Gujarati News

Gujarati News

News of Tuesday, 21st April 2020

અમદાવાદમાં કોરોનાના દર્દીઓ માટે જરૂરી સુવિધાનો અભાવ

પોલીસ દર્દીને પંખા વિનાની જગ્યામાં નીચે પથારી પાથરી દીધી! : સરકારને પત્ર લખી ઢંઢોળતા ધારાસભ્ય હિંમતસિંહ પટેલ

ગાંધીનગર, તા.૨૧: અમદાવાદના બાપુનગરના કોંગી  ધારાસભ્ય શ્રી હિંમતસિંહ પટેલે મુખ્યમંત્રીને પત્ર પાઠવી અમદાવાદ સહિત રાજયની હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ માટે પૂરતી વ્યવસ્થા કરવા માંગણી કરી છે.

રાજયમાં લોકડાઉનના અસરકારક અમલ માટે રાજયનું પોલીસ તંત્ર ખડેપગે છે. કોરોના જેવી જીવલેણ અને ચેપી બિમારીમાં પણ રાજયની હોસ્પિટલોમાં ડોકટરો, નર્સિંગ સ્ટાફ, અન્ય મેડીકલ અને પેરામેડીકલ સ્ટાફ જાનના જોખમે ખડેપગે દર્દીઓની સારવાર કરી રહ્યા છે. મેડીકલ અને પેરામેડીકલ સ્ટાફ તથા પોલીસ કર્મીઓ પણ કોરોના વાયરસની ઝપેટમાં આવી રહયા છે ત્યારે સરકારે આ  કોરોના વોરીયર્સની કદર કરી તેઓને ઉત્તમ આરોગ્યવિષયક સુવિધાઓ મળે તેવી વ્યવસ્થા ચોક્કસપણે કરવી જોઈએ. આવી સ્થિતિમાં આ કોરોના વોરીયર્સને સરકાર તરફથી પૂરતી સુંવેધાઓ પૂરી પાડવામાં આવતી ન હોવાની ફરિયાદો ઉઠી રહી છે. એક પોલીસકર્મી કોરોના પોઝીટીવ આવતાં તેને સારવાર અર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ, તેને હોસ્પિટલમાં બેડ આપવાને બદલે નીચે પથારી પાથરી આપવામાં આવેલ, જયાં પંખાની સુવિધા પણ ઉપલબ્ધ નહોતી. આ પોલીસકર્મીએ ઉપરી અધિકારીને ફરિયાદ કર્યા બાદ તેને સિવિલ હોસ્પિટલ ખાતે યોગ્ય વ્યવસ્થા કરી આપવામાં આવેલ. તેમ હિંમતસિંહે પત્રમાં જણાવ્યુ છે.

રાજયમાં અમદાવાદ કોરોનાનું હોટસ્પોટ બની ગયું છે. અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ દર્દીઓ છે. જેમાં ૨૦૦થી વધુ દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે દર્દીઓને સમયસર ચા-પાણી, નાસ્તો અને જમવાની યોગ્ય સુવિધા ન મળતી હોવાની ફરિયાદો સતત મળી રહી છે. જે દર્દીઓ સારવાર માટે દાખલ છે તેમને સમયસર વસ્તુ ન મળતા તેઓ તબીબો-સ્ટાફ સમક્ષ માંગણી કરી રહ્યા છે અને તેમની વચ્ચે ઝઘડા થતા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. દર્દીઓ માટે જરૂરી વ્યવસ્થા ત્વરિત કરવી જોઇએ તેમ તેમણે પત્રમાં જણાવ્યુ છે.

(11:42 am IST)