Gujarati News

Gujarati News

News of Tuesday, 21st April 2020

ફક્ત એક ટ્વિટ..સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈએ એ યુવાનનો મૃતદેહ ગુજરાતનાં સાણંદથી તેનાં વતન આસામ પહોંચાડવા વ્યવસ્થા કરી આપી!

આસામનાં મંત્રી હેમંત બિસ્વાએ મૂળ આસામનાં અને સાણંદ રહેતા રાહુલ બર્મનનો મૃતદેહ તેના વતન પહોંચાડવા રૂપાણીને અપીલ કરી હતી :સમગ્ર આસામની પ્રજા વતી આભાર માન્યો

 

અમદાવાદ :ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમના સંવેદનશીલ અને માનવીય અભિગમ માટે જાણીતા છે. આજે એમનાં વિશિષ્ટ પાસાંનો વધુ એક પુરાવો મળ્યો છે. મૂળ આસામનાં અને ગુજરાતનાં સાણંદમાં ટીટેક નામની કંપનીમાં નોકરી કરતા રાહુલ બર્મન નામનાં યુવાનનું આજે અવસાન થયું હતું. પણ, લૉકડાઉન વચ્ચે યુવાનનો મૃતદેહ કોઈ સંજોગોમાં આસામ પહોંચે તેમ હતો. આવી સ્થિતિમાં આસામના તેના પરિવારજનોએ આસામનાં મંત્રી અને પૂર્વોત્તર ભારતનાં દિગ્ગજ નેતા હેમંત બીસ્વાનો સંપર્ક સાધ્યો હતો.

 બીસ્વાજીએ અંગે મુખ્યમંત્રી રૂપાણીને ટેગ કરી ને એક ટ્વિટ કરી હતી, જેનાં પ્રત્યુતરરૂપે સીએમ રૂપાણીએ તત્કાળ એક્શન લઈ ને મૃતક યુવાનનો પાર્થિવ દેહ આસામ મોકલવાની વ્યવસ્થા કરી આપી હતી. લખાય છે ત્યારે યુવાનનાં પાર્થિવ શરીરને આસામનાં માર્ગે મોકલી પણ અપાયું છે!
 
મુખ્યમંત્રી  રૂપાણીનાં તત્કાળ મળેલા સહકારથી આસામનાં મુખ્યમંત્રી સરબાનંદ સોનોવાલ પણ ખાસ્સા પ્રભાવિત થયા છે. તેમણે ટ્વિટર પર ગુજરાતના મુખ્યમંત્રીનો ખાસ આભાર માન્યો હતો અને લખ્યું હતું કે, મૃતક યુવાનના મૃતદેહને આસામ મોકલવાની વ્યવસ્થા કરવા બદલ હું સીએમ રૂપાણીનો ઋણી છું! હેમંત બીસ્વાએ પણ ટ્વિટર પર સમગ્ર આસામની પ્રજા વતી વિજયભાઈનો ઋણસ્વીકાર કર્યો હતો અને આભાર માન્યો હતો. આમ આવી વિકટ સ્થિતિ અને સખત લૉકડાઉન વચ્ચે પણ સીએમ રૂપાણીએ માનવતાનો દીપ પ્રજ્વલિત રાખ્યો છે.

(11:06 pm IST)