Gujarati News

Gujarati News

News of Tuesday, 21st April 2020

ગાંધીનગરમાં એક મહિનાથી સારવાર બાદ આખરે દર્દી કોરોનામુક્ત થતા હોસ્‍પિટલમાં અપાઇ રજા

ગાંધીનગર: ગાંધીનગરનો કોરોના વાયરસનો સૌપ્રથમ દર્દી ઉમંગ પટેલ એક મહિનાની સારવાર બાદ આખરે કોરોના મુક્ત બન્યો છે. અમદાવાદમાં સારવાર લઈ રહેલા ઉમંગ પટેલનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવતા તેને આખરે રજા આપવામાં આવી છે. ગાંધીનગરમાં  ઉમંગ પટેલ કોરોના વાયરસનો પ્રથમ દર્દી બન્યા હતા. જેના બાદ તેના સંપર્કમાં આવેલા તેમના કુલ 11 વ્યક્તિઓ કોરોના પોઝિટિવ બન્યા હતા. મોટાભાગના સીધા જ તેના પરિવારના સભ્યોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.

તો પાટનગર ગાંધીનગર માટે ખુશીના સમાચાર પણ છે. શહેરમા હવે કોઈ પણ પોઝિટિવ કેસ એક્ટિવ નથી. તમામ કેસ સારવાર બાદ નેગેટિવ આવતા રજા આપી દેવાઈ છે. સૌ પ્રથમ કેસ ઉમંગને પણ એક માસ બાદ અમદાવાદ સિવિલમાંથી રજા અપાઈ છે. આમ ગાંધીનગર મહાનગરપાલિકાનો કોઈ પણ પોઝિટિવ દર્દી સારવાર હેઠળ નથી, તમામ રિકવર થઈ ગયા છે. ગાંધીનગર જિલ્લાને ૩૦૦ રેપિડ ટેસ્ટીંગ કીટ ફાળવવામાં આવી છે.

ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ગાંધીનગર જિલ્લાને ૩૦૦ રેપિડ ટેસ્ટીંગ કીટ ફાળવાઈ છે. કોરોના વાયરસ અંતર્ગત હોસ્પિટલની માંગણી અંતર્ગત તેમજ આગોતરા આયોજનના ભાગરૂપે રેપિડ ટેસ્ટીંગ કીટના જથ્થાની ફાળવણી કરવામાં આવી છે. જે અંતર્ગત ગાંધીનગર, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, પાટણ અને મહેસાણામાં કુલ 1200 રેપિડ ટેસ્ટીંગ કીટ મોકલાઈ છે. જેમાં ગાંધીનગરને ૩૦૦, સાબરકાંઠાને ૧૦૦, બનાસકાંઠાને ૨૦૦, અરવલ્લીને ૧૦૦, પાટણને ૩૦૦ અને મહેસાણાને ૨૦૦ રેપિડ કીટનો સમાવેશ થાય છે.

(4:21 pm IST)