Gujarati News

Gujarati News

News of Tuesday, 21st April 2020

ડાંગ જિલ્લાની સરહદીય વિસ્તારની 14 જેટલી બોર્ડર ચેકપોસ્ટ પર 24 કલાક પોલીસ અને હોમગાર્ડ તૈનાત

મહારાષ્ટ્રનાં સરહદીય વિસ્તારમાં માર્ગો કે પગદંડી વિસ્તારમાં કોઇપણ પોલીસ કે હોમગાર્ડનાં જવાનો નથી

ડાંગ : કોરોના વાઇરસનાં સંક્રમણને લોકડાઉન જાહેર કરાયું છે ત્યારે  ડાંગ જિલ્લાનાં સરહદીય વિસ્તારની 14 જેટલી બોર્ડર ચેકપોસ્ટ પર ડાંગ આરોગ્યની ટીમ સાથે પોલીસ અને હોમગાર્ડનાં જવાનો 24 કલાક તૈનાત રહી ફરજ બજાવે છે. જ્યારે ડાંગનાં સરહદીય વિસ્તારની નજીક આવેલા મહારાષ્ટ્ર વિસ્તારનાં માર્ગો પર નાસિક જિલ્લાની પોલીસની ટીમ કે આરોગ્યની ટીમ પણ જોવા ન મળતા અનેક સવાલો થઈ રહ્યા છે.

ડાંગ જિલ્લાની ચીંચલી, કાંચનઘાટ, ઝાકરાઈબારી, સીંગાણા, માંળુગા, બારખાંદિયા, બરમ્યાવડ સહિતની ચેકપોસ્ટ મહારાષ્ટ્ર રાજ્યનાં ગામડાઓને જોડે છે સાથે આ ચેકપોસ્ટ નજીકનાં વિસ્તારમાં ડાંગનાં 30થી વધુ ગામડાઓ આવેલા છે. જેમાં મહારાષ્ટ્ર રાજ્યમાંથી ડાંગ જિલ્લામાં કોઈ પણ વ્યક્તિ ન આવે તે માટે આ તમામ વિસ્તારનાં ચેકપોસ્ટ પાસે અને જંગલ વિસ્તારનાં પગદંડી રસ્તાઓ પર ડાંગ જિલ્લા પોલીસ વિભાગે 24 કલાક માટે પોલીસ અને હોમગાર્ડનાં જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.

 રાત્રી દરમિયાન પણ કોઇ માણસો બોર્ડર ક્રોસ કરીને આવે નહિ તે માટે આ જવાનો ખડેપગે ઉભા રહીને રાજધર્મ નિભાવી રહ્યા છે. જ્યારે મહારાષ્ટ્રથી ડાંગને જોડતી મહારાષ્ટ્ર બોર્ડર વિસ્તારમાં નાશીક જિલ્લાનાં પોલીસ જવાનો કે આરોગ્યની ટીમો જોવા મળતી નથી, મહારાષ્ટ્રનાં સરહદીય વિસ્તારમાં માર્ગો કે પગદંડી વિસ્તારમાં કોઇપણ પોલીસ કે હોમગાર્ડનાં જવાનો જોવા મળી રહ્યા નથી

(10:43 am IST)