Gujarati News

Gujarati News

News of Tuesday, 21st April 2020

શિક્ષણ સમિતિ આધુનિક માર્ગે : ઓનલાઇન અભ્યાસ

લોકડાઉન દરમિયાન સમયનો સદ્ઉપયોગ કરી વિદ્યાર્થીઓને ઘર બેઠા શિક્ષણમાં જોડતા શિક્ષકો : નરેન્દ્રસિંહ ઠાકુર

રાજકોટ તા. ૨૧ : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પણ આધુનિકતાના માર્ગે રહી બાળકોને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.

આ અંગે શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુરે જણાવ્યું હતું કે, કોરોના અંતર્ગત હાલ લોકડાઉનનો અમલ થઇ રહ્યો છે. લોકડાઉન હોવાથી શિક્ષકો તેમજ બાળકો શાળાએ જઇ શકે તેમ નથી. આવા સંજોગોમાં શિક્ષકો સાથે વિદ્યાર્થીઓનું જોડાણ રહે તેમજ બાળકોનો અભ્યાસ છૂટે નહી તેવા ઉમદા હેતુથી શિક્ષણ સમિતિ પરિવાર દ્વારા બાળકો ઘેર રહી શિખી શકે તે માટે ટેકનોલોજીનો ઉપયોગ કરી શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવેલ શૈક્ષણિક વીડિયો યુ-ટયૂબ ચેનલ દ્વારા પ્રસારિત કરવાનું આયોજન કરવામાં આવેલ છે. આ કામગીરીમાં શાળાઓ-૮૮, શિક્ષકો - ૧૯૨, આઇઇડી સ્ટાફ-૨૫, એસટીપીના બાલમિત્રો - ૨૮ મળી કુલ ૨૪૫ કર્મચારીઓના યોગદાનથી અંદાજે ૫૦૦૦ વીડીયો બનાવવાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવેલ છે.

આશા છે કે લોકડાઉનના સમયનો સદ્ઉપયોગ કરી આ ઉમદા પ્રવૃતિનો બાળકો વધુમાં વધુ ઉપયોગ કરે અને શૈક્ષણિક કામગીરીમાં જોડાયેલ રહે.  આ કામગીરીમાં જોડાયેલ તમામને શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર અને શાસનાધિકારી એસ.બી.ડોડીયા દ્વારા અભિનંદન પાઠવવામાં આવેલ. આ કામગીરીનું સમગ્ર સંકલન યુઆરસી કો-ઓર્ડીનેટર દિપકભાઇ સાગઠિયા દ્વારા કરવામાં આવી રહ્યું છે.

(3:52 pm IST)