Gujarati News

Gujarati News

News of Saturday, 20th May 2023

અમદાવાદમાં રથયાત્રામાં પ્રથમ વખત થ્રીડી મેપિંગ અને વર્ચ્યુઅલ રિયાલિટી પ્રોજેક્ટનો ઉપયોગ કરાશે

પોલીસ પળેપળની માહિતી કંટ્રોલરૂમમાં બેઠા બેઠા એક ક્લિકથી મેળવશે:આગામી 20 જૂને અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નીકળશે

અમદાવાદઃ ભગવાન જગન્નાથની રથયાત્રામાં પ્રથમ વખત આ વર્ષે થ્રીડી મેપિંગ અને વર્ચ્યુઅલ રિયાલિટી પ્રોજેક્ટનો ઉપયોગ કરીને પોલીસ પળેપળની માહિતી કંટ્રોલરૂમમાં બેઠા બેઠા એક ક્લિકથી મેળવશે. આગામી 20 જૂને અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નીકળનાર છે. રથયાત્રા દરમિયાન રથ ક્યાં પહોંચ્યો? કઈ જગ્યાએ શું મુશ્કેલી સર્જાઇ એ તમામ વિગતો જાણવા માટે આ વખતે પોલીસને કોઈ તકલીફોનો સામનો નહીં કરવો પડે.

   રથયાત્રા દરમિયાન પોલીસ સાથે એક ટેકનોલોજી કામ કરતી હશે. જેને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને વર્ચ્યુઅલ રિયાલિટી તરીકે ઓળખવામાં આવે છે. અમદાવાદની અનંત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માથા પર લાઈવ સ્ટ્રિમિંગ કેમેરા સાથે રથયાત્રા રોડ પર હશે અને તેઓ ફીડ કેપ્ચર કરશે. આ તમામ ફીડ લાઈવ ટેલિકાસ્ટ પોલીસ કંટ્રોલ રૂમમાં થશે અને કોઈ પણ છેડેથી સોફ્ટવેર મારફતે પોલીસ ક્યા ખૂણે શું કામ કરી રહી છે તે જાણી શકાશે.

    રથયાત્રા દરમિયાન ભજન મંડળીઓ શણગારેલા ટ્રક, અખાડાઓની સુરક્ષા અને ટ્રાફિક નિયમનની સૌથી મહત્વની જવાબદારી હોય છે. દર વખતે અનુભવના આધારે પોલીસ પોતાની કામગીરીમાં કંઈકને કંઈક ઉમેરો કરતી હોય છે. આ વખતે પોલીસના અનુભવની સાથે ટેકનોલોજી પણ તેમની મદદ કરશે. 30 દિવસના ડ્રોન શુટિંગની સાથે અનંત યુનિવર્સિટી અને અમદાવાદ સાયબર ક્રાઈમે ખાસ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. આ પ્રોજેક્ટથી રથયાત્રાના ખૂણે ખૂણાનું થ્રીડી મેપિંગ થયું છે.

 

(12:45 am IST)