Gujarati News

Gujarati News

News of Tuesday, 21st April 2020

અમદાવાદ, રાજકોટ તેમજ સુરતમાં કરફ્યુને વધારાયો

કોરોનાના કેસોમાં ભડકો થતાં અંતે નિર્ણય : રાજ્યના મોટાભાગના કોરોનાના કેસો અમદાવાદ, સુરત તેમજ રાજકોટમાં થયા હોવાથી કરફ્યુ ૨૪મી સુધી વધ્યો

અમદાવાદ, તા. ૨૦ : અમદાવાદના કોટ વિસ્તાર સહિત સુરત અને રાજકોટમાં આજે કર્ફ્યુ લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા આ અંગેની જાહેરાત મોડેથી કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, રાજ્યના મોટાભાગના કેસો આ ત્રણેય શહેરોમાં આવી રહ્યા છે જેથી ગંભીર નોંધ લઇને આ ત્રણેય શહેરોમાં ૨૪મી એપ્રિલના સવારે છ વાગ્યા સુધી કર્ફ્યુ લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ રાજ્યમાં સૌથી વધારે કેસ ધરાવે છે. રાજ્યમાં કુલ નોંધાયેલા કેસો પૈકી એકલા અમદાવાદમાં ૫૦ ટકાથી પણ ઉપર કેસો નોંધાયા છે. આમા પણ ૩૮ મોત જે અમદાવાદમાં થયા છે તે પૈકી ૨૫થી વધુ મોત કોટ વિસ્તારમાં થઇ ચુક્યા છે. આવી જ સ્થિતિ રાજકોટમાં પણ રહેલી છે. રાજકોટમાં ૩૮ દર્દીઓથી વધુ નોંધાયા છે જે પૈકી ૩૦થી વધુ દર્દીઓ એકલા જંગલેશ્વરમાં નોંધાયા છે. આરોગ્ય સચિવ જ્યંતિ રવિએ પણ આજે માહિતી આપતા કહ્યું હતું કે, હોટસ્પોટ ગણાતા વિસ્તારોમાં કેસો એકાએક વધી રહ્યા છે. કોરોના વાયરસના કેસોની સંખ્યા વધી રહી છે. અમદાવાદમાં ૬૬ હોટસ્પોટ વિસ્તારમાં કેસો વધુ નોંધાઈ રહ્યા છે.

          અમદાવાદના જુદા જુદા ઝોનમાં અને ખાસ કરીને કોટ વિસ્તારમાં આવેલા ક્ષેત્રોમાં વધુ કેસ બની રહ્યા છે. આજે મોડી સાંજે રાજ્યના કેટલાક ભાગોમાં અન્ય નવા કેસો પણ નોંધાયા હતા.  આજે ગુજરાતમાં જે કુલ ૯૩ કેસ નોંધાયા હતા તે પૈકી ૫૦ ટકાથી પણ વધુ કેસો અમદાવાદમાં નોંધાયા હતા. કુલ ૬૧ કેસો આજે સપાટી પર આવ્યા હતા જેમાં ૩૬ પુરુષો અને ૨૫ મહિલાઓનો સમાવેશ થાય છે. અમદાવાદમાં જ આજે ચાર લોકોએ દમ તોડી દીધો હતો જે પૈકી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૪૨ વર્ષીય મહિલાનું મોત થયું હતું જ્યારે એસવીપી હોસ્પિટલમાં અન્ય ત્રણના મોત થયા હતા. ત્રણેયની વય મોટી વયની હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદમાં નવા નોંધાયેલા ડિસ્ચાર્જની વિગતો ઉપર ધ્યાન આપવામાં આવે તો આજે અમદાવાદમાં ૨૦ને રજા આપવામાં આવી હતી જે પૈકી ૧૫ પુરુષ અને પાંચ મહિલાઓનો સમાવેશ થાય છે. અમદાવાદમાં કેસોમાં વિસ્ફોટ થઇ રહ્યો હોવાથી તંત્ર દ્વારા વધારે તકેદારી રાખવામાં આવી રહી છે. અમદાવાદમાં કુલ કેસોની સંખ્યા વધીને ૧૨૪૮ પર પહોંચી છે જે રાજ્યમાં નોંધાયેલા કુલ કેસો પૈકી મોટાભાગના કેસોની સંખ્યા છે.

(9:49 pm IST)