Gujarati News

Gujarati News

News of Tuesday, 21st April 2020

નડિયાદના પીજ રોડ પરથી તમાકુની પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ કરતા 3 શખ્સોને એલસીબી પોલીસે ઝડપી પાડયા:12હજારથી વધુ રકમનો ગેરકાયદેસર જથ્થો ઝડપવામાં આવ્યો

નડિયાદ: શહેરના પીજ રોડ પરથી તમાકુની પ્રતિબંધિત વસ્તુઓ વેચતા ત્રણ વ્યક્તિઓને એલસીબી પોલીસે ઝડપી પાડયા હતા. વિસ્તારની એક સોસાયટીના મકાનમાંથી આવી વસ્તુઓનો ૧૨૦૦૦થી પણ વધુ રકમનો ગેરકાયદેસર જથ્થો ઝડપી પાડયો હતો. બનાવ અંગે   ઇસમો વિરુદ્ધ નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

કોરોનાની મહામારી અને લોકડાઉનનો લાભ લઇ નડિયાદના પીજ રોડ પર આવેલ ઘનશ્યામનગરમાં કેટલાંક ઇસમો વ્યસનીઓને વધુ ભાવે પાન,બીડી, તમાકુ, સીગરેટ વેચતા હોવાની માહિતી ખેડા એલસીબી પોલીસને મળીહતી. જે અનુસંધાને પોલીસે આજે પીજ રોડ પર આવેલા ગીતાંજલી સોસાયટીના ૨૬ નંબરના ઘરમાં રેડ પાડી હતી. જેમાં ઘરમાંથી મોટા જથ્થામાં તમાકુની પ્રતિબંધિત વસ્તુઓ સોપારી, તમાકુ, ગુટખા, બીડી, ચુનાના પાઉચ મળી આવ્યા હતા બનાવમાં પ્રકાશ અંબાલાલ કા.પટેલ, પાર્થ પ્રકાશભાઇ કા.પટેલ અને મુકેશભાઇ અંબાલાલ પટેલની અટકાયત કરી ૧૨,૪૪૦નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો. ત્રણેય ઇસમો વિરુદ્ધ નડિયાદ પશ્ચિમ પોલીસે ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:49 pm IST)