Gujarati News

Gujarati News

News of Tuesday, 21st April 2020

ગુજરાતનું સરેરાશ ચિત્ર : રોજ ૬૧ દર્દીઓનો વધારો, ૪ સાજા થાય છે : ૨ મરે છે

હવે માત્ર ૬ જિલ્લાઓ જ કોરોના વગરના : આજની સ્થિતિએ ૩૦૩૫૪ લોકો કોરોન્ટાઇન : ૧૯ દર્દીઓ વેન્ટીલેટર પર

રાજકોટ તા. ૨૧ : રાજ્યમાં કોરોનાની મહામારીએ મજબૂત પગપેસારો કરી દીધો છે. કુલ ૩૩ પૈકી આજે સવાર સુધીમાં ૨૭ જિલ્લાઓમાં કોરોનાના દર્દીઓ નોંધાય ગયા છે. ગાંધીનગર જેવા અમુક જિલ્લાઓમાં તમામ દર્દીઓ સાજા થઇ જતાં કોરોના લાગ્યા પછી કોરોના મુકત થયા છે. જ્યાં હજુ કોરોનાનો પ્રવેશ જ ન થયો હોય તેવા સુરેન્દ્રનગર, જુનાગઢ, અમરેલી જેવા ૬ જિલ્લાઓ જ બાકી રહ્યા છે. આજે નવા ૧૨૭ દર્દીઓના ઉમેરા સાથે કુલ ૨૦૬૬ દર્દીઓ થઇ ગયા છે. હજુ એકધારો વધારો થઇ રહ્યો છે.

ગુજરાતમાં દરરોજ સરેરાશ ૬૧ દર્દીઓ વધી રહ્યા છે. અત્યાર સુધીમાં ૧૩૧ દર્દીઓ સાજા થઇ જતાં રજા આપવામાં આવી છે. તેનો મતલબ એવો થાય કે રોજ સરેરાશ ૪ દર્દીઓ સાજા થઇ રહ્યા છે. દર્દીઓના ઉમેરાના પ્રમાણમાં સાજા થવાનું પ્રમાણ ઘણું ઓછું છે. અત્યાર સુધીમાં ૭૭ લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા છે. સરેરાશ બેથી વધુ દર્દીઓ કોરોનાના કારણે મોતને ભેટી રહ્યા છે.

આજે સવારની સ્થિતિ મુજબ ૨૬૫૯૦ લોકો હોમ કોરોન્ટાઇન, ૩૪૩૬ લોકો સરકારી વ્યવસ્થામાં કોરોન્ટાઇન અને ૩૨૮ લોકો ખાનગી સુવિધામાં કોરોન્ટાઇન છે. કોરોન્ટાઇન રહેલા કુલ દર્દીઓની સંખ્યા ૩૦૩૫૪ છે. ૨૦૬૬ પૈકી ૧૮૩૯ દર્દીઓની તબિયત સ્થિર છે. ૧૯ દર્દીઓ વેન્ટીલેટર પર છે. છેલ્લા ૩૪ દિવસમાં ૩૫૫૪૩ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવેલ જેમાંથી ૨૦૬૬ પોઝીટીવ નિકળ્યા છે. બાકીના ૩૩૪૭૭ લોકોના ટેસ્ટ નેગેટીવ આવ્યા છે. ગુજરાતમાં સૌથી પહેલો કેસ ૧૯ માર્ચે રાજકોટમાં થયો હતો. આજે ૩૪માં દિવસે ૧૨૭ કેસના વધારા સાથે કુલ આંકડો ૨૦૬૬ સુધી પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના કયાં જઇ અટકશે તે કોઇ કહી શકે તેમ નથી.

(4:00 pm IST)