Gujarati News

Gujarati News

News of Tuesday, 21st April 2020

નર્મદામાં લોકડાઉન દરમિયાન પ્રજાની હાડમારી ઓછી કરવા કેટલીક શરતોને આધિન રહી કેટલીક છુટછાટ :જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હાલમાં નોવેલ કોરોના વાયરસના સંક્રમણ ને રોકવા માટે ભારત સરકાર દ્વારા લોકડાઉનનો સમય ગાળો ૩ મે સુધી લંબાવવામાં આવેલ છે. લોકડાઉનના સમયગાળામાં અનેક પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લાગુ કરવામાં આવેલ હતો, જે સંદર્ભે નર્મદા જિલ્લા મેજીસ્ટ્રેટ એમ.આર.કોઠારીએ ભારત સરકારની માર્ગદર્શિકાની જોગવાઇઓ મુજબ પ્રજાની હાડમારી ઓછી કરવાં માટે કેટલીક છુટછાટો જાહેર કરી તા.૨૦ મી એપ્રિલ થી કેટલીક શરતોને આધીન રહીને નીચે મુજબની પ્રવૃત્તિઓ શરૂ કરી શકાશે તે મુજબનું જાહેરનામુ પ્રસિધ્ધ કર્યું છે.
જેમાં તમામ આરોગ્ય વિષયક સેવાઓ (આયુષ સહિત) , કૃષિ અને સંલગ્ન પ્રવૃતિઓ , સમગ્ર કૃષિ અને બાગાયતી પ્રવૃતિઓ,માછીમારી/મત્સ્યોદ્યોગની પ્રવૃતિઓ, બગીચા ઓ(પ્લાન્ટેશન) ને લગતી પ્રવૃતિઓ, પશુપાલનમાં પ્રવૃતિઓ,નાણાકીય ક્ષેત્રમાં કેટલીક પ્રવૃતિઓ,સામાજિક ક્ષેત્રમાં પ્રવૃતિઓ,ઓનલાઈન શિક્ષણ/ દૂરવર્તી શિક્ષણ (Distance Learning),મનરેગા હેઠળની કામગીરી, જાહેર ઉપયોગિતાઓ માટે પ્રવૃતિઓ, રાજયની અંદર અને આંતર-રાજ્ય માલવાહકની અવર-જવર અને માલનું લોડિંગ-અનલોડિંગની પ્રવૃતિઓ,આવશ્યક ચીજવસ્તુનો પુરવઠા(સપ્લાય)ને લગતી બાબતો, વાણિજય અને ખાનગી સંસ્થાઓ જેવી પ્રવૃતિઓ, ઉદ્યોગો/ઔદ્યોગિક એકમો(સરકારી અને ખાનગી બન્ને),બાંધકામ પ્રવૃતિઓ ઉપરાંત કેટલાક કિસ્સાઓમાં વ્યક્તિઓની અવર-જવરની છૂટનો સમાવેશ થાય છે. તદ્દઉપરાંત ભારત સરકારની કચેરીઓ,તેની સ્વાયત્ત/તાબાની કચેરીઓ ઉપરાંત રાજ્ય સરકારની કચેરીઓ,તેની સ્વાયત સંસ્થા ઓ અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને કેટલીક શરતોને આધીન રહીને જરૂરી છુટછાટ અપાઇ છે.
કેટલીક વ્યકિતઓને ફરજિયાત પણે ક્વોરોનટાઈન હેઠળ રહેવાનું રહેશે.જેમ કે, જિલ્લા આરોગ્ય તંત્ર દ્રારા COVID-19નું સંક્રમણ અટકાવવા માટે નક્કી કરેલા સમયગાળા સુધી ફરજિયાત પણે હોમ / સંસ્થાકીય ક્વોરોનટાઈનમાં રહેવા જણાવવામાં આવેલ હોય તે વ્યક્તિઓ, ક્વોરોન્ટાઈન આદેશનો ભંગ કરનાર વ્યક્તિ વિરુધ્ધ ભારતીય દંડ સંહિતા ૧૮૬૦ ની કલમ-૧૮૮ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, ક્વોરોનટાઈન કરેલ ઈસમો, કે જેઓ ભારતમાં તા.૧૫/૦૨/૨૦૨૦ પછી આવેલ હોય અને તેમનો ક્વોરોનટાઈન સમયગાળો પૂર્ણ થયા બાદ COVID-19 નો રીપોર્ટ નેગેટીવ આવેલ હોય તેમને ભારત સરકારનાં ગૃહ વિભાગ દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલ એસ.ઓ.પી. મુજબ મુકત કરવાના રહેશે.
આ જાહેરનામાના પરિશિષ્ટ-૧ અને પરિશિષ્ટ-૨ માં નિર્દિષ્ટ સૂચનાઓનું તમામ વ્યક્તિઓ, સંસ્થાઓ, તમામ ઔદ્યોગિક અને વ્યવસાયિક મથકો, કાર્યસ્થળો, કચેરીઓ એ ઉપર દર્શાવ્યા મુજબની કામગીરી શરૂ કરતાં પહેલાં ચુસ્તપણે અમલવારી કરવાની રહેશે.
સદરહુ જાહેરનામાની અમલવારી નર્મદા જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ ની હકુમત હેઠળના નર્મદા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૨૦/૪/૨૦૨૦ ના ૦૦:૦૦ કલાક થી તા.૦૩/૦૫/૨૦૨૦ ના ૨૪:૦૦ કલાક સુધી(બન્ને દિવસો સહિત) કરવાની રહેશે.કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વિવિધ જાહેરનામા / આદેશોથી જે બાબતો પર પ્રતિબંધ મુકેલ નથી, તે બાબતો આ જાહેરનામાથી પ્રતિબંધિત ગણાશે નહી.
આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ વિરૂધ્ધ ભારતીય દંડ સંહિતા-૧૮૬૦ની કલમ-૧૮૮, ધ ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન, ૨૦૨૦ અને ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ - ૫૧ થી ૫૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકથી પોલીસ સબ ઇન્સપેકટર સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામા નો ભંગ કરનાર ઇસમો વિરૂધ્ધ ફરીયાદ કરવા માટે અધિકૃત કરવામાં આવેલ છે

(10:09 pm IST)