Gujarati News

Gujarati News

News of Tuesday, 21st April 2020

લોકડાઉનના પગલે પાણીપૂરી અને મમરાની ડિમાન્ડ વધી

લોકો તૈયાર પુરી લાવી પાણીપૂરીની જયાફત માણે છે

અમદાવાદ,તા.૨૧: લોકડાઉનના પગલે લોકો ઘરમાં છે ત્યારે નાસ્તાના ઉપયોગમાં લેવાતા મમરાના વપરાશમાં બમણો વધારો નોંધાયો છે એટલું જ નહીં, જેટલી ડિમાન્ડ મમરાની એટલી જ ડિમાન્ડ પાણીપૂરીની છે. બંને વસ્તુનો દુકાનમાં સ્ટોક આવતાંની સાધ જ ખલાસ થઈ જાય છે. હાલમાં જે રીતે આ બંને વસ્તુઓનો ઉપાડ છે તેની સામે પ્રોડકશન ઓછું છે. અમદાવાદ શહેરની રોજની રોજ ૨૦ ટન જેટલી મમરાની ખપત સામે હાલમાં માત્ર ૧૨ ટન જ માલ આવે છે. એવી જ રીતે અત્યારે પાણીપૂરી હોટ ડિમાન્ડ આઈટમ છે. ઘેરબઠાં સ્વાદ રસિયાઓ ચટાકેદાર પાણીપૂરીનો સ્વાદ માનવા સામાન્ય કરતાં વધુ રૂપિયા ચૂકવી રહ્યા છે. અત્યાર સુધી ૧૦૦ પાણીપુરીના એક પેકેટનો ભાવ રૂ.૫૦ હતો, જે લોકડાઉનના સમયમાં રૂ.૭૦ થી ૮૦ થયો છે, છતાં લોકો પડાપડી કરી ખરીદી કરી લે છે. નાના નાના કરિયાણા સ્ટોરવાળા પણ હવે પાણીપૂરી રાખવા લાગ્યા છે, પરંતુ સવારે દુકાનમાં આવતો સ્ટોક સાંજ પડે ખતમ થતાં વાર નથી લાગતી. પાણીપૂરીનું વેચાણ અત્યારે બમણું થઈ ગયું છે. અંદાજે રોજના ર લાખથી વધુ પાણીપૂરીનાં પેકેટનું વેચાણ થઈ રહ્યું છે.

માધુપુરા એસોસિયેશન દ્વારા મમરાના વેપારીઓનું પણ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. મમરાની શોર્ટજ ઊભી થઇ હોવાથી એસોસિયેશન જાતે જ મમરાનો માલ મંગાવી રહ્યું છે. બજાર વચ્ચે જ મમરાનું વેચાણ સીધું એસોસિયેશન દ્વારા જ કરવામાં આવી રહ્યું છે, જેથી કરિયાણાના છૂટક વેપારીઓ તે લઈ જઈ શકે. અગાઉ મમરાનો ભાવ ૧૦ કિલોના ૫૦૦ રૂપિયા હતા, જેમાં માગ વધતાં વધારો નોંધાયો છે અને હાલના ભાવ ૫૪૮થી ૫૭૦ બોલાઈ રહ્યા છે. આ જથ્થાબંધના ભાવ છે. ડિમાન્ડની સામે શોર્ટજ વધતાં ભાવમાં વધારો થયો છે, જોકે મમરા કોઈ અછત ના સર્જાય તે માટે એસોસિયેશન પૂરતા પ્રયાસ કરી રહ્યું હોવા સાથે જથ્થો મંગાવવામાં આવી રહ્યો હોવાનું જણાવાયું છે.

(4:24 pm IST)