Gujarati News

Gujarati News

News of Tuesday, 21st April 2020

ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ કઠોર પગલાઓ લેવાશે : રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા

હજુ સુધી ૪૪ કર્મીઓને ચેપ લાગ્યો છે : રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા : અમદાવાદમાં કર્ફ્યુ ભંગના વધુ ૧૩૫ ગુના દાખલ કરીને ૧૬૩ની ધરપકડ થઈ : સીસીટીવીથી ૧૨૯ ગુના નોંધાયા

અમદાવાદ, તા. ૨૧  : કોવિદ-૧૯ સામેની લડતમાં સોશ્યલ ડિસ્ટન્સીંગ અને માસ્કના ઉપયોગની સાથે-સાથે લોકો સ્વયં જવાબદાર બને અને બીજાને પણ જવાબદાર બનાવે તે બાબત ઉપર ભાર મુકતા રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ કહ્યું હતું કે, કર્ફયુગ્રસ્ત ત્રણ શહેરો - અમદાવાદ, સુરત અને રાજકોટના કેટલાક વિસ્તારો કે જ્યાં હજુપણ કર્ફ્યુંમુક્તિ વખતે લોકો સોશ્યલ ડિસ્ટન્સીંગ નું પાલન ન કરી, બેજવાદારીથી વર્તતા હોવાનું જોવામાં આવ્યું છે. આ પરિસ્થિતિમાં આ ત્રણેય શહેરોના કરફ્યુગ્રસ્ત વિસ્તારમાં કર્ફ્યુ સમયગાળો વધારીને ૨૪ એપ્રિલ, ૨૦૨૦ સવારે ૬.૦૦ વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે. ઝાએ જણાવ્યું હતું કે, કરફ્યુગ્રસ્ત વિસ્તારોના લોકો સામેથી જ નિયમોનું પાલન કરીને સોશ્યલ ડિસ્ટન્સીંગ જાળવે; જેથી પોલીસને તેમની સામે કોઈ કાર્યવાહી કરવાની કે દરમિયાનગીરી કરવાની જરૂર જ ઉત્પન્ન ન થાય. જે સ્થળોએ આંશિક છૂટછાટ આપવામાં આવી છે,

         તેવા સ્થળોએ ઘણુંખરું લોકો શરતોનું પાલન કરી રહ્યા છે અને કૃષિ કે અન્ય વ્યવસાયિક પ્રવૃત્તિઓ ઉચિત ઢબે થઇ રહી હોવાનો ઝાએ સંતોષ વ્યક્ત કર્યો હતો. ખાસ કરીને એગ્રિકલચર પ્રોડ્યૂસ માર્કેટ કમિટી (એપીએમસી) જેવા સ્થળોએ ક્યાંક-ક્યાંક જાહેર સ્થળોએ જરૂરી તકેદારી જ લેવાતી હોવાનું પોલીસના ધ્યાન ઉપર આવ્યું હોવાનું જણાવતાં ઝાએ ઉમેર્યું હતું કે, આ સ્થળોએ પણ સોશ્યલ ડિસ્ટન્સીંગ અને માસ્કનો  ઉપયોગ જરૂરી છે. અહીં વ્યવસ્થાના જરૂરી અમલીકરણ માટે પોલીસ કાર્યરત છે. પોલીસ કંટ્રોલ અને ૧૦૦ નંબર ઉપર અમને પ્રાપ્ત થયેલી આશરે ૧૦૦ ફરિયાદના આધારે અમે ૬૫ લોકો સામે ગુના નોંધીને કાર્યવાહી પણ કરી છે. પોલીસ અને આરોગ્ય કર્મચારીઓ ઉપર કોઈપણ પ્રકારના હુમલા સાંખી લેવાશે નહિ  અને આ અંગે સખત વલણ અખત્યાર કરતા રાજ્યના પોલીસ વડા શ્રી શિવાનંદ ઝાએ અત્યંત સ્પષ્ટતા સાથે જણાવ્યું હતું કે, પોલીસ અને આરોગ્ય કર્મચારીઓ સામેના હુમલા વિરુદ્ધ ''ઝીરો ટોલરન્સ''ની નીતિ આપનાવીને કડક કાર્યવાહી કરવામાં આવશે.

