Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

બનાસકાંઠાના ડરામણા દ્રશ્યો : ૨૫ ગામને જોડતો કોઝ-વે ધડામ કરતા તૂટી ગયો

બનાસકાંઠા તા. ૨૧ : બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદ હેત વરસાવી રહ્યો છે. આજે પાલનપુર શહેરમાં ત્રણ જ કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ પડતા પાણી પાણી થઈ ગયું છે. શહેરની અનેક સોસાયટીઓમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. બીજી તરફ ભારે વરસાદને પગલે પાલનપુરના વેડચાથી હોડા જતા રસ્તા પર આવતો કોઝ વે તૂટી ગયો છે. આ કોઝવે ત્રણ વર્ષ પહેલા બનાવવામાં આવ્યો હોવાની માહિતી મળી છે. આ કોઝવે આશરે ૨૫ જેટલા ગામોને જોડે છે. કોઝ વે તૂટી ગયો હોય તેના લાઇવ દ્રશ્યો સામે આવ્યા છે. ઘટનાને પગલે લોકોને ટોળે ટોળા ઉમટી પડ્યાં હતાં.

મળતી માહિતી પ્રમાણે પાલનપુરના વેડચાથી હોડા જતા રોડ પરનો કોઝ વે તૂટી ગયો છે. આ કોઝવે લડબી નદી પર આવેલો છે. સોશિયલ મીડિયામાં કોઝ વે તૂટી ગયો હોય તેનો વીડિયો વાયરલ થયો છે. બનાવને પગલે ઘટનાસ્થળે લોકોનાં ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. કોઝ વે તૂટી જવાના જે દ્રશ્યો સામે આવ્યા છે તે ખરેખર ડરાવનારા છે.

ભારે વરસાદને કારણે માટી પોચી બની જતી હોય છે. જેના પગલે ચોમાસામાં ડામરના રસ્તાઓ ધોવાઈ જતા હોય છે. જે વીડિયો સામે આવ્યો છે તેમાં જોઈ શકાય છે કે કોઝ વેનો અમુક ભાગ ધડામ કરતા પાણીમાં પડે છે. આસપાસ અનેક લોકો પણ ઊભેલા હોય છે. કોઝ વે તૂટી ગયાના સમાચાર જાણીને આસપાસના લોકો દોડી આવ્યા હતા. લોકો જીવના જોખમે તૂટી ગયેલા કોઝ વેની આસપાસ ઊભા રહી ગયા હતા. કોઝ વેનો અમુક હિસ્સો પાણીમાં પડે છે ત્યારે પણ લોકો ખૂબ નજીક ઊભા હોય છે. કોઝ વે તૂટી ગયાની જાણકારી સ્થાનિક તંત્રને પણ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત સરપંચ અને તલાટી સહિતના લોકોએ રસ્તો બંધ કરાવી લોકોને નજીક ન જવાની સલાહ આપી હતી. રસ્તો તૂટી જતા હવા લોકોએ આઠથી ૧૦ કિલોમીટર ફરીને જવું પડશે.

(3:25 pm IST)