Gujarati News

Gujarati News

News of Tuesday, 21st April 2020

ગુજરાત સરકાર ૨૭મીથી ટેકાનાં ભાવે ઘઉંની ખરીદી શરૂ કરશે: શ્રમિકો અને ખેડૂતો તથા ગરીબવર્ગ માટે શ્રેણીબદ્ધ જાહેરાતો

સુજલામ સુફલામ યોજના દ્વારા શ્રમિકોને રોજગારી મળશે : ખેડૂતોને વિનામૂલ્યે માટી આપવામાં આવશે

અમદાવાદ : ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સરકાર દ્વારા ૨૭ એપ્રિલથી ઘઉંની ખરીદી શરૂ કરવામાં આવશે. પુરવઠા નિગમના ૨૧૯ ગોડાઉન પર ઘઉંની ખરીદી શરૂ થશે. જે ૩૦ મે સુધી ચાલશે. આ માટે ખેડૂતોને એસએમએસથી બોલાવવામાં આવશે. રૂપાણી સરકાર કોરોના વાયરસને રોકવાની સાથે ખેડૂતો, શ્રમિકો, ગરીબો સહિતના લોકોને પણ વધુ મુશ્કેલી ન પડે તે માટે અનેક નિર્ણયો લઈ રહી છે. આજે પણ રૂપાણી સરકાર દ્વારા કેટલાંક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જે અંતર્ગત રૂપાણી સરકાર ૨૭ એપ્રિલથી ઘઉંની ટેકાના ભાવે ખરીદી શરૂ કરશે. તેના માટે ૨૭ એપ્રિલથી ૧૦ મે સુધી રજીસ્ટ્રેશનની કાર્યવાહી ચાલશે. આ માટે નોંધણી કરાયેલા ખેડૂતોને અગાઉથી જાણ કરવામાં આવશે તે તારીખે ખેડૂતોએ આવીને ઘઉંનું વેચાણ કરવાનું રહેશે.

           આ ઉપરાંત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, રાજ્યમાં સુજલામ સુફલામ અભિયાન શરૂ કરવામાં આવશે. ગ્રામ્ય અને શહેરો કક્ષાએ ચેકડેમો, નદીઓ ઉંડા કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ કાર્ય ૧૦ જૂન સુધી કરવામાં આવશે. ખેડૂતો પણ કોઈપણ જાતની કિંમત વગર ખેતર માટે માટી લઈ શકશે. આ યોજનામાં ખેડૂતોને માટી, શ્રમિકોને રોજગારી મળશે તથા રાજ્યમાં પાણી સંગ્રહની ક્ષમતામાં પણ વધારો થશે. ૨૦ એપ્રિલથી ૧૦ જૂન સુધી સુજલામ સુફલામ યોજના શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત ગામના તળાવો બંધ અને ચેકડેમ ઉંડા કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ યોજના અંતર્ગત ખેડૂતોને વિનામૂલ્યે માટી આપવામાં આવશે.
          રાજ્યના અમદાવાદ, સુરત, રાજકોટ, ભરૂચ અને કચ્છ સહિતના જિલ્લાઓમાં ૨૭૮૦૦ ઉદ્યોગો ગઈકાલથી શરૂ થયા છે. જેમાં ૧૮૦૦૦૦ શ્રમિકો કામે લાગી ગયા છે. રૂપાણી સરકાર દ્વારા આજે એન.એફ.એસ.એના કેટલાક લાભાર્થીઓના ખાતામાં પણ એક હજાર રૂપિયા જમા કરાવવામાં આવ્યા છે. જેમાં ડાંગ, ગીર સોમનાથ, નર્મદા, દ્વારકા, નવસારી, પોરબંદર, તાપી, વલસાડ જેવા જિલ્લાનો સમાવેશ થાય છે. આમ, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સરકાર દ્વારા ખેડૂતો, શ્રમિકો, ગરીબો માટે કેટલીક વધુ રાહત આપતી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતનાં ખેડૂતો, શ્રમિકો અને ગરીબોનું હિત ધ્યાનમાં રાખી રૂપાણી સરકાર દરરોજ અવનવી જાહેરાતો-યોજનાઓ જાહેર કરી રહી છે.

(7:26 pm IST)