Gujarati News

Gujarati News

News of Tuesday, 21st April 2020

તમારો સાથ અને સહકાર મળશે તો મે મહિનાના અંત સુધીમાં કોરોના પર નિયંત્રણ લાવી શકીશું: વિજય નેહરા

૧૦ દિવસ વેન્ટીલેટર પર રહ્યાં બાદ ડાયાબિટીસ-હાઈબીપીના દર્દીએ કોરોનાને હરાવ્યો : રાજયમાં પ્રથમવાર કોરોનાના દર્દીની સિઝેરિયનથી ડિલવરી થઈ, દેશનું પ્રથમ પ્લાઝમા સ્ટડી સેન્ટર એસવીપી હોસ્પિટલમાં શરૃઃ હજ હાઉસ ખાતે કોવિડ કેર સેન્ટર શરૂ કરાશે, આઈસોલેશન માટે એમઓયુ કરી ફાઇવ સ્ટાર હોટલ પણ કબ્જે લીધીઃ શહેરમાં બે ડોકટર સહિત કોરોનાના નવા ૫૦ પોઝિટિવ કેસ

અમદાવાદઃ કોરોનાના હોટસ્પોટ અમદાવાદમાં આજે નવા ૫૦ કેસ નોંધાયા છે જયારે ત્રણ મહિલા અને બે પુરૂષ સહિત પાંચના મોત થયા છે. આ સાથે જ શહેરમાં કુલ ૧૨૯૮ દર્દી થયા છે અને મૃત્યુઆંક ૪૩એ પહોંચ્યો છે. શહેરમાં કોરોનાની સ્થિતિ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું કે, જો તમારો સાથ અને સહકાર મળતો રહેશે તો આપણે મે મહિનામાં કોરોના પર નિયંત્રણ મેળવી લઈશું. જેના માટે ૩ મે સુધી લોકડાઉનનું કડક પાલન કરવું જરૂરી છે.

 શ્રી નેહરાએ કહ્યું કે રાજયમાં સૌપ્રથમવાર કોરોનાના દર્દીની સિઝેરિયન દ્વારા ડિલીવરી કરવામાં આવી છે. જયારે દેશમાં આ સાતમો કિસ્સો છે. દેશનું પ્રથમ પ્લાઝમા સ્ટડી સેન્ટર એસવીપી હોસ્પિટલમાં શરૂ કરવામાં આવ્યું છે. ગઈકાલથી આજ સુધીમાં ૧૬ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને હવે ૫૧ દર્દી સાજા થયા છે. એક દર્દીનું પ્લાઝમા ટ્રાન્સમિશન થયું છે અને આજે વધુ એક દર્દીને કરવામાં આવશે. તેમજ કોરોનાના દર્દી માટે એસવીપીની ક્ષમતા ૫૦૦ બેડથી વધારી ૧૦૦૦ બેડ કરી છે. આમ હવે ૧૦૦૦ દર્દીની સારવાર થઈ શકશે.

  વિજય નેહરાએ  વધુમાં કહ્યું કે,કાલુપુર સ્ટેશન પાસે આવેલા હજ હાઉસ ખાતે આવતીકાલથી કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવશે. તેમજ ફાઇવ સ્ટાર હોટલ સાથે પણ કરાર કરીને કબજે લીધી છે. જેથી જે દર્દીનો ખર્ચો પોષાય હોય તે દર્દી તેમાં આઈસોલેશનમાં રહી શકશે.

અમદાવાદ શહેરના પોલીસ કંટ્રોલરૂમ, સીસીટીવી કંટ્રોલરૂમ, ટ્રાફિક કંટ્રોલરૂમ, કોમ્પ્યુટર બ્રાન્ચ સહિતના ૩૬ જેટલા પોલીસકર્મીઓના કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. જે તમામના નેગેટિવ આવ્યા હતા.

 જયારે ઘાટલોડિયામાં ચાણકયપુરીમાં આવેલા દેવનંદન ફ્લેટમાં રહેતા ડો.હિરેન દોશીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જયારે નારણપુરામાં અંકુર રોડ ઉપર આવેલી ચંદન પાર્ક સોસાયટીમાં રહેતા ડો.રાઘવ સુથારનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આજના નવા કેસો દરિયાપુર, ચાંદખેડા, જુહાપુરા, શાહીબાગ, જમાલપુર, બહેરામપુરા, મણિનગર, રાયપુર, હાથીજણ, વસ્ત્રાલ, મેમનગર, નારણપુરા, ઘાટલોડીયા, દાણીલીમડામાં નોંધાયા છે. જો કે અત્યાર સુધી મોટા ભાગના કેસો કોટ વિસ્તારમાં નોંધાતા હતા. પરંતુ હવે કોટ વિસ્તારની બહાર પણ કેસો વધવા લાગ્યા છે. કોટ વિસ્તાર બહાર નારણપુરા, ઘાટલોડીયા, હાથીજણ અને મેમનગર જેવા વિસ્તારોમાં કેસો વધ્યા છે.

આ પહેલા શહેરમાં ગત શનિ અને રવિવારે સળંગ બે દિવસ  કોરોનાના ૨૩૯ પોઝિટિવ કેસ નોંધાયા હતા. જે પછી સોમવારે આ કેસની સંખ્યામાં દ્યટાડો થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. ગઇકાલે સોમવારે કુલ ૧૫૨ પોઝિટિવ કેસ નોંધાયા હતા.

(3:59 pm IST)