Gujarati News

Gujarati News

News of Tuesday, 21st April 2020

શ્રાવણના ઉત્સવો, યાત્રાઓ, મેળાઓ પર સંકટ : કઠણાઇ 'ચિરંજીવી'

લોકોના ખિસ્સા ખાલી થઇ ગયા છે અને લોકડાઉન ખૂલે પછી પણ સોશ્યલ ડીસ્ટન્સ લાંબો સમય જાળવવાનું છેઃ ૨૧ જુલાઇથી શ્રાવણ મહિનો બેસે છે : ૩ ઓગષ્ટે રક્ષાબંધન : ૧૨ ઓગષ્ટે જન્માષ્ટમી : પરિસ્થિતિ જો અને તો આધારિત

રાજકોટ તા. ૨૧ : વિશ્વની સાથે ગુજરાતને પણ કોરોનાએ ભરડો લેતા જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. રામનમવી, હનુમાન જયંતિ, પરશુરામ જયંતિ, અખાત્રીજ, ગણેશ ચતુર્થી વગેરે લોકડાઉન દરમિયાન ઘર મેળે ઉજવાઇ રહ્યા છે. ઉત્સવો માટેનો મહત્વનો ગણાતો શ્રાવણ મહિનો નજીક આવી રહ્યો છે. શ્રાવણ મહિનામાં લોકડાઉન હોય તેવું અત્યારે દેખાતુ નથી પરંતુ સોશ્યલ ડીસ્ટન્સીંગના હેતુસર શ્રાવણના તમામ તહેવારો, ઉત્સવો, યાત્રાઓ અને લોકમેળાઓ પર સંકટ તોળાઇ રહ્યું છે. જો કોરોનાની રસી ન મળે અથવા અન્ય કોઇ રીતે સંપૂર્ણ કાબુમાં ન આવે તો સરકાર ભીડ ભેગી થાય તેવી ઉજવણીની મંજૂરી આપશે નહિ તેમ સરકારના ટોચના સૂત્રો જણાવે છે.

૨૧ જુલાઇથી શ્રાવણ મહિનાનો પ્રારંભ થનાર છે. ૨૭ જુલાઇએ સુદ પક્ષની શિતળા સાતમ છે. ૩ ઓગષ્ટે રક્ષાબંધન, ૧૨ ઓગષ્ટે જન્માષ્ટમી આવે છે. ૧૫ ઓગષ્ટે રાષ્ટ્રીય પર્વ છે. અત્યારની સ્થિતિ જોતા આટલા ટુંકાગાળામાં પરિસ્થિતિ સંપૂર્ણ થાળે પડી જાય તેવું દેખાતું નથી. લોકડાઉન રહે કે ન રહે સોશ્યલ ડીસ્ટન્સ અને માસ્ક સહિતની કાળજી ઘણા મહિનાઓ સુધી રાખવી પડશે તેમ વારંવાર અહેવાલો સામે આવી રહ્યા છે.

કોરોનામાં સોશ્યલ ડીસ્ટન્સીંગ અનિવાર્ય જરૂરીયાત છે. હાલ સરકારે સામાજિક, ધાર્મિક, આર્થિક સહિતના તમામ કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકયો છે. લોકડાઉનની મુદ્દત ૩ મે સુધી લંબાવેલ છે. ૩ મે પછી તબક્કાવાર અથવા એક સાથે છૂટ મળે તો પણ મોટી ભીડ ભેગી થાય તેવા કાર્યક્રમોની મંજૂરી મળવાની અત્યારે શકયતા દેખાતી નથી. કોરોનાનો કોઇ ઉપાય મળ્યો ન હોય અને શ્રાવણ મહિનો આવી જાય તો દર વર્ષની જેમ મોટી સંખ્યામાં લોકો ભેગા થઇને ઉત્સવ ઉજવી શકે તેવું માનવાનું કોઇ કારણ અત્યારે નજરે પડતું નથી.

સૌરાષ્ટ્રમાં શ્રાવણના તહેવારોની ભવ્ય ઉજવણી થાય છે. ધાર્મિક અને ફરવાલાયક સ્થળો પર ભારે ભીડ જામે છે. રાજકોટનો મેળો સમગ્ર ગુજરાતમાં પ્રસિધ્ધ છે. આ મેળાનું આયોજન જિલ્લા વહિવટી તંત્ર દ્વારા થતું હોય છે. તેની દોઢ મહિનો અગાઉ તૈયારી શરૂ થઇ જતી હોય છે. આ વખતે કોરોનાએ સમગ્ર પરિસ્થિતિ બદલી નાખી છે. આવતા દિવસોમાં જનઆરોગ્યની દ્રષ્ટિએ કેવી સ્થિતિ હશે તે કહેવું મુશ્કેલ છે. શ્રાવણના તહેવારો રાબેતા મુજબ આનંદથી ઉજવી શકાય તેવી લોકો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે. એક તરફ ધંધા - રોજગાર બંધ હોવાથી લોકોના ખીસ્સા ખાલી થઇ ગયા છે અને મોઢા પરથી નૂર ઉડી ગયા છે. બીજી તરફ શ્રાવણના તહેવારો નજીક આવી રહ્યા છે. કોરોનાની પરિસ્થિતિ અનિશ્ચિત છે. પરંપરાગત તહેવારો અને લોકમેળાઓના આયોજન વિશે અત્યારે જો અને તો જેવી પરિસ્થિતિ છે.

(10:21 am IST)