Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

મોબાઇલ એપ દ્વારા ક્રિકેટનો સટ્ટો રમાડતાં સાત ઝડપાયા

કુબેરનગર ખાતે ક્રાઇમબ્રાંચનો દરોડોઃ આરોપીઓની પાસેથી ૧૧ મોબાઇલ, ટીવી, રોકડ તેમજ બે ગાડી સહિત ૯.૬૧ લાખનો મુદ્દામાલ જપ્તઃ વધુ તપાસ

અમદાવાદ,તા. ૨૧: આઇપીએલ-ટી ૨૦ ક્રિકેટની સીઝન જામી છે ત્યારે સટોડિયાઓ પણ કમાવી લેવાના મૂડમાં છે પરંતુ પોલીસ પણ આવા સટોડીયાઓ પર બાજ નજર રાખીને બેઠી છે. શહેરના કુબેરનગર વિસ્તારમાંથી માધવાણી ભવનમાંથી પોલીસે મોબાઇલ ફોનની એપ્સ મારફતે આઇપીએલ ક્રિકેટ સટ્ટો રમાડતાં સાત આરોપીઓની શહેર ક્રાઇમબ્રાંચે ધરપકડ કરી લીધી હતી. પોલીસે આરોપીઓ પાસેથી ૧૧ મોબાઇલ, ટીવી, રોકડ અને બે ગાડી સહિત કુલ રૃ.૯.૬૧ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગેની વિગત એવી છે કે, શહેર ક્રાઇમબ્રાંચને કુબરેનગર વિસ્તારમાં માધવાણી ભવન ખાતે સટોડિયાઓ દ્વારા આઇપીએલ ટી-૨૦ મેચ પર સટ્ટો રમાડાઇ રહ્યો હોવાની બાતમી મળી હતી, જેના આધારે પોલીસે ગઇકાલે ઉપરોકત સ્થળે અચાનક જ દરોડો પાડયો હતો. એ સમયે આરોપીઓ ચેન્નાઇ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચ પર સટ્ટો રમાડી રહ્યા હતા. પોલીસે ઘટનાસ્થળેથી આરોપી મનોહર ઉર્ફે મનુ માધવાણી, રાજેશ ગોલાણી, હરેશ મૂલચંદાણી, બરત ગોપલાણી, કિશન ઉધવાણી, પ્રકાશ લુલ્લા અને ધવન શર્માની ધરપકડ કરી લીધી હતી. આ રેડ દરમ્યાન આ સાત આરોપીઓ પૈકીના આરોપી રાજેશ ગોલાણી, પ્રકાશ લુલ્લા અને કિશન ઉધવાણી દારૃ પીધેલી હાલતમાં મળી આવતાં પોલીસે તેઓની વિરૃધ્ધ સટ્ટાના ગુના ઉપરાંત પ્રોહીબીશનનો ગુનો પણ દાખલ કર્યો હતો. આરોપીઓની પૂછપરછ દરમ્યાન તેમણે કબૂલાત કરી હતી કે, તેઓ ક્રિકેટ મઝા, ક્રિકેટ લાઇવલાઇન અને ક્રિકબઝ નામની મોબાઇલ એપ્સ દ્વારા સ્કોર જોઇને નાના ચિલોડા ખાતે રહેતા કમુ સિંધી પાસે સટ્ટો કપાવતા હતા. આરોપીઓની કબૂલાતના આધારે પોલીસે કમુ સિંધી નામના શખ્સની પણ શોધખોળ શરૃ કરી છે.  દરોડા દરમ્યાન પોલીસે આરોપીઓ પાસેથી ૧૧ મોબાઇલ, ટીવી, રોકડ, બે ગાડી સહિત કુલ ૯.૬૧ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

(9:30 pm IST)