Gujarati News

Gujarati News

News of Tuesday, 21st April 2020

અમદાવાદ : મોતને ભેટેલા કોરોના દર્દીઓની મૃતદેહ દફનાવ્યા પછી મેડિકલ વેસ્ટના નિકાલમાં બેદરકારી !!

સમગ્ર બેદરકારી અને કામચોરીનો વીડિયો રાજાભાઈએ વાયરલ કર્યો

અમદાવાદ: મોતને ભેટેલા કોરોના દર્દીની ડેડબોડી દાણીલીમડા ગંજશહીદ કબ્રસ્તાનમાં દફનાવ્યાં પછી મેડિકલ વેસ્ટનો કર્મચારીઓ દ્વારા યોગ્ય નિકાલ કરવામાં આવતો નથી. જેના કારણે કોરોનાનો ચેપ ફેલાવાની સંભાવના વધી જતાં કબ્રસ્તાનમાંથી રાજાભાઈ ફર્નિચરવાલા નામના જાગૃત નાગરિકે વીડિયો વાયરલ કરી ગંભીર બેદરકારી છતી કરી છે.

કેન્દ્ર સરકારે કોરોનાના સંક્રમણને રોકવા માટે સમગ્ર દેશમાં લોક ડાઉનની જાહેરાત કરી છે. તો બીજી તરફ સરકારની અને કરોડો લોકોએ આપેલા ભોગની પથારી ફેરવવા બેઠા હોય તેમ કોર્પોરેશનના બેજવાબદાર અધિકારી અને કર્મચારીઓ નાની અને સામાન્ય લાગતી ગંભીર ભૂલ કરીને કોરોનાનો ચેપ વધુ ફેલાય તેવી હરકત કરી રહ્યા છે.

દાણીલીમડામાં ગંજશહીદ કબ્રસ્તાનમાં છેલ્લા કેટલાક સમયથી કોરોના વાયરસને કારણે મૃત્યુ પામેલા મુસ્લિમ ધર્મના લોકોની ડેડબોડી દફનવિધિ માટે લાવવામાં આવે છે. જો કે વિધિ પુરી થાય બાદ અમદાવાદ મ્યૂનિ. કોર્પોરેશનના કર્મચારીઓ હાથ મોજા, માસ્ક,બોડી પર લપેટેલું કાપડનું આવરણ અને અન્ય મેડિકલ વેસ્ટનો યોગ્ય રીતે નિકાલ કરતા નથી. કોરોના દર્દીના શરીર પરના આ મેડિકલ વેસ્ટ કબ્રસ્તાનમાં ખુલ્લામાં પડ્યા હોય છે.
   આ રીતે ચેપગ્રસ્ત સાધનો જાહેરમાં યોગ્ય નિકાલ વગર પડ્યા હોવાથી અન્ય વ્યક્તિ તેના સંપર્કમાં આવે તો તેને ચેપ લાગી શકે છે. આ સમગ્ર બેદરકારી અને કામચોરીનો વીડિયો રાજાભાઈએ વાયરલ કરી કચરો ક્યાં અને કેવી રીતે પડ્યો છે તે દ્રશ્યો બતાવ્યા છે.

(11:06 am IST)