમ વિધાનસભામાં મોડાસા મેઘરજ બેઠકના કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય હતા. જયંતિ દલાલ મુંબઈ રાજયની બીજી વિધાનસભામાં અમદાવાદ શહેરની કાલુપુર બેઠકના અપક્ષ ધારાસભ્ય હતા. મનુભાઈ પંચોળી 'દર્શક'ત્રીજી વિધાનસભામાં ભાવનગર જિલ્લાની શિહોર બેઠકના કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય હતા. મનુભાઈ પંચોળી મુખ્યમંત્રી હિતેન્દ્રભાઈ દેસાઈની સરકારમાં માત્ર બે મહિના જેવા ટુંકા સમય માટે શિક્ષણ મંત્રી થયા હતા. રમણલાલ સોની સપ્ટેમ્બર ૨૦૦૬માં, જયંતિ દલાલ ઓગસ્ટ ૧૯૭૦માં અને મનુભાઈ પંચોળી ઓગસ્ટ ૨૦૦૧માં અવસાન પામ્યા.

ગુજરાતના પત્રકાર જગતને અને મતદાર નાગરિકોને માલુમ થાય કે હવે પછી તમારે ટુંકા સમયગાળાનો મંત્રી નહીં પણ લાંબા સમયગાળાનો મુખ્યમંત્રી ચુંટવાનો છે. ઈસુદાન ગઢવીની ફુલ ફિલ્મનું પહેલું કર્ટેન રેઇઝર આ રીતે રજૂઆત પામ્યું છે.(૨૧.

કલમથી રાજનીતિની સફર

સફળતા - નિષ્ફળતાનો સંગાથ

કક્કો – બારાખડીની રીતે જોઈએ તો દિલ્લીમાં 'આ'અને ગુજરાતમાં 'ઈ'થી શરૂ થયેલી આ પત્રકાર-રાજકારણની યાદીમાં બીજા કેટલા મૂળાક્ષરો – જોડાક્ષરો જોડાશે તે સમય વીતે ખબર પડશે. હાલના તબક્કે આપણે એ જાણીએ કે ભૂતકાળમાં ગુજરાતના રાજકારણને પત્રકારત્વના ક્ષેત્રમાંથી કોની કોની સેવાઓ પ્રાપ્ત થઈ છે, કોની કેવીક સામેલગીરી રહી છે. રાજકારણમાં સામેલ થયેલા સૌને સફળતા નથી મળી પરંતુ અહીં તેમની નોંધ લેવી જરૂરી છે.

આલેખન

બિનીત મોદી

૩-રામવન એપાર્ટમેન્ટ, નિર્માણ હાઈસ્કૂલ પાસે, દિલીપ ધોળકિયા માર્ગ, ૬૭ નેહરૂ પાર્ક, વસ્ત્રાપુર, અમદાવાદ – ૩૮૦ ૦૧૫

મો. ૯૮૨૪૬ ૫૬૯૭૯

E-mail:initmodi@gmail.com

BLOG:www.binitmodi.blogspot.in

(4:47 pm IST)