        ઝાએ ઉમેર્યું હતું કે, નસવાડી તાલુકામાં પોલીસ ઉપર તા.૧૬ એપ્રિલ, ૨૦૨૦ના રોજ હુમલો કરનારા ચાર આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેમની ઉપર ''પાસા'' લાગુ કરીને ચારેયને અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાની અલગ-અલગ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. આ ઉદાહરણરૂપ કાર્યવાહી કોઈની પણ ઉપર થઇ શકે છે. રાજ્યમાં કોવિડ્ગ્રસ્ત પોલીસ કર્મચારીઓ વિષે જણાવતા શ્રી ઝાએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ૪૪ પોલીસ કર્મચારીઓ આ ચેપનો ભોગ બન્યા છે, જે પૈકીના મોટા ભાગના એસિમ્પ્ટોમેટિક  છે. વળી, તેમને યોગ્ય સારવાર મળી રહે તે માટે ઉચ્ચ અધિકારીઓ સતત કાર્યરત છે. અમદાવાદ, સુરત અને રાજકોટમાં કર્ફ્યુંભંગના ગઈકાલથી આજદિન સુધીમાં અનુક્રમે ૧૩૫, ૧૧૪ અને ૬૨ ગુનાઓ નોંધીને ક્રમવાર ૧૬૩, ૧૩૧ અને ૭૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે. રહેણાંક વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં સીસીટીવી  મારફત ૧૨૯ ગુનાઓ નોંધીને ૨૩૧ લોકોની અટકાયત કરવામાં આવી હતી.

        ઝાએ ઉમેર્યું કે, વિવિધ માધ્યમો દ્વારા જે ગુનાઓ ગત રોજથી દાખલ થયા છે; તેમાં ડ્રોનના સર્વેલન્સથી ૨૩૪ ગુનાઓ નોંધાયા છે. આ સર્વેલન્સથી આજદિન સુધીમાં ૭૯૪૫  ગુના દાખલ કરીને ૧૫,૧૯૭ લોકોની અટકાયત કરાઈ છે. જ્યારે સ્માર્ટ સિટી અને વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ સીસીટીવી  નેટવર્ક દ્વારા ૬૭ ગુના નોંધીને ૬૭ લોકોની અટકાયત કરતાં આજ સુધીમાં ૧૩૩૫ ગુના નોંધી ૨૧૯૮ લોકોની રાજ્યભરમાંથી અટકાયત કરાઈ છે. આ જ રીતે, સોશ્યલ મીડિયાના માધ્યમ દ્વારા પણ ખોટા મેસેજ અને અફવાઓ ફેલાવા સંદર્ભે અત્યાર સુધીમાં ૩૮૬  ગુના દાખલ કરીને ૭૪૫ આરોપીની અટકાયત  કરી છે. આ દરમિયાન સોશ્યલ મીડિયાના ૨૦ એકાઉન્ટ ગત રોજ બ્લોક કરવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં ટ્વીટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામના માધ્યમથી અફવા અને ખોટી માહિતી પ્રસરાવતા ૩૨૩ એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવ્યા છે.

          વિડીયોગ્રાફી તથા ઓટોમેટિક નંબર પ્લેટ રેકૉગ્નિશન (એએનપીઆર) મારફત અનુક્રમે ૫૫ અને ૯૧ ગુનાઓ નોંધવામાં આવ્યા છે. એએનપીઆર દ્વારા આજદિન સુધીમાં ૨૭૪ ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે કેમેરા માઉન્ટ ખાસ 'પ્રહરી' વાહન મારફત અત્યાર સુધીમાં ૧૮૩ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. જો જાહેરનામા ભંગના ગુનાની સંખ્યા જોઈએ તો, તા.૨૦/૦૪/૨૦૨૦ થી આજ સુધીના કુલ ૧૭૬૦ કિસ્સાઓ,  કવોરેન્ટિન કરેલ વ્યકિતઓ ધ્વારા કાયદા ભંગના ગુનાની સંખ્યા (આઈપીસી ૨૬૯, ૨૭૦, ૨૭૧) ૭૦૫  તથા ૩૭૩ અન્ય ગુનાઓ (રાયોટીંગ/ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ) અંતર્ગત કુલ ૩૪૪૯ આરોપીઓની અટકાયત કરાઈ છે.

(10:11 pm IST)