Gujarati News

Gujarati News

News of Tuesday, 21st April 2020

અનેક રાજયો કરતા વધુ દર્દીઓ ધરાવતા અમદાવાદમાં લોકડાઉન લંબાવવાના સંજોગો : સમગ્ર રાજય પર અસર

ગુજરાતના વેપાર-ઉદ્યોગ અને શિક્ષણના કેન્દ્ર સમાન શહેરમાં કોરોનાના ૧ર૯૮ કેસ : ૭૦ લાખથી વધુ વસ્તી ધરાવતા અમદાવાદના પ લાખથી વધુ લોકો હાલ કર્ફયુ હેઠળ

રાજકોટ, તા. ર૧ : દેશનાં અનેક રાજયોની સરખામણીએ કોરોનાના વધુ દર્દીઓ ધરાવતા અમદાવાદ મહાનગરમાં પરિસ્થિતિ ચિંતાજનક છે. શહેરનાં મધ્ય ઝોનના કેટલાક વિસ્તારોમાં કર્ફયુ છે. શહેરની કુલ વસ્તી ૭૦ લાખથી વધુ છે જેમાંથી કોટ સહિતના વિસ્તારોની પ લાખથી વધુ વસ્તી કર્ફયુ હેઠળ છે. અત્યારની સ્થિતિ જોતા અમદાવાદમાં તા.૩ મે પછી પણ લોકડાઉન લંબાવાય તેવી પ્રબળ શકયતા છે.

ગુજરાતમાં આજે સવારની સ્થિતિએ કોરોનાના કુલ ર૦૬૬ દર્દીઓ છે તે પૈકી ૧ર૯૮ એકલા અમદાવાદમાં છે. આખા ઉત્તરપ્રદેશમાં ૧૧૮૪, આંધ્રમાં ૭રર, તેલંગણામાં ૮૭૩, કેરળમાં ૪૦૮, પંજાબમાં ર૪પ દર્દીઓ છે. આ આંકડો જોતા સ્પષ્ટ થાય છે કે દેશના અનેક રાજયોનાં કોરોનાના કુલ દર્દીઓ કરતા એકલા અમદાવાદમાં વધુ દર્દીઓ છે. ગઇકાલ સાંજથી આજ સવાર સુધીમાં પ૦ દર્દીઓ ઉમેરાઇ ગયા છે.

દેશમાં ૩ મે સુધી લોકડાઉન જાહેર થયેલ છે. જો ગુજરાતનાં અન્ય વિસ્તારોમાં ત્યાર પછી લોકડાઉન પૂર્ણ કરવાનું નકકી થાય તો પણ અમદાવાદ બાબતે અલગથી સમીક્ષા કરવી પડે તેમ છે. પરિસ્થિતિ સંપૂર્ણ કાબુમાં ન લાવે તો ર૪ મી પછી અમુક વિસ્તારોમાં કર્ફયુ લંબાવાય અને તા. ૩ મે પછી સમગ્ર શહેરમાં અથવા શહેરના અનેક વિસ્તારોમાં લોકડાઉન લંબાવાય તેવી પ્રબળ શકયતા વહીવટી તંત્રના વર્તુળો દર્શાવી રહ્યા છે. જે તે વખતની પરિસ્થિતિના આધારે આખરી નિર્ણય લેવાશે. અમદાવાદ વેપાર-ઉદ્યોગ અને શિક્ષણની મોટુ કેન્દ્ર હોવાથી ત્યાંની પરિસ્થિતિની અસર સમગ્ર રાજય પર અને રાજય બહાર પર પણ પડે તે સ્વભાવિક છે.

(3:22 pm IST)