Gujarati News

Gujarati News

News of Tuesday, 21st April 2020

શનિવારથી ગરીબોને ફરી મફત ઘઉં, ચોખા, દાળ મળશે

૬૫ લાખ પરિવારોને એક મહિનામાં બીજી વખત લાભઃ વ્યકિત દિઠ ૩ાા કિલો ઘઉં, ૧ાા કિલો ચોખા અને કાર્ડ દિઠ ૧ કિલો ચણા અથવા તુવેરની દાળ

રાજકોટ તા. ૨૧ : રાજ્ય સરકારે ગરીબ વર્ગના ૬૫ લાખ લોકોને કેન્દ્રની યોજના મુજબ વધુ એકવખત રેશનકાર્ડ પર જીવન જરૂરી વસ્તુઓ વિનામૂલ્યે આપવાનું નક્કી કર્યું છે. જેનો પ્રારંભ તા. ૨૫મીથી થનાર હોવાનું જાણવા મળે છે. આ વિનામૂલ્યે રાશનનો લાભ બીપીએલ અને એનએફએસએ સીક્કાવાળા રેશનકાર્ડ ધરાવતા તમામ લોકોને મળશે જેની સંખ્યા ૬૫ લાખ પરિવાર અને ૩ કરોડોથી વધુ લોકો થશે. એક જ મહિનામાં રાજ્ય અને કેન્દ્ર બંનેની યોજના મુજબ ગરીબોને અનાજ મળે તેવું રાજ્યમાં કદાચ પ્રથમ વખત બન્યું છે. એપીએલ-૧નું વિતરણ કાર્ય લગભગ પૂર્ણ થઇ ગયું છે.

સરકારના સૂત્રોના જણાવ્યા મુજબ ગરીબ વર્ગના લોકોને વ્યકિત દીઠ ૩ાા કિલો ઘઉં અને વ્યકિત દીઠ ૧ાા કિલો ચોખા મળશે. ઉપરાંત કાર્ડ દીઠ ૧ કિલો ચણાની દાળ અથવા તુવેરદાળ પૈકી જે ઉપલબ્ધ હશે તે મળવાપાત્ર થશે. વિતરણ વ્યવસ્થા અંગેની વિગતવાર જાહેરાત ટુંક સમયમાં જ કરવામાં આવશે. તા. ૨૫થી પાંચ દિવસ સુધી વિતરણ ચાલશે.

(10:55 am IST)