Gujarati News

Gujarati News

News of Tuesday, 21st April 2020

રાજ્યમાં પ્રથમ દિવસે 6 હજાર ઉદ્યોગો ધમધમ્યાં : 45 હજાર જેટલા કામદારો -શ્રમિકોએ કામ શરૂ કર્યું

કેન્દ્ર સરકારની ગાઇડલાઇન્સ મુજબ ઉદ્યોગો શરૂ કરવાના મુખ્યમંત્રીના નિર્ણયને વ્યાપક પ્રતિસાદ: બે-દિવસમાં અલંગ શીપબ્રેકીંગ યાર્ડ સહિત ૧પ હજાર ઊદ્યોગ એકમો શરૂ થવાનો અંદાજ

અમદાવાદ : મુખ્યમંત્રીવિજયભાઇ રૂપાણીએ કોરોના વાયરસની પ્રવર્તમાન સ્થિતીમાં જાહેર થયેલા તા.૩ મે સુધીના લોકડાઉન દરમ્યાન આર્થિક પ્રવૃત્તિઓ શરૂ કરવા તા. ર૦ એપ્રિલ સોમવારથી ઊદ્યોગ એકમો શરૂ કરવા માટેની છૂટછાટો અંગે ભારત સરકારની ગાઇડલાઇન્સના સંદર્ભમાં રાજ્યમાં પણ ઊદ્યોગ-વાણિજ્ય પ્રવૃત્તિઓ શરૂ કરવાના કરેલા નિર્ણયને સફળ પ્રતિસાદ સાંપડયો છે.
  રાજ્યમાં મહાનગરપાલિકા-નગરપાલિકા હદ વિસ્તાર સિવાયના વિસ્તારોમાં ઊદ્યોગ એકમો સોશીયલ ડિસ્ટન્સીંગ નોર્મ્સ અને કામદારો શ્રમિકોમાં કોરોના સંક્રમણ વધે નહિ તેની તકેદારી સાથે ફરી શરૂ કરવા દેવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતામાં રાજ્યના ૬ હજાર ઊદ્યોગ-એકમો પ્રથમ દિવસે સોમવારે કાર્યરત થયા છે.
  ગુજરાતમાં તા. ર૦ એપ્રિલ સોમવારે જે ૬ હજાર જેટલા ઊદ્યોગ એકમો કાર્યરત થયા છે તેમાં ૪૦ થી ૪પ હજાર શ્રમિકો-કામદારો ફરજ પર આવીને રોજગારી મેળવતા થયા છે.
જે ઊદ્યોગ એકમો વિવિધ જિલ્લાઓમાં પૂન: શરૂ થયા છે તેમાં અમદાવાદ 1000 રાજકોટ 350 વડોદરા 600, સુરત 250, ભરૂચ 450, વલસાડ 600, મોરબી 400, ગાંધીનગર 400, કચ્છ 750 અને બાકીના જિલ્લાઓમાં અંદાજે  850 જેટલા એકમો શરૂ થયા છે.
  આ એકમોમાં મોટાભાગે કેમિકલ્સ, સિરામીક ટાઇલ્સ, સિમેન્ટ અને લઘુ ઊદ્યોગોનો સમાવેશ થાય છે. ભાવનગરના અલંગ શીપબ્રેકીંગ યાર્ડને પૂન: શરૂ કરવાની પરવાનગી પણ આપી દેવામાં આવી છે અને તે આવનારા બે-ત્રણ દિવસમાં કાર્યરત થતાં હજારો શ્રમિકોને રોજગારી મળતી થશે.
  રાજ્યમાં ઊદ્યોગોને અપાઇ રહેલી પરવાનગીઓ ધ્યાનમાં લેતાં આગામી બે દિવસમાં ૧પ હજારથી વધુ એકમો કાર્યરત થવાનો અંદાજ છે.
  મુખ્યમંત્રીએ લોકડાઉનના સમય દરમ્યાન શ્રમિકો-કામદાર વર્ગોને રોજગારી-આર્થિક આધાર મળી રહે સાથોસાથ સોશિયલ ડિસ્ટન્સીંગ સહિતના ભારત સરકારના દિશાનિર્દેશોનું ચુસ્ત પાલન થાય તેની તકેદારી સાથે રાજ્યમાં ઊદ્યોગ એકમો કાર્યરત કરવા જિલ્લાકક્ષાએ કલેકટરની અધ્યક્ષતામાં ૬ સભ્યોની સમિતિની રચના કરેલી છે.
  આ સિમિતી ઊદ્યોગ શરૂ કરવાની પરવાનગી આપવા સાથે ગાઇડલાઇન્સના પાલન અંગેની પણ સતર્કતા રાખે છે જે ઊદ્યોગો ભારત સરકારના દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કે ચૂક કરે તો આવા એકમોની પરવાનગી પરત લઇ લેવાના સત્તાધિકારો પણ મુખ્યમંત્રીએ આ સમિતિને આપ્યા છે.
  રાજ્ય સરકારે ઊદ્યોગો શરૂ કરવા શરતો-નિયમોને આધિન આપેલી છૂટછાટો અંગે વિવિધ ઔદ્યોગિક સંગઠનોએ રાજ્ય સરકારનો અને મુખ્યમંત્રીનો આભાર વ્યકત કર્યો છે.
  જેટ્રો-જાપાન એકસર્ટનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશને પણ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને ગુજરાત સરકારે ઊદ્યોગ ફરી શરૂ કરવા આપેલી છૂટ અંગે આભાર માનતાં જણાવ્યું છે કે, આ નિર્ણયને પરિણામે કામદારો-શ્રમિકોને પૂન: રોજગારી મળી થઇ જશે. તેમણે કોરોના વાયરસના સંક્રમણ સામે રાખવાની તકેદારીઓનો ભારત સરકારની ગાઇડલાઇન્સ મુજબ ચુસ્તપણે રાજ્યમાં અમલ કરાવવાની સંકલ્પબદ્ધતાની પણ સરાહના કરી છે.
  અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, પરવાનઞી મેળવેલ ઉદ્યોગોએ  કારીગરો માટે ફેક્ટરી સંકુલમાં જ રહેવાની વ્યવસ્થા રાખવી પડશે. સાથોસાથ દરેક કર્મચારીએ માસ્ક પહેરવાનું રહેશે તેમજ નક્કી કરવામાં આવેલ ત્રણ ફૂટનું અંતર રાખવાનું અને ફેકટરીને સેનિટેશન કરવી વિગેરે કાર્યવાહી પૂર્ણ કરવાની રહેશે. જો તેમાં નિષ્ફળ જશે તો પરવાનગી રદ થવાને પાત્ર રહેશે તેવી જોગવાઇ પણ કરવામાં આવી છે
પ્રવર્તમાન લોકડાઉનની સ્થિતીમાં ઉદ્યોગો સરળતાથી ઉત્પાદન કરી શકે અને તેમાં કોઈ મુશ્કેલી આવે તો તે માટે સંકલન હેતુથી ઉદ્યોગ કમિશનર કચેરી ગાંધીનગર ખાતે એ કન્ટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે- ટેલીફોન નંબર ૦૭૯ ૨૩૨૫૨૫૩૫ Email  iccontrlroom2020gmail.com  છે

(9:44 pm IST)