Gujarati News

Gujarati News

News of Thursday, 21st May 2020

વિડિયો કોલિંગથી ૩૬૦ કેદીએ કુટુંબીજનોની સાથે સંવાદ કર્યો

વડોદરા સેન્ટ્રલ જેલની માનવતા સફળ કામગીરી : કેદીઓને કોરોનાથી બચાવવાના રૂપે સમયાંતરે સ્વજનો સાથે રૂબરૂ મુલાકાતની વ્યવસ્થા બંધ કરી દેવામાં આવી

અમદાવાદ,તા.૨૦ : ગુજરાતનું જેલ પ્રશાસન કેદી કલ્યાણના માનવતાભર્યા અભિગમ અને કેદી સુધારણાનું ધામ બનાવવા માટે જાણીતું છે. વડોદરા સેન્ટ્રલ જેલમાં કેદી ભાઈઓના શિક્ષણ, વાંચનાલય, ઉદ્યોગોના માધ્યમથી ઉત્પાદકીય પ્રવૃત્તિઓ, યોગ અને ધ્યાન દ્વારા આરોગ્ય રક્ષા જેવી અનેકવિધ કેદી કલ્યાણની પ્રવૃત્તિઓ ખૂબ લાંબાગાળાથી ચાલી રહી છે અને સુધાર ગૃહ તરીકે નામના મેળવી છે. વર્તમાન કોરોના સંકટમાં વડોદરા સેન્ટ્રલ જેલની વધુ એક માનવતાસભર કામગીરી પ્રકાશમાં આવી છે જેને લીધે લોક ડાઉન હોવા છતાં આ જેલના કેદી ભાઈઓ તેમના કુટુંબીજનોના સંપર્કમાં રહી શક્યા છે. તેને કારણે બંને બાજુઓ અમારા સ્વજન સલામત હોવાની ધરપત બંધાઈ છે.

            આ અંગે જાણકારી આપતાં જેલ અધિક્ષક બળદેવસિંહ વાઘેલાએ જણાવ્યું કે માર્ચમાં લોક ડાઉન જાહેર થતાં અવર-જવર અને વાહન વ્યવહાર બંધ થઈ ગયાં. કેદીઓને કોરોનાના સંક્રમણથી બચાવવાની તકેદારી રૂપે સમયાંતરે સ્વજનો સાથે રૂરૂ મુલાકાતની વ્યવસ્થા પણ બંધ કરી દેવામાં આવી. તેના પગલે લોકડાઉનના લાંબા ગાળા માટે કેદી બંધુઓ અને એમના કુટુંબીજનો લાંબા સમય સુધી સંપર્ક વિહોણા થઇ જાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું. જેલમાં કેદીઓ અને બહાર એમના સ્વજનો, એકબીજાના ક્ષેમકુશળ અંગે ચિંતિત રહે એવી સ્થિતિને ટાળવા વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે બ્રોડબેન્ડ આધારિત વિડિયો કોલની સુવિધાની મદદ લેવામાં આવી અને લોકડાઉનમાં આ ટેકનોલોજી કેદીઓ પરિવારજનો સાથેના સંપર્ક અને સંવાદમાં મદદગાર બન્યા. આ અંગે વધુ વિગતો આપતાં જેલ અધિક્ષકે જણાવ્યું કે માર્ચ મહિનામાં ૧૧૫ અને એપ્રિલ મહિનામાં ૨૪૫ કેદીઓએ વિડિયો સંવાદની સુવિધા ઉપરાંત તેમના પરિવારજનો સાથે ટેલીફોનીક વાતચીત કરીને કોરોના ના કપરા સમયમાં એકબીજાના ખબર અંતર જાણી રાજીપો અને રાહત મેળવ્યા હતા.

(9:41 pm IST)