Gujarati News

Gujarati News

News of Tuesday, 21st April 2020

સરકાર દ્વારા ર૭મીથી ઘઉંની નોંધણી અને ખરીદી

સોશ્યલ ડીસ્ટન્સ, માસ્ક વગેરે રખાવજોઃ કલેકટરોને જનરલ મેનેજર સંજય મોદીનો પત્ર : અગાઉ ર૯૧રર ખેડૂતો નોંધાયેલઃ હવે ૧૦ મે સુધી નિગમના ગોડાઉનમાં નોંધણી અને ૩૦ મે સુધી ખરીદી

રાજકોટ તા. ર૧ :.. રાજય સરકારના નાગરિક પુરવઠા નિગમે ઘઉંની ટેકાના ભાવે ખરીદીનો નવો કાર્યક્રમ જાહેર કર્યો છે. આવતા સોમવારથી રજીસ્ટ્રેશન અને ખરીદી શરૂ થશે. આ અંગે નિગમના જનરલ મેનેજર અને અધિક કલેકટર સંજય મોદીએ ગઇકાલે તમામ જિલ્લા કલેકટરો જોગ વિગતવાર પત્ર પાઠવ્યો છે.

પત્રમાં જણાવ્યું છે કે રવિ માર્કેટીંગ સીઝન ર૦ર૦-ર૧ દરમ્યાન પ૦,૦૦૦ મે. ટન ઘઉંની પ્રાપ્તીનો લક્ષ્યાંક -અંદાજ નકકી કરવામાં આવેલ છે. ગુજરાત રાજય નાગરીક પુરવઠા નિગમ લી. દ્વારા કુલ ર૧૯ પુરવઠા નિગમના ગોડાઉન કેન્દ્રો, એ. પી. એમ. સી. ખાતે માર્ચમાં રજીસ્ટેશન તથા તા. ૧૬-૩ થી તા. ૩૦-પ સુધી ખરીદીનો સમયગાળો રાખવામાં આવેલ. જેમાં તા. ર૩-૩ સુધીમાં ર૯,૧રર ખેડૂતોનું રજીસ્ટ્રેશન થવા પામેલ અને રજીસ્ટ્રેશન થયેલ ખેડૂતો પૈકી કુલ ૧પ ખેડૂતો પાસેથી પ૯૬ કવીન્ટલ ઘઉંની ખરીદી કરવામાં આવેલ છે. કોરાનાના કારણે  ભારત સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવેલ જેનાં અનુસંધાને ઘઉંનું રજીસ્ટ્રેશન તેમજ ખરીદી તા. ર૪ થી મુલત્વી રાખવામાં આવેલ હતી. હવે  ફરી ખરીદી શરૂ કરવાની થાય છે.ઘઉંનું રજીસ્ટ્રેશન તા. ર૭ થી તા. ૧૦-૦પ સુધી અને ખરીદી તા. ર૭-૪-થી તા. ૩૦ સુધી ફકત નિગમના ગોડાઉન ખાતે જ કરવાની રહેશે. એપીએમસી (ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ) ખાતે કરવાનું રહેશે નહીં. ઘઉંની ખરીદી તા. ર૭ થી તા. ૩૦-૦પ સુધી કરવાની થાય છે. જેમાં તા. ર૩-૩-ર૦ર૦ સુધી થયેલ રજીસ્ટ્રેશન પૈકીના ખેડૂતોને સોશીયલ ડીસ્ટન્સ જળવાઇ રહે તે ધ્યાને લઇ તા. ર૭-૪-થી ઘઉંની પ્રાપ્તિ/ ખરીદી કરવાની રહેશે. આ માટે સરકારની સોશિયલ ડિસ્ટન્સની નક્કી કરેલ ગાઇડ લાઇન મુજબ કાર્યવાહી કરવા વિનંતી. ઘઉંનું રજીસ્ટ્રેશન તા. ર૭-૦૪ થી તા. ૧૦-૦પ સુધી કરવાનું થતું હોય જેથી ખેડૂતો દ્વારા ભીડ ન થવા પામે તે રીતે નાગરિક પુરવઠા નિગમના ગોડાઉન પર રજીસ્ટ્રેશનની કામગીરી હાથ ધરવાની રહેશે અને ક્રમાનુસાર તેઓ પાસેથી ઘઉંની ખરીદી કરવાની રહેશે.

ખરીદ કેન્દ્ર ખાતે સોશિયલ ડીસ્ટન્સ જળવાઇ રહે, ખેડૂતો દ્વારા માસ્કનો ઉપયોગ કરવામાં આવે તેમજ ખરીદ કેન્દ્ર ખાતે સેનેટાઇઝરની સુવિધા ઉપલબ્ધ રખાવવી. ખેડૂતોને જે એસએમએસ કરવામાં આવે તેમાં ટાઇમ સ્લોટ અને તારીખ દર્શાવવામાં આવે તે અત્યંત જરૂરી છે. આ અન્વયે જરૂર જણાય, તો ટોકન ફાળવી ખરીદીની કામગીરી સુચારૂરૂપ થવા પામે તે જોવું. દરેક ખરીદ કેન્દ્ર પર ગ્રામ સેવક ઘઉંનું રજીસ્ટ્રેશન તથા ખરીદ પ્રક્રિયા દરમ્યાન સતત હાજર રહી કામગીરી કરે તે સુનિશ્ચિત કરવા વિનંતી છે તેમ પત્રમાં જણાવ્યું છે.

(12:42 pm IST)