Gujarati News

Gujarati News

News of Tuesday, 21st April 2020

સરકારની માર્ગદર્શિકા હેઠળ યુનિવર્સિટી ચાલુ ન થઇ શકી

ગુલબાઈ ટેકરામાં દર્દીઓ મળતા અડચણો : ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિ, ઉપકુલપતિની હાજરીમાં સેનેટાઈઝ પ્રક્રિયા યોજાઈ : કેમ્પસમાં વ્યવસ્થા માટે તૈયારી

અમદાવાદ, તા. ૨૦ : ગુજરાત રાજ્યમાં આજથી સરકારી કચેરીઓ, વિશ્વ વિદ્યાલયો, કોલેજ સંસ્થાઓ, ઔૈદ્યોગિક એકમો પ્રારંભ કરી કોરોનામાં લોકડાઉન થયેલી પ્રવૃત્તિઓને પુનઃ ક્રમશઃ થમથમતી કરવાનો રાજ્ય સરકાર તરફથી યોગ્ય પ્રયાસ કરાયો છે. આ પ્રયાસના પરિણામે ધીમે ધીમે રાજ્યમાં સ્થિતિ સામાન્ય થશે તેમ લાગે છે. અમદાવાદ મહાનગરમાં નવરંગપુરા વિસ્તારની આસપાસ આવેલી ચાર યુનિવર્સિટી છે. આ યુનિવર્સિટીમાં જીએલએસ, ગુજરાત યુનિવર્સિટી, સેપ્ટ, અમદાવાદ યુનિવર્સિટી ઉપરાંત આઈઆઈએમએલ, એલડી એન્જિનિયરિંગ કોલેજ, પોલીટેકનિક, ગર્લ્સ પોલિટેકનિક, તથા કેસીજી જેવા મહત્વના સ્થાનો આવેલા છે. નવરંગપુરા વિસ્તારમાં ગુલબાઈ ટેકરા વસાહતમાં કોરોનાના દર્દીઓ મળી આવ્યા છે તેમજ અન્ય સોસાયટીઓમાં પણ કેટલાક દર્દીઓ મળ્યા છે. આ બધાના પરિણામે આ વિસ્તારમાં આવેલી યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ પ્રારંભ કરવામાં અડચણ આવી રહી છે.

રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી આજે ૨૦મી તારીખથી સરકારની માર્ગદર્શિકા મુજબ ચાલુ થઇ શકી ન હતી. ગુજરાત સરકારના દિશા દર્શન હેઠળ આજે ગુજરાત યુનિવર્સિટી પ્રારંભ થઇ નથી તે સંદર્ભે પુછવામાં આવતા યુનિવર્સિટીના ઉપકુલપતિ ડોક્ટર જગદીશ ભાવસારે જણાવ્યું હતું કે, વર્ગ-૧, વર્ગ-૨ના અધિકારીઓ તેમજ ૩૩ ટકા સ્ટાફ સાથે ૨૦મી તારીખ યુનિવર્સિટીને કાર્યરત કરવા માટેનું આયોજન ૧૮મી એપ્રિલના દિવસે યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાની ઉપસ્થિતિમાં યોજાયેલી તાકીદની બેઠકમાં હાથ ધરીને આવશ્યક વ્યવસ્થાઓ ઉભી કરાઈ હતી. જો કે, આ વિસ્તાર વિશિષ્ટ પરિસ્થિતિ ધરાવતો હોવાથી તેનો અમલ થઇ શક્યો નથી. ગુજરાત યુનિવર્સિટી દ્વારા આ અંગેના તમામ પરિપત્રો રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના માર્ગદર્શન માટે યુનિવર્સિટી અને કોલેજ માટે કરી દીધા હતા. આજે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યા, ઉપકુલપતિ જગદીશ ભાવસાર સહિતના લોકો એસ્ટેટ ઇજનેર કાર્યાલય ખાતે હાજર રહીને કેમ્પસ સફાઈ, ટાવર અને કેમ્પસ સેનેટાઇઝેશનની કામગીરી હાથ ધરાઈ હતી. કેમ્પસમાં આવશ્ય વ્યવસ્થાઓ સલામતીની ઉભી કરવા આયોજન હાથ ધરવા આવશ્યક ગતિવિધિ કરવા નક્કી કરાયું હતું.

(9:51 pm IST